ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થયું, કેટલા ટકા ઘટ્યા, કેટલા ટકા વધ્યા એ બધું ચાલતું જ રહે છે ! એ પતે પછી કયા પક્ષને કેટલા ટકા વોટ મળ્યા, કોના કેટલા ટકા ઘટ્યા… કેટલા ટકા સ્વિંગ થયો… એવું બધું ચાલશે ! છતાં જોવાની વાત એ છે કે…
***
કેટલા ટકા મતદાન થયું ? એવું વારંવાર પૂછનારાઓમાંથી…
50 ટકા તો એવા જ હોય છે કે જેમણે પોતે જ મતદાન કર્યું હોતું નથી !
***
ટકાનું એવું છે કે…
90 ટકા મતદારોને તો પોતે કોને મત આપ્યો એ વ્યક્તિના નામની યે ખબર હોતી નથી !
***
ટકાનું એવું પણ છે કે…
જે 50 ટકા લોકોએ મતદાન નથી કર્યું એમાંના 90 ટકા લોકો રિઝલ્ટને દહાડે સત્તર વાર ટીવી અને મોબાઈલમાં જોયા કરતા હશે કે કોની કેટલી સીટો થઈ ?
***
ટકાનું એવું પણ છે…
કે જે ગરીબ મતદારોએ રૂપિયા કે દારૂની લાલચમાં વોટ આપી દીધો છે એ લોકો તો 8મી ડિસેમ્બરે પણ કહેતા હશે :
‘… એમાં આપણા કેટલા ટકા ?’
***
અને તમે જોજો…
આ 182માંથી જે લોકો મિનિસ્ટરો બનશે એ લોકો ફાઈલમાં સિગ્નેચર કરતાં પહેલાં પૂછશે :
‘આમાં મારા કેટલા ટકા છે ?’
***
જે નેતાઓ તમને હમણાં સુધી કહેતા આવ્યા છે કે ‘તમારું કામ 100 ટકા થઈ જશે !’
… એ જ લોકોમાંથી 99 ટકા તો રિઝલ્ટ પછી ગાયબ જ થઈ જશે !
***
છતાં એક વાતની 100 ટકા ખાતરી છે કે 2024માં એક વાક્ય તો હજુ ય સંભળાતું જ હશે કે…
‘આવશે તો મોદી જ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment