નવું બહિષ્કાર લિસ્ટ ?

આજકાલ સોશિયલ મિડિયામાં શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ ‘પઠાન’નો બહિષ્કાર કરવાની ઝૂંબેશ ચાલી રહી છે.

જોકે બોલીવૂડની ફિલ્મોએ ભારતની 135 કરોડની જનતામાંથી 134.5 કરોડ જનતા આમેય થિયેટરોમાં જઈને નથી જોતી ! એ ઓલરેડી એક બહિષ્કાર છે જ !

છતાં જો તમારે બહિષ્કાર કરવો જ હોય તો અહીં એક નાનકડું લિસ્ટ છે. જરા નજર મારી લો…

*** 

ટીવીમાં આવતી ન્યુઝ-ચેનલોનો બહિષ્કાર કરો ! થોડા જ દિવસોમાં બીપી નોર્મલ થઈ જશે, મગજ શાંત થવા લાગશે. મૂડ સુધરશે અને સારું લાગશે…

*** 

મોબાઈલમાં ટપકી પડતા ઉપદેશો, સુવાક્યો, સલાહો, ટીકાઓ, પંચાતો, કોમેન્ટો, સડેલા જોક્સ, વાસી વિડીયો, બોગસ ઉપચારો અને તદ્દન ફેક ન્યુઝનો બહિષ્કાર કરો !

*** 

અરે, એના કરતાં માત્ર દસ દિવસ માટે તમારા મોબાઈલનો જ બહિષ્કાર કરો ને ? શરૂશરૂમાં જરા તકલીફ જેવું લાગશે પણ પછી તો અમુક લોકોની કબજિયાતની તકલીફો પણ દૂર થઈ જશે !

*** 

ફિક્સ થઈ રહેલી ક્રિકેટ-મેચોનો બહિષ્કાર કરો ! હજારો લાખો લોકો ઓલરેડી કરી ચૂક્યા છે… એમનાં હાર્ટની લાઈફ મિનિમમ પાંચ વરસ વધી ગઈ છે !

*** 

અચ્છા, રૂપિયા ઉધાર લઈને પછી લેણદારોનો બહિષ્કાર કરો ! મોટા ફાયદામાં રહેશો.

*** 

લગ્નોમાં મસ્ત બુફે ડિનર ખાધા પછી ચાંલ્લો આપવાનો બહિષ્કાર કરો ! કોને ખબર પડવાની છે ? (અને પડે તો ય શું કરી લેશે?)

*** 

કોલેજિયનો, એક્ઝામનો બહિષ્કાર કરો ! નાગરિકો, ટેક્સ ભરવાનો બહિષ્કાર કરો ! વાહન ચાલકો, ખાડાવાળા રોડ ઉપર ટ્રાફીક ચલાનનો બહિષ્કાર કરો…

*** 

બાકી જો હિંમત હોય તો પત્નીનો બહિષ્કાર કરી જોજો ! ફક્ત સાત જ દિવસમાં ધોળે દહાડે તારા જોવા મળશે !
*** 

અને બહેનો, તમે પણ બહુ ફાંકામાં ના રહેશો ! ચલો, માત્ર દસ દિવસ માટે પાણીપુરીનો બહિષ્કાર કરી બતાડો તો ખરાં !

***

- મન્નુ શેખચલ્લી

Comments