વર્સ્ટ ફિલ્મી એવોર્ડઝ 2022 !

2022નું વરસ હિન્દી ફિલ્મો માટે 2020 કરતાં પણ ખરાબ રહ્યું કેમકે કોરોના ના હોવા છતાં ભલભલી ફિલ્મોની મરણપથારીઓ બિછાવાઈ ગઈ ! ગયા વરસની અમુક ફિલ્મી ઘટનાઓ પણ વર્સ્ટ એવોર્ડ્ઝને લાયક છે ! જુઓ….

*** 

વર્સ્ટ ફિલ્મ ઓફ ધ યર
‘બ્રહ્માસ્ત્ર’ અને ‘કાશ્મીર ફાઈલ્સ’… બન્ને ! કેમકે સ્યુડો-સેક્યુલરોને ‘કાશ્મીર ફાઈલ્સ’ બહુ જ ખરાબ લાગી અને સ્યુડો-હિંદુવાદીઓને ‘બ્રહ્માસ્ત્ર’ !

*** 

વર્સ્ટ એકટર ઓફ ધ યર
આમિર ખાન… જ્યારે એ કહી રહ્યો હતો કે ‘જો મારી ફિલ્મથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું !’ આનાથી ખરાબ ‘અભિનય’ બીજો કયો હોઈ શકે ?

*** 

વર્સ્ટ એકટ્રસ ઓફ ધ યર
કંગના રાણાવત.. જેની ‘ધાકડ’ જોવા લોકો આવ્યા જ નહીં છતાં પોતે સુપર-સ્ટાર છે તેવી એક્ટિંગ ચાલુ જ રાખી !

*** 

વર્સ્ટ સપોર્ટિંગ એકટ્રેસ
કરીના કપૂર… જ્યારે ‘લાલ સિંહ ચઢ્ઢા’ના સપોર્ટમાં બિચારી બોલી રહી હતી કે ‘હમ ને બહોત મહેનત કી હૈ, આપ લોગ પ્લીઝ ફિલ્મ દેખને જાઈએ !’

*** 

વર્સ્ટ સપોર્ટિંગ એકટર
મહારાષ્ટ્રના મિનિસ્ટર નવાબ મલિક… જે આર્યન ખાનના સપોર્ટમાં રોજ સવાર પડે ને સમીર વાનખેડે સામે આક્ષેપો કરતા રહ્યા !

*** 

વર્સ્ટ ફાઈટ ઓફ ધ યર
અજય દેવગણ અને કમલ હાસન… જે હિન્દી અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી કોણ સારું એવી વાહિયાત બાબતે બાખડી પડ્યા હતા !

*** 

વર્સ્ટ ડાન્સ ઓફ ધ યર
‘તેરી ઝલક શ્રીવલ્લી’… જોઈને હજારો લોકો જે રીતે સોશિયલ મિડીયામાં એક પગે સ્લીપર ઢસડી ઢસડીને ચાલવા માંડ્યા હતા !

*** 

વર્સ્ટ સોંગ ઓફ ધ યર
એ જ ‘પુષ્પા : ધ રાઈઝ’નું ગાયન… ‘ઉં… અંટા… વાંઆં…’ યાર, કોઈ કહેશે કે એનો મિનિંગ શું થાય ?

*** 

વર્સ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક
તમામ ન્યુઝ ચેનલો… જેમણે આર્યન ખાન કેસ, ફિલ્મોના બોયકોટ, બોલીવૂડ બોયકોટ અને સાઉથ નોર્થ વિવાદમાં માત્ર અને માત્ર ઘોંઘાટ ફેલાવ્યે રાખ્યો !

***

- મન્નુ શેખચલ્લી

Comments