તમારી પાસે બે ગાય છે ?

તમને કહેવામાં આવે છે કે તમારો મત ‘કિંમતી’ અને ‘પવિત્ર’ છે ! મતદાન કરવું એ તમારી ‘ફરજ’ છે ! મતદારો બહુ ‘શાણા’ છે… વગેરે વગેરે. આવં બધું સાંભળીને ક્યારેક તમને લોકશાહી નામની સિસ્ટમ વિશે જ સવાલો થવા માંડે છે. રાઈટ ?

તો દેશ ચલાવવાની અન્ય સિસ્ટમોની સરખામણી કરવા માટે ‘બે ગાયો’નું બહુ જાણીતું ઉદાહરણ છે…

***

સમાજવાદ : તમારી પાસે બે ગાય છે. તમારે એક ગાય પાડોશીને આપી દેવી પડશે કેમકે એ ગરીબ છે.

સામ્યવાદ : તમારી પાસે બે ગાય છે. સરકાર તમારી બન્ને ગાયો છીનવી લે છે અને તમારું જ દૂધ તમને વેચે છે.

ફાસીવાદ : તમારી પાસે બે ગાય છે. સરકાર બન્ને ગાયો છીનવી લે છે. એકને ગોળી મારી દે છે. બીજીનું દૂધ દોહીને ઢોળી નાંખે છે. કેમકે દૂધ દેશના લોકોને પાંગળા બનાવે છે.

મૂડીવાદ : તમારી પાસે બે ગાય છે. તમે એક ગાય વેચી દો છો. પછી ઉધારી કરીને સાંઢ ખરીદો છો અને તેનું વ્યાજ ચૂકવતા રહો છો !

જોકે આજે દુનિયામાં દરેક દેશની અલગ અલગ સિસ્ટમો ચાલી રહી છે. આ ‘બે ગાય’વાળું જો આગળ ચલાવીએ તો ગમ્મત પડે એવું છે ! જુઓ…

*** 

ચાઇનિઝ સિસ્ટમ : 
તમારી પાસે બે ગાય છે. સરકાર બન્ને ગાયો લઈ લે છે અને તેને દોહવા માટે 200 જણાને કામે લગાડે છે. પછી દાવો કરે છે કે દેશમાં બેરોજગારી દૂર થઈ ગઈ છે અને ઉત્પાદન વધી ગયું છે.

***

પાકિસ્તાની સિસ્ટમ : 
તમારી પાસે બે ગાય છે. પણ ગામમાં ચાર ભરવાડ છે. એ લોકો ગાયો માટે ખેંચમતાણી કરે છે. ઝપાઝપીમાં ગાયોના પગ-માથાં-શિંગડાં બધું ભાંગી જાય છે. સરકાર અમેરિકા પાસે દૂધ માગે છે પણ અમેરિકા દૂધને બદલે બંદૂકો આપીને કહે છે કે તમે ભરવાડોને કાબૂમાં રાખો. છેવટે તમે અમેરિકન દૂધ પીતાં પીતાં અમેરિકાને જ ગાળો આપો છો !

***

શ્રીલંકાની સિસ્ટમ : 
તમારી પાસે બે ગાય છે. જે તમે ચીન પાસેથી ઉધારમાં લીધી છે. તમે એ બન્ને ગાયનું દૂધ ઓહિયાં કરી ગયા. ચીન ઉધારી માગવા આવ્યું તો તમે IMF પાસે ગાયો માગી. તમે એનું દૂધ પણ ઓહિયાં કરી ગયા. હવે દુનિયા તમારી દયા ખાય છે અને તમે ગાયના દૂધનું માખણ ખાઈ રહ્યા છો.

***

અફઘાનિસ્તાની સિસ્ટમ : 
તમારી પાસે 200 ગાય છે. એમાંની એકેય દૂધ આપતી નથી. પણ અમેરિકાને અહીં આખી ડેરી દેખાય છે એટલે તેઓ 200 ઘોડા લઈને 200 ગાયોને કાબૂમાં કરવા આવે છે. ગાયો ઘોડેસવારોને શિંગડાં મારીને ભગાડી દે છે. હવે તમારી પાસે 200 મારકણી ગાયો અને 200 ઘોડા છે પણ દૂધનું એક ટીપું ય નથી.

***

બ્રિટિશ સિસ્ટમ : 
તમારી પાસે બે ગાય છે. પણ ગાયોનું ક્રોસ-બ્રિડીંગ કરવા તમે યુરોપથી બીજી બે ગાયો મંગાવો છો. યુરોપની ગાયો તમારી ગાયોનું દૂધ પી જાય છે એટલે તમે એ ગાયોને તગેડી મૂકો છો. પણ હવે તમારી ગાયો વસૂકી જવા આવી છે એટલે તમે એક ભારતીય ભરવાડને એનું દૂધ દોહવા બોલાવો છો.

***

ઇન્ડિયન સિસ્ટમ : 
તમારી પાસે બે ગાય છે. એમાંની 4 ગાયો તમે લિસ્ટેડ કંપનીને વેચો છો. તેની સામે તમે 40 ગાયોની લેટર ઓફ ક્રેડિટ મેળવો છો જે તમારા સાળાની બેન્ક છે. પછી તેને ડેબ્ટ/ઇક્વીટી ઓફ આપીને 500 ગાયો ટેક્સ એક્ઝેમ્પ્શન સાથે પાછી ખરીદી લો છો. આ 600 ગાયોનું દૂધ વેચવાના હક્ક તમે વિદેશી ટેક્સ હેવન ભોગવતી બોગસ કંપનીને આપો છો જે તમને પાણીના ભાવે તમારી પહેલી લિસ્ટેડ કંપનીને પાછા આપે છે. 

હવે તમારી કંપનીનો એન્યુઅલ રિપોર્ટ કહે છે કે તમારી પાસે 800 ગાયો છે ! અને ગાયો ભારતમાં પવિત્ર ગણાય છે !

***

સ્વિટ્ઝરલેન્ડની સિસ્ટમ : 
તમારી પાસે એક પણ ગાય નથી પણ તમે દુનિયાની 5000 ગાયોની મલાઈ સાચવવાનું ભાડું વસૂલો છો !

***

-મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment