ટીવી એડ્સની દુનિયામાં !

જો તમે સતત ટીવીમાં આવતી જાહેરખબરો જોયા કરો તો તમે આટલી વાતો તો જરૂર માનતા થઈ જશો…

*** 

એક
ફિલ્મસ્ટારો ગમે એટલા પૈસાદાર હોય છતાં માત્ર ૨૦ રૂપિયાની પેપ્સી પીવા માટે જીવનું જોખમ ખેડીને છેક આકાશમાંથી, પહાડો ઉપરથી, વાહનો ઉપરથી છલાંગો મારીને ‘મફત’માં જ પીવાનો આગ્રહ રાખશે !

*** 

બે
આપણે ભલે અમદાવાદ, ખેડા, નડિયાદ, રાજકોટ કે સુરતના ખાડા-ખડિયાવાળા રસ્તા ઉપરથી ઉછળતા ઉછળતા રોજ જવાનું હોય, આપણી બાઈક તો હિમાલયના પહાડી પથરાળ માર્ગો ઉપર જ સ્મૂધ રીતે ચાલી શકે છે.

*** 

ત્રણ
જો તમારી પત્ની સુંદર, સેક્સી અને આકર્ષક હોય તો ઘરનાં બારી બારણાં હંમેશાં બંધ રાખો. નહિતર બાજુના ફ્લેટમાં રહેતો કુંવારો છોકરો એની બગલમાં ડિઓડ્રન્ટ છાંટીને તમારી બૈરીને પટાવી લેશે !

*** 
ચાર
શાહરૂખ ખાન અને રિતિક રોશન એક બાજુ તમને ઓન-લાઈન તીન પત્તી અને રમીમાં જુગાર રમવા માટે લલચાવે છે (પોતે તો કદી રમતા નથી) અને ઉપરથી આપણને ‘જવાબદારીપૂર્વક’ રમવાની સલાહો આપે છે.

*** 
પાંચ
મહેન્દ્રસિંહ ધોની અને સચિન તેન્ડુલકર એટલા નવરા થઈ ગયા છે કે હવે એ લોકો મ્યુચ્યુઅલ ફંડના કમિશન એજન્ટો બની ગયા છે !

*** 
હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, શિખર ધવન, રિષભ પંત, આર. અશ્વિન… આ બધા ક્રિકેટરો નવરા બેઠા બેઠા બબલ પેકિંગના પરપોટા ફોડે છે, કમર વડે રીંગો ફેરવે છે, સેલ્ફી વિડીયો માટે ટ્રેનોમાં ડાન્સ કરે છે અથવા પરચૂરણ ગણે છે… પરંતુ કદી નેટ-પ્રેક્ટિસ તો કરતા જ નથી !

*** 
સાત
કરીનાને વાળમાં ડેન્ડ્રફ થાય છે, કેટરીનાના વળ સૂકા થઈ જાય છે, શિલ્પા શેટ્ટીના વાળ ખરે છે અને વિદ્યા બાલન માથામાં કોપરેલનું તેલ નાંખે છે ! બોલો.

*** 
અને આઠ
જો ઘરમાં લાઈટ ના હોય તો ‘હેપ્પીડેન્ટ’ ચાવો… મોંમાંથી પ્રકાશ નીકળશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments