બ્રહ્માંડની ભલભલી સમસ્યાઓ ઉકેલવી કદાચ સહેલી હશે પણ મહિલાઓ બોલે છે શું અને મનમાં શું હોય છે તે સમજવું લગભગ ઇમ્પોસિબલ છે ! જુઓ…
***
જ્યારે એ કહે છે કે…
‘મને કશો જ ફરક નથી પડતો…’
ત્યારે હકીકતમાં…
એને બહુ જ મોટો ફરક ‘પડી ચૂક્યો’ છે !
***
જ્યારે એ કહે છે કે…
‘જવા દો ને, તમે જાણીને શું કરશો ?’
ત્યારે હકીકતમાં…
એ તમને ‘આખેઆખું મહાભારત’ શી રીતે થયું તે 'જણાવવા' માગે છે !
***
જ્યારે એ કહે છે કે…
‘મનેતો કંઈ આવડતું જ નથી.’
ત્યારે હકીકતમાં…
હવે ‘તમારે જ’ કાન પકડીને કબૂલ કરવું પડશે કે હા, ‘મને જ’ કંઈ નથી આવડતું !
***
જ્યારે એ કહે છે કે…
‘મને શી ખબર ?’
ત્યારે હકીકતમાં…
એ ઇચ્છે છે કે તમે ગામમાં, ગલીમાં, ગુગલમાં અને આખી દુનિયામાં ફાંફાં મારીને પાછા આવો અને હાથ જોડીને કહો કે ‘હાસ્તો, તને જ ખબર હોય ને !’
***
જ્યારે એ કહે છે કે…
‘મારું તો કોઈ સાંભળતું જ નથી…’
ત્યારે હકીકતમાં…
તમારે મિનિમમ અડધો કલાકનું ભાષણ ‘સાંભળવા’ માટે તૈયાર થઈ જવાનું છે !
***
જ્યારે એ કહે છે કે…
‘ભૈશાબ, મને માફ કરો…’
ત્યારે હકીકતમાં…
તમારે બને એટલી ઝડપે માફી માગી લેવી જોઈએ ! નહિતર બે કલાકની લમણાંઝીંક પછી તમારે કહેવું જ પડશે કે ‘હા ભઈ હા, મને માફ કર... પ્લીઝ !’
***
અને જ્યારે એ કહે છે કે…
‘મને ક્યાં કંઈ યાદ રહે છે ?’
ત્યારે હકીકતમાં…
હવે છેલ્લા સાત જનમથી લઈને આજ સુધીમાં તમે શું શું ભૂલો કરી છે તેની તમને ‘યાદી’ આપવામાં આવશે !
- બોલો, અઘરું છે ને ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment