આડી ફાટેલી બોધકથાઓ !

એક તો આપણને ચાંપલી સલાહો આપવા માટે બનાવેલી બોધકથાઓ ઓલરેડી મારી મચડીને એવાં સ્ટુપિડ લોજિક ઘૂસાડીને બનાવેલી હોય છે કે મોટે ભાગના ઓર્ડિનરી લોકો એના ‘બોધ’થી જ અંજાઈ જતા હોય છે. પણ બોસ, જરા વિચારો, એ જ બોધકથાઓ જો ‘આડી ફાટી’ હોત તો ?

*** 

રાતના સમયે એક માણસ નોકરી પતાવીને ઘરે આવી રહ્યો હતો ત્યાં એ જુએ છે કે બે ત્રણ જણા સ્ટ્રીટ લાઈટના અજવાળામાં વાંકા વળીને કંઈક શોધી રહ્યા છે. એ નજીક જઈને પૂછે છે ‘શું શોધો છે ?’ પેલા લોકો કહે છે કે ‘ભાઈ, અમારી એક બહુ જ કિંમતી હીરાની વીંટી ખોવાઈ ગઈ છે. ક્યારના શોધીએ છીએ પણ મળતી જ નથી…’

પેલા લોકોના લાચાર હતાશ ચહેરા જોઈને આ માણસ એમને મદદ કરવા માટે પોતે પણ વીંટી શોધવામાં જોડાઈ જાય છે. ખાસ્સો અડધો કલાક સુધી શોધ્યા પછી વીંટી ના મળતાં પેલો માણસ પૂછે છે કે ‘એક્ઝેક્ટલી ક્યાં પડી ગઈ હતી ?’

ત્યારે પેલા ત્રણ જણા કહે છે કે ‘વીંટી તો છેક ત્યાં ખાડા જેવા વિસ્તારમાં પડી ગઈ છે પણ ત્યાં અંધારું છે ને, એટલે અમે અહીં અજવાળામાં શોધી રહ્યા છીએ !’

(બોલો, બધા અક્કલના ઓથમીરો જ બોધકથામાં જ ભર્યાં હોય છે ને !) એટલે આ માણસ, જે પોતાની જાતને ડાહ્યો સમજતો હતો તે અંધારા ખાડા બાજુ જઈને પોતાના મોબાઈલની ટોર્ચ લાઈટ ચાલુ કરીને, વાંકો વળીને, વીંટી શોધવા માંડે છે !

બસ, એ જ વખતે પેલા ત્રણ જણ પાછળથી એની ઉપર ત્રાટકે છે, માથામાં ફટકો મારીને એને બેહોશ કરીને એનું પર્સ, ઘડિયાળ, સોનાની ચેઈન અને ‘હીરાની વીંટી’ લૂંટી લે છે !

(વારતાનો બોધ એ છે કે અંધારામાં ખોવાયેલી વીંટીને અજવાળામાં શોધનારા કદી રિયલ લાઇફમાં મુરખા નથી હોતા !)

*** 

પહાડોમાં રમતાં રમતાં એક છોકરાને એક ચળકતો પથ્થર મળે છે. એ ઘરે આવીને એના બાપાને પૂછે છે કે આની કિંમત કેટલી હશે ? બાપ બહુ શાણો હતો (બોધકથાઓમાં એવો જ જોઈએ ને !) એણે છોકરાને કહ્યું ‘કાલે તું હાટમાં જજે અને આ પથ્થર વેચવા માટે બેસજે. કોઈ ઘરાક કિંમત પૂછે તો કશું જ બોલવાનું નહીં, ફક્ત બે આંગળી ઊંચી કરવાની !’ 

છોકરો હાટમાં જાય છે. એક ઘરાક પૂછે છે, આની કિંમત શું છે ? છોકરો બે આંગળી ઊંચી કરે છે. ઘરાક કહે છે ઠીક છે, હું ૨૦ રૂપિયા આપીશ. 

છોકરો ઘરે પાછો આવે છે. હવે બાપો કહે છે નજીકના ગામના બજારમાં જઈને કોઈ દુકાને આ પથ્થર બતાડજે. પણ કિંમત કહેવાને બદલે બે આંગળી જ ઊંચી કરજે. 

ગામના વેપારીએ ચળકતો પથ્થર જોઈને પૂછ્યું કેટલામાં આપીશ ? તો આણે બે આંગળી ઊંચી કરી. (એ જમાનામાં જાહેર શૌચાલયો નહોતાં નહિતર છોકરાને હાથમાં લોટો પકડાવીને અંદર બેસાડી દીધો હોત ! પછી જો ‘ધોવાની’ ક્રિયા વખતે પેલો પથ્થર છટકીને નીચે સરકી ગયો હોત તો ? આપણી બોધકથાની પથારી જ ફરી જાય ને ? એટલે)  વેપારીએ બે આંગળી જોઈને કહ્યું ‘ઠીક છે તને ૨૦૦ રૂપિયા આપીશ.’ 

છોકરો પાછો ઘરે આવે છે. હવે બાપો એને શહેરમાં કોઈ ઝવેરીને ત્યાં મોકલે છે. છોકરો ચાલતો ચાલતો શહેરમાં જાય છે. (બોધકથાઓને પણ એકતા કપૂરની સિરિયલોની માફક ખેંચવી પડે ને ?) ઝવેરી કિંમત પૂછે છે ત્યારે છોકરો બે આંગળી ઊંચી કરે છે. 

ઝવેરી પેલા ચળકતા પથ્થરને ધારી ધારીને જુએ છે, ચકાસે છે અને કહે છે ‘ઠીક છે, હું તને ૨૦ હજાર રૂપિયા આપીશ.’ છોકરો તોય પાછો બાપા પાસે આવે છે. બાપો એને ફરી પાછો રાજમહેલ જવા કહે છે.

હવે સીધી વાત છે. રાજમહેલમાં એને બે આંગળી ઊંચી કરવાના બે લાખ મળવાના જ છે. પણ પેલો છોકરો તો ‘બોધ’ લેવા માટે પાછો બાપા પાસે જવાનું જ શીખ્યો છે ને ? એટલે એ ડોબો બે લાખ લઈ લેવાને બદલે ડોકું હલાવીને પાછો જવા માંડે છે ત્યાં જ રાજાનો નાણામંત્રી સમજી જાય છે કે આ તો દસ લાખની ચીજ હાથમાંથી જતી રહેશે ! 

એટલે એ તરત જ સૈનિકોને હુકમ કરીને છોકરાની ધરપકડ કરાવે છે અને એના ખિસ્સામાંથી બે ચાંદીના રૂપિયા મળ્યા છે એવો આરોપ લગાવીને જેલમાં ખોસી દે છે ! પત્યું ?

હવે તમે જ કહો, આ ટાઈપની બોધકથા આપણને શું કામમાં આવવાની હતી ? શું આપણે કોઈ ચળકતા પથ્થરો લઈને એની કિંમત કરાવવાના ધંધા કરવાના છે ? ધારોકે એક વ્યક્તિ તરીકે આપણી કિંમત કરાવવાની હોય તો શું એમબીએ થયેલો માણસ મોઢામાં મગ ભરીને ફક્ત બે આંગળી ઊંચી કરે તો એને બે લાખની નોકરી મળી જવાની છે ?

તમે આવી દલીલ પેલા બોધકથાકાર આગળ કરો તો એ કહેશે, બોલે તેનાં બોર વેચાય ! ... બોલો, હવે ?

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. ટોપીવાળો અને વાંદરાની બોધકથાનો સાર નહીં કહો???

    ReplyDelete
  2. એમાં એવું થયું કે ટોપીવાળાનો દિકરો એ જ ઝાડ નીચે સૂઈ ગયો હતો અને વાંદરાઓ પોટલામાં થી બધી ટોપીઓ લઈને ઝાડ પર ચઢી ગયા. દિકરાએ બાપાની મેથડ યાદ કરીને પોતાની ટોપી જમીન પર ફેંકી.... ત્યારે એક વાંદરાનું બચ્ચું જે ટોપી વિના રહી ગયું હતું તે નીચે આવીને ટોપી પહેરીને ઝાડ પર જતું રહ્યું....
    બોધ એટલો જ કે વાંદરાઓ પણ પોતાના ંંબચ્ચાને વારતા કહેતા જ હોય !

    ReplyDelete

Post a Comment