ફિલ્મી કવિઓની ઠંડી !

આપણા ફિલ્મી કવિઓ વરસો પહેલાં ઠંડી વિશે જે ગાયનો લખી ગયા છે તેની પાછળ રહેલા ‘ગૂઢાર્થ’ તો જ્યારે આપણી ઉપર ઠંડી પડે ત્યારે જ સમજાય છે ! દાખલા તરીકે…

*** 

‘ઠંડી ઠંડી હવા મેં દિલ લલચાયે
હાયે રે જવાની દિવાની.
પંખ બિના યે ઉડતી જાય
હાયે રે જવાની દિવાની.’

- અહીં કવિ સવાર સવારના શાલ ઓઢીને દૂધની કોથળી લેવા નીકળ્યા છે ત્યાં એમને મસ્ત ટ્રેક-સૂટ પહેરેલી છોકરીઓ જોગિંગ કરતાં જઈ રહી છે તે દૃશ્ય દેખાઈ રહ્યું છે !

*** 

‘મુજ કો ઠંડ લગ રહી હૈ
મુજ સે દૂર તૂ ન જા…’

- અહીં કવિને ઊંઘમાંથી ઉઠાડવા માટે પત્નીએ રજાઈ ખેંચી લીધી છે ! કવિ આ પંક્તિઓ રજાઈને સંબોધીને કહી રહ્યા છે !

*** 

‘ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે
ગાના આયે યા ન આયે
ગાના ચાહિયે…’

- અહીં કવિ બાથરૂમમાં બેઠા છે. ડોલમાં પાણી ઠંડુ છે ! પણ બહાર પત્ની તથા મા-બાપને ઉલ્લુ બનાવવા માટે ટમ્બલર વડે પાણી ઢોળવાનો અવાજ કરીને જોડે જોડે ગાઈ રહ્યા છે !

(હકીકતમાં કવિનો આ નાહ્યા વિનાનો સાતમો દિવસ છે.)

*** 

‘જબ ચલી ઠંડી હવા
જબ ઊઠી કાલી ઘટા
મુજ કો એ જાને વફા
તુમ યાદ આયે…’

- અહીં કવિને છેલ્લા મુશાયરાનો પંદરસો રૂપિયાનો પુરસ્કાર હજી મળ્યો નથી ! બીજી તરફ પોતે ઠંડીમાં ઠૂંઠવાતા તિબેટિયન માર્કેટમાં ઊભા છે… સામે મસ્ત 1500 રૂપિયાનું સ્વેટર લટકી રહ્યું છે… એટલે કવિને મુશાયરાનો આયોજક યાદ આવી રહ્યો છે !

*** 

‘ઓ મહેકી મહેકી ઠંડી હવા
યે બતા, મેરે યાર કી ગલી કા
ક્યા તુજ કો હૈ પતા…’

અહીં કવિને હવામાં મદિરાની મહેક આવી ગઈ છે ! તે હવા પાસે મદિરાલયનું સરનામું પૂછી રહ્યા છે !

*** 

‘ઠંડી હવા યે ચાંદની સુહાની
એ મેરે દિલ સુના કોઈ કહાની…

- અહીં કવિએ ઠંડી ઉડાડવા જે ક્વાટરિયું પીધું હતું તેના કારણે પોતે ગટરમાં ગબડી પડ્યા છે ! હવે જ્યારે પાડોશીઓ એમને બહાર કાઢીને પૂછે છે કે ‘કવિ શું થયું હતું ।’ ત્યારે કવિને કોઈ કહાણી સુઝી રહી નથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments