આજકાલ મોબાઈલમાં જે નવી ફિલ્મોનાં ટ્રેલરો આવે છે એને ‘પ્રોમો’ કહે છે. (જાણે ઠોઠ નિશાળિયાને ગ્રેસના બે-ચાર માર્ક આપીને તમારે ઉપરના ધોરણમાં ‘પ્રમોશન’ આપવાનું હોય !) અમે જ્યારે નાના હતા ત્યારે ‘ટ્રેલર’ શબ્દ તો સાંભળેલો જ નહીં. અમે એને ‘ભાગ’ કહેતા ! અમુક ફાલતુ પિક્ચરો તો એટલા માટે બે ડચકા ખાઈને વધારે ચાલી જતાં કે 'એમાં ‘ફલાણા’ આવનારા મસ્ત પિક્ચરનો ભાગ બતાડે છે !’ એવી વાત ફેલાઈ જતી હતી.
જુના જમાનાનાં થિયેટરોમાં મેઇન ફિલ્મ ચાલુ થતાં પહેલાં જ્યારે ન્યુઝ રીલ ચાલતુ હોય ત્યારે ખુરશીઓનો કીચૂડ કીચૂડ અવાજ ચાલુ રહેતો… બહારથી ગરમાગરમ શીંગ વેચતા ફેરિયાઓનો અવાજ અંદર સંભળાતો રહેતો… પ્રેક્ષકો વારાફરતી ટિકિટો લઈ લઈને અંદર આવતા હોય ત્યારે એમનાં માથાં નડે તોય કશો વાંધો લેતા નહીં. હા, પેલી એડ ફિલ્મો શરૂ થાય ત્યારે અમારા જેવા જુવાનિયાને રૂપાળી કન્યાઓ બિકીનીમાં જોવા મળી જાય એની લાલચ રહેતી ખરી ! પણ બોસ, જેવું નવી ફિલ્મના ટ્રેલરનું સેન્સર સર્ટિફીકેટ પરદા ઉપર દેખાય કે તરત જ આખા હોલમાં ઉત્તેજના વ્યાપી જતી !
એ વખતે તો ફિલ્મ આવતાં પહેલાં એનાં ગાયનો હિટ થઈ જતાં, એટલે ટ્રેલર ચાલુ થતાં જ સીટીઓ વાગવા માંડતી !
અને ટ્રેલરો પણ કેવાં ગજબનાં ? સૌથી પહેલાં ધમાકેદાર મ્યુઝિક સાથે ફિલ્મના પ્રોડક્શન બેનરના નામનો લોગો આવે, તેની નીચે લખ્યું હોય પ્રેઝન્ટ્સ… અને તરત જ એ જમાનાની ભેદી નાટકીય શૈલીના અક્ષરોમાં લખાયેલું ફિલ્મનું નામ આવે !
પછી હિરોની એન્ટ્રી સાથે એનું નામ સુપર-ઇમ્પોઝ થાય… પછી હીરોઈનનું… હજી કંઈ સમજો, વિચારો ત્યાં તો બે ચાર તાલીમાર ડાયલોગ્સ આવી જાય… ઢીશૂમ ઢીશૂમ કરતા બે ચાર ફાઇટિંગના દ્રશ્યો એની વચમાં કૂદી પડે… કોણે કોને માર્યો એ જોઈએ એ પહેલાં તો ઓલરેડી હિટ થઈ ગયેલા ગાયનનું મુખડું ટપકી પડે… અને એ સાથે જ તાળીઓ..! ચિચિયારીઓ !
સાચુ કહું તો આખી ફિલ્મ જોતી વખતે જે મઝા પડતી એના કરતાં દસ ગણી મજા એનું ટ્રેલર જોઈને આવતી હતી ! વળી દરેક ટ્રેલરની છાપેલાં કાટલાં જેવી રેડી-મેઈડ પેટર્ન રહેતી…
સસ્પેન્સ કે મર્ડરનું દ્રશ્ય હોયતો એક ગોળ ગોળ ફરતું ચકરડું પરદાની વચ્ચેથી ફૂટી નીકળે અને ચારેબાજુ ફેલાઈ જાય ! પછી વાંકાચૂકા અક્ષરે લખેલું આવે… ‘સસ્પેન્સ !’
મારામારીના બે મુક્કા કે ચાર ધડાકાની સાથે નીચે ‘એકશન’ લખેલા અક્ષરો ક્યારેક જાતે જ હચમચી ઉઠતા હોય !
હિરો અને વિલનના સામસામી ‘જાલિમ’ ટાઈપના બે ડાયલોગ્સ આવ્યા નથી ત્યાં તો ડાબેથી જમણે જાણે દોડતા દોડતા આવ્યા હોય એમ ત્રાંસા થઈ ગયેલા અક્ષરો વડે લખેલું હોય ‘ડ્રામા’…
અને એ વખતનું ઓડિયન્સ તો પરદા ઉપર મહેમૂદ કે જ્હોની વોકર દેખાય ત્યાં જ હસવા લાગતું ! હજી મહેમૂદનો કહેવાતો ફની ડાયલોગ આવે ત્યાં તો પરદાની નીચેના ભાગે COMEDY લખેલા અક્ષરોને જાણે હસી હસીને પેટમાં દુઃખવા આવ્યું હોય એમ વાંકાચૂકા થઈને ઉછળવા લાગતા હતા !
અને HORROR ? વાત ના પૂછો ! એના અક્ષરો જ પોતે એટલા ડરથી ફફડી ઊઠેલા હોય કે આપણે ડરને બદલે હસવું વધારે આવે !
આખી મજાની એ વાત હતી કે આ બધી ફાઇટિંગ, ગાયનો, સંવાદો અને કોમેડીના એકબીજા જોડે સાંધા ય ના જડતા હોય છતાં દિમાગમાં ધમાધમી મચી જતી હતી !
મોટાં શહેરોમાં તો નવી ફિલ્મનું ટ્રેલર એટલે નોવેલ્ટીની નવાઈ. પણ નાનાં ટાઉન્સમાં તો એ જમાનામાં ફિલ્મો ત્રણ ચાર મહિના પછી પહોંચતી હતી. એવે વખતે ટાઉનના ખખડી ગયેલા થિયેટરોમાં જ્યારે આવનારી ફિલ્મનું ટ્રેલર પરદા ઉપર આવે કે તરત અમુક ‘ફિલ્મી કીડા’ ટાઈપના પ્રેક્ષકો જોડે જોડે ડાયલોગ્સ બોલવા માંડે !
આમાં આપણી મજાની મેથી ત્યારે મરાઈ જતી જ્યારે એ જાણકારો ચાલુ ટ્રેલરે સસ્પેન્સ ખોલી દેતા કે ‘જો જો ! આ જ ખૂની છે !’
જોકે એક સસ્પેન્સ તો હજી સુધી નથી ખુલતું કે ભઈ ‘ટ્રેલર’ તો વાહનની ‘પાછળ’ હોય ને ? તો એને આગળથી શા માટે રિલીઝ કરતા હતા ? અને જો આગળથી રિલીઝ કરતા હતા તો એને ‘એન્જિન’ કેમ નહોતા કહેતા ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
હવે ઇન્ટરવલ ની રામ કહાણી પીરસો....
ReplyDeleteGood idea !!! Thanks !!
ReplyDelete