શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોમાં ઘણીવાર બિચારા એવા લોકો પહોંચી જાય છે જેમને શાસ્ત્રીય સંગીતમાં કંઈ ખબર જ પડતી નથી !
આવા લોકો માટે એક માર્ગદર્શિકા છે કે ત્યાં જઈને શું શું ના કરવું ! … સમજી લો.
***
સાજિંદાઓ હજી સૂર મેળવવા માટે ‘ટૂન ટૂન… ટક ટક… ટપ ટપ…’ કર્યા કરતા હોય ત્યારે અચાનક ‘વાહ વાહ !’ નહીં બોલી પડવાનું !
***
પ્રોગ્રામ ચાલુ થયા પછી પણ જ્યાં બધા લોકો ચૂપચાપ સાંભળી રહ્યા હોય ત્યારે અચાનક ઊભા થઈને ‘વાહ વાહ ! ક્યા બ્બાત… ક્યા બ્બાત !’ એવું નહીં કરવા માંડવાનું !
***
ખાસ ધ્યાન આપો… સ્ટેજ ઉપર પરફોર્મ કરી રહેલા ગાયકના ચહેરા ઉપર જો તમને પીડા, દર્દ, તકલીફ, ત્રાસ, જુલમ… જેવા હાવભાવો દેખાવા લાગે તો તાત્કાલિક ‘એમ્બ્યુલન્સ’ બોલાવવાની નથી !
***
કલાકારને બધા મળવા જતા હોય ત્યાં જઈને સેલ્ફી પડાવ્યા પછી એવું નહીં પૂછવાનું કે ‘ઘરે સંગીતનું ટ્યૂશન આપવાનો શું ચાર્જ રાખ્યો છે, બોસ ?’
***
શાલ, સ્વેટર, મફલર, જાકીટ એવું બધું વ્યવસ્થિત પહેરીને જવું. નહિતર ઠંડી લાગવાથી તમે ‘ઉહુહુહુહ….’ જેવા શાસ્ત્રીય અવાજો કરશો તો તમને જ સ્ટેજ ઉપર બોલાવી લેશે !
***
ફોન તો સાયલન્ટ પર જ રાખવો. છતાં ભૂલેચૂકે સાયલન્ટ ઉપર રાખવાનું ભૂલી જાવ તો રીંગટોનમાં ‘યા… હૂ ! ચાહે કોઈ મુઝે જંગલી કહે…’ ની ટ્યૂન નથી રાખવાની !
***
અને ખાસ, આપણા ડાયરાઓની માફક અહીં કલાકારો ઉપર દસ દસ રૂપિયાની નોટોની થોકડીઓ ઉડાડવાની નથી !
***
બેસણામાં આવ્યા હો એ રીતે લમણે હથેળી મુકીને બેસી રહેવાનો વાંધો નથી પરંતુ જો એમ કરતાં કરતાં ઊંઘ આવી જાય અને નસકોરાં બોલતાં હોય… તો આ પ્રયોગ ટાળવો !
***
અને હા, પાર્કિંગમાં તમારું વાહન છેક અંદર ના મુકતા. કેમકે અધવચ્ચેથી જતા રહેવું હશે તોય છેક બે વાગ્યા સુધીની કેદ થઈ જશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment