ધનરત્નકુમાર ઉત્તમરાયનું લગ્ન જેમ જેમ નજીક આવી રહ્યું હતું તેમ તેમ તેની નરવસનેસ શેરબજારની લાલચોળ તેજીની માફક વધી રહી હતી.
એનાં બે કારણો હતાં.
એક તો ધનરત્નકુમારને ડાન્સનો ‘ડ’ આવડતો નહોતો છતાં મલ્ટિ-મિલિયોનેર ગુણવંતરાય પરિવારની એકની એક પુત્રી કિષ્કીંધા, જેની સાથે ધનરત્નકુમારનાં લગ્ન થવાનાં હતાં, તેને પોતાના ડાન્સ વિડીયોનાં ઇન્સ્ટાગ્રામ રીલ્સને દર વખતે એક મિલિયનથી વધારે વ્યુઝ મળતા હતા. એટલે લગ્ન પહેલાંના ‘સંગીત’ કાર્યક્રમમાં ‘નચ બલિયે’માં પણ કોઈ કપલે ના કર્યો હોય એવો ધમાકેદાર ડાન્સ કરવાના ધખારા હતા.
બિચારો ધનરત્નકુમાર શરીરે મદનિયું (એટલે કે હાથીનું બચ્ચુ) હતો. આ જ કારણસર એના પગ પણ ભારે હતા. લાખ રૂપિયાની ફી લઈને ‘સંગીત’ માટે કુરિયોગ્રાફી શીખવનારી માધવી મરચન્ટના પગ તો તે પ્રેક્ટિસ દરમ્યાન જ પાંચ વાર કચડી ચૂક્યો હતો. છતાં તે સંપૂર્ણ સાવધાનીપૂર્વક ‘આગોતરાં પગલાં’ લઈને કિષ્કીંધાનાં ચરણ ચકનાચૂર કરવાથી માંડમાંડ બચી શક્યો હતો.
પરંતુ તેના નરવસનેસના બીજા કારણથી હવે બચવાનું લગભગ ‘નામુમકીન’ હતું કેમકે ધનરત્નકુમારની બીજી તકલીફ હતી… ‘ફ્લેશ’ !
જી હા, કેમેરાની ‘ફ્લેશ’ !
જ્યારે જ્યારે તેની સામે કેમેરાની ફ્લેશ ઝબકતી ત્યારે ત્યારે ધનરત્નકુમારને વિચિત્ર પ્રકારનો છૂપો વીજળીક ઝાટકો લાગતો હતો ! આવા વખતે તેના પીપડા જેવા પેટમાં અચાનક કીચૂડ કીચૂડ અવાજ આવવા લાગતો… પેટમાં કોઈ અજગરનું બચ્ચું આળસ મરડીને આંતરડાના રસ્તેથી બહારની દુનિયામાં પ્રવેશ કરવા માટે મથામણ કરી રહ્યું હોય એવી ભેદી ફીલિંગ થતી… અને એ જ વખતે આંતરડાના નાકા ઉપર છૂપાઈને બેઠેલું એક ઉંદરડું જોરથી પોતાના મોંમાં ખોસેલી પીપૂડી વગાડવા લાગશે એવું બિચારા ધનરત્નકુમારને લાગતું હતું.
(ટુંકમાં, કેમેરાની ફ્લેશ ઝબકે ત્યારે ભઈને ‘પાદ’ સાથે ‘ઝાડો’ છૂટી જશે એવો ડર લાગતો હતો !)
આ ફ્લેશ-ફોબિયાનું કારણ શું હતું ? એ જાણવા માટે આપણે ફ્લેશ-‘બેક’માં જવું પડશે.
વાત એમ હતી કે મલ્ટિ-મિલિયોનેર ઉત્તમરાય પરિવારમાં જન્મેલા ધનરત્નકુમાર જ્યારે નિશાળમાં ભણતા હતા ત્યારે એમને લેવા-મુકવા માટે એક શોફર ડ્રિવન મોંઘી મર્સિડીઝ આવતી હતી. એટલું જ નહીં, એના લંચ-બોક્સમાં રોજ લેન્ટિનેન્ટલથી લઈને ચાઈનિઝ અને સાઉથ ઇન્ડિયનથી લઈને સાઉથ કોરિયન વાનગીઓ ભરાઈને આવતી હતી. (આ જ કારણસર ધનરત્નકુમારનું શરીર મદનિયું બની ગયું હતું) પરંતુ એ જ લંચ-બોક્સ એના ફોબિયાનું મૂળ બની ગયું હતું !
વાત એમ હતી કે નિશાળમાં ભણતી ચાર જણાની ચંડાળ-ચોકડી, ઉર્ફ જીગર, ભૈરવ, શેરુ અને બહાદુર રોજ દાદાગિરી કરીને મદનિયાનું લંચ-બોક્સ પડાવી પણ લેતા હતા. (અને ‘પચાવી’ પણ પાડતા હતા.) એકવાર આ જુલમથી અકળાઈને ધનરત્નકુમારથી બોલાઈ ગયું કે ‘હું મારા પપ્પાને કહી દઈશ !’
બસ, એનું મોં બંધ કરવા માટે પેલી ચોકડીએ એક કિમિયો શોધી કાઢ્યો !
એકવાર નિશાળના તૂટેલી કડીવાળા શૌચાલયમાં કુમાર બેઠો હતો ત્યારે અચાનક ધડામ કરતો દરવાજો ખોલીને પેલી ચોકડીએ કેમેરાની ફ્લેશો પાડીને એના અડધા ઉઘાડા શરીરના અડધો ડઝન ફોટા પાડી લીધા હતા !
એટલું જ નહીં, દર વરસે સ્કુલની ‘ફ્રેશર્સ પાર્ટી’ અને ‘ફેરવેલ પાર્ટી’ વખતે તેનાં પૂરાં કપડાં ઉતારીને પેલું ‘ફ્લેશ-મોબ’ તેના પુરતા ફોટા પાડીને બ્લેકમેલ કરતું હતું. હવે તો માત્ર લંચ-બોક્સ જ નહીં, મર્સિડીસની લાંબી લાંબી સફરો પણ ‘વસૂલી’ તરીકે પડાવાતી હતી.
હવે આટલા ફ્લેશ-બેક પછી હાલની સિચ્યુએશનમાં પાછા ફરીએ....
તો સિચ્યુએશન એવી થઈ કે ‘સંગીત’ના રંગારંગ પ્રોગ્રામ વખતે જ્યારે ધનરત્નકુમારે તેની વાગ્દત્તા કિષ્કીંધાકુમારીની કમરને પોતાના હાથમાં લટકાવીને RK ફિલ્મ્સનો પોઝ આપવાનો હતો એ જ ક્ષણે એકસામટી બે ડઝન ફ્લેશો ઝબકી ઊઠી !!! અને…
***
… લગ્ન લગભગ કેન્સલ થવાની અણી પર છે ! કેમ કે હાથમાંથી છટકી ગયેલી કિષ્કીંધાની કમરના બે મણકા તૂટી ગયા છે !
એટલું જ નહીં, પડતી વખતે તેણે સ્પષ્ટ રીતે જોયું હતું કે તેના ભાવિ પતિની દૂધિયા કલરની પેન્ટ ઉપર છેક નીચે, સફેદ બૂટ સુધી એક બ્રાઉન કલરનો રેલો નીતરી આવ્યો હતો !
છીછીછી…
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment