2022માં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જેને માંડ માંડ ધક્કા મારી મારીને કાઢ્યો હતો, કહે છે કે વાયા ચીન, એ મારો બેટો કોરોના, ફરી ઇન્ડિયામાં આવવાનો છે !
આવે વખતે ગુસ્સો પણ આવે છે અને મજાક પણ સુઝે છે !
***
શું તમને ખબર છે, દેશમાં સૌથી નબળી ઇમ્યુનિટી કોની છે ?
બાળકોની ? મહિલાઓની ? વૃદ્ધોની ? ડાયાબિટીસ કે પ્રેશરના દરદીઓની ?
ના ! શેરબજારની !
જુઓને, હજી તો ફક્ત ન્યુઝ જ આવ્યા છે ત્યાં તો માંદુ પડી ગયું છે !
***
સવાલ એ છે કે આ વખતે ન્યુઝ ચેનલોવાળા ‘એક્સ્પર્ટો’ તરીકે કોને લાવશે ?
અમારા હિસાબે તો હવે ભૂવાઓ, તાંત્રિકો, જ્યોતિષીઓ, ટેરો કાર્ડ વાંચનારા અને સટ્ટા બજારના બુકીઓને જ બોલાવવા પડશે !
***
અને હા, ભુપેન્દ્રભાઈ…. જરા દિલ્હી ફોન કરીને મોદી સાહેબને પૂછી રાખજો ને કે હવે થાળીઓ ક્યારે તૈયાર રાખવાની છે ?
***
એક મંદિરમાં બે ચાર ટીન-એજર છોકરાઓ આવ્યા, મંદિરનો ઘંટ વગાડ્યા પછી હાથ જોડીને તેઓ પ્રાર્થના કરવા લાગ્યા :
‘હે ભગવાન ! કોરોનાના આ નવા વેરિયન્ટને એટલો ખતરનાક બનાવજો, એટલો ખતરનાક બનાવજો કે એ એપ્રિલ-મે મહિના સુધી જાય જ નહીં !’
આવી પ્રાર્થના સાંભળીને મંદિરના ઓટલે બેઠેલા વડીલો તો ચીડાઈ ગયા. હજી એ લોકો ટીન-એજરોને કંઈ કહે એ પહેલાં પેલા છોકરાઓ ફટાફટ ચંપલો પહેરીને જતા રહ્યા !
વડીલો હજી ગુ્સ્સામાં હતા : ‘કઈ જાતના છોકરાંઓ છે આજકાલનાં ? આવી પ્રાર્થના તે કરાતી હશે ?’
મંદિરના પૂજારીએ એમને શાંત પાડતાં કહ્યું : ‘એમનો વાંક નથી વડીલો, બિચારાઓ બારમા ધોરણના સ્ટુડન્ટો છે !’
***
જીગો : ‘અલ્યા, નવા કોરોના વેરિયન્ટનું નામ BF-7 કેમ છે ?’
ભૂરો : ‘કેમકે કોરોના બહુ ચાલુ GF છે. આ એનો સાતમો બોય-ફ્રેન્ડ છે !’
***
અને સાંભળ્યું છે કે…
સી આર પાટિલે એમનો મોબાઈલ નંબર બદલી નાંખ્યો છે ! નવો નંબર બિલકુલ ‘ગુપ્ત’ રાખ્યો છે… કે ક્યાંક કોઈ છાપાંવાળા ફ્રન્ટ પેજ ઉપર એ નંબર છાપી ના મારે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment