સફળતાના (સુધારેલા) મંત્રો !

વોટસએપમાં રોજ સવાર પડે ને સાત જાતના ‘સફળતાના મંત્રો’ આવી પડે છે ! જોકે અમુક મંત્રો એવા છે કે એમાં થોડો સુધારો કરવાથી વધુ સફળતા મળવાના ચાન્સ છે ! જુઓ…

*** 

પોતાની કમાણીમાંથી ઓછામાં ઓછો ખર્ચ થાય એવું જીવન જીવો.
(ટુંકમાં, વિધાનસભ્ય અથવા સંસદસભ્ય બની જાવ !)

*** 

દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિઓની પ્રસંશા કરવાનું રાખો.
(બોસ, પત્ની અને… અરીસો !)

*** 

તમારી પાછળ ઊભેલી વ્યક્તિને ક્યારેક આગળ જવાનો ચાન્સ આપો.
(ખાસ કરીને શૌચાલયની લાઈનમાં !)

*** 

શક્ય હોય તો રોજ સવારે ઉગતા સૂર્યને જોવાનું રાખો.
(મતલબ કે પાર્ટીઓ છેક સવાર સુધી ચલાવો !)

*** 

પારકી પંચાતમાં કદી ના પડો.
(ન્યુઝ-ચેનલો હંમેશા બંધ જ રાખો !)

*** 

બીજાઓનાં દુઃખ જોઈને દુઃખી થવું અને બીજાંઓનાં સુખ જોઈને સુખી થવું જોઈએ.
(અર્થાત્… રોજ ટીવીમાં આવતી ડેઈલી સિરિયલો જોવાનું રાખો !)

*** 

પોતાના કામથી કામ રાખો.
(કેમ કે બીજાઓનાં કામો તો નેતાઓ પણ ક્યાં કરે છે ?)

*** 

બીજાઓનાં સપનાંઓ ઉપર હસો નહીં.
(કેમ કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તો એવાં જ રહેવાનાં !)

*** 

અને સફળ થવા માટે ફક્ત વિચારો કરવાને બદલે કંઈક કરવું જરૂરી છે.
(એટલે બોસ, આગળ વધો.. અને કોઈનું ‘કરી’ જ નાંખો !)

***

- મન્નુ શેખચલ્લી

Comments