ફિલ્મી એવોર્ડઝ 2022

2022નું વરસ હિન્દી ફિલ્મના સ્ટાર લોકો માટે યાદગાર રહ્યું છે : યાદગાર એટલા માટે કે ગયા વરસે એમને જે લપડાકો પડી છે એ તો વરસો સુધી યાદ રહેશે ! જુઓ એવોર્ડ્ઝ લિસ્ટ…

*** 

ફાઈટર ઓફ ધ યર
અક્ષયકુમાર… કેમકે બેક-ટુ-બેક ચાર-ચાર ફિલ્મો ફ્લોપ જવા છતાં એ ભાઈ પોતાના જ ગાલે તમાચા મારીને લાલ રાખવાની કોશિશમાં રહ્યા.

*** 

મંદબુદ્ધિ ઓફ ધ યર
આમિર ખાન.. કેમ કે એક તો 18 વરસ જુની હોલીવૂડ મુવીની કોપી મારવા બેઠો અને એમાં પોતાની ‘અક્કલ’ વાપરવા જતાં દુશ્મન દેશના ફૌજીને ભારતમાં ઘૂસાડીને બિઝનેસ-પાર્ટનર બનાવવા જેવી સ્ટોરી ઘૂસાડી.

*** 

સ્ટુડન્ટ ઓફ ધ યર
અભિષેક બચ્ચન… કેમકે ભાઈ ‘દસવી’માં સાવ નાપાસ થયા અને હજી યે પિતાજી પાસેથી કશું શીખતા નથી !

*** 

જોકર ઓફ ધ યર
રણવીર સિંહ… ઘડીકમાં પત્નીનાં કપડાં પહેરીને ફોટા પડાવ્યા, ઘડીકમાં કપડાં વિના જ ફોટા પડાવ્યા.. અને બાકી હતું તે ‘સર્કસ’માં જોક્સ મારવાનો થયો !

*** 

એનિમલ ઓફ ધ યર
વરુણ ધવન : ….જેની હરિફાઈ RRRના પેલા જાડીયા પાડીયા વાઘ ઉપરાંત ડઝનબંધ બીજાં પ્રાણીઓ સાથે હતી. પણ એણે ટક્કર આપી, ‘ભેડીયા’ બનીને ! (નો એનિમલ્સ વેર હર્ટ.)

*** 

ડબલ રોલ ઓફ ધ યર
રિશી કપૂર અને પરેશ રાવલ… ભૈસાબ, એક જ રોલ અને એકટરો બે ! (શર્માજી નમકીન) આવું તો વર્લ્ડ સિનેમાના ઇતિહાસમાં નથી બન્યું !

*** 

રનર ઓફ ધ યર
તાપસી પન્નુ… બિચારી ‘લૂપ લપેટા’માં કારણ વિના દોડી, ‘શાબાશ મિઠ્ઠુ’માં રન લેવા દોડી અને ‘દોબારા’માં પ્રેક્ષકોને શોધવા દોડી… પણ છેવટે રન-આઉટ !

*** 

બાપ ઓફ ધ યર
શાહરૂખ ખાન… કેમ કે પોતાના દિકરાને ડ્રગ્સના કેસમાંથી છોડાવવા માટે બધું જ કર્યું અને ઉપરથી પોતાના સ્વભાવથી વિરુદ્ધ ચૂપ પણ રહ્યો !

***

- મન્નુ શેખચલ્લી

Comments