સાવ દોઢ-ચાંપલી બોધકથાઓ !

મોબાઈલનો મોટામાં મોટો ત્રાસ એ છે કે એમાં જીવન જીવવાની ‘પ્રેરણા’ આપતા લાંબા-લચક મેસેજો આવતા જ રહે છે. હસવું (અથવા રડવું) આવે એવી વાત એ હોય છે કે આવા મેસેજો મોકલનારાઓએ તો એમાંથી કશી પ્રેરણા લીધી જ નથી હોતી ! (લીધી હોત તો આમ નવરા બેઠા મોબાઈલો મચડતા હોત?) એમાંય અમુક વિડીયોમાં તો લાંબીલચક અને મહા-ચાંપલી વારતાઓ હોય છે.

અમને આ ટાઈપની વારતાઓની ખાસ એલર્જી છે ! તકલીફ એ થાય છે કે આવી બોધકથાઓ સાંભળતાં સાંભળતા અમને ‘કુ-બોધ’ સુઝે છે. દાખલા તરીકે એક વારતા આવી છે : એક વેપારી વહાણ લઈને દરિયામાં જઈ રહ્યો હતો. અચાનક દરિયામાં તોફાન આવ્યું અને વહાણ તૂટી ગયું. વેપારીનો લાખો કરોડોનો કિંમતી સામાન પાણીમાં ડૂબી ગયો. એના સાથીઓ પણ ડૂબી ગયા. 

છતાં નસીબજોગે એ વેપારી તણાઈને એક સુમસામ ટાપુ ઉપર પહોંચે છે. અહીં તે જુએ છે કે તેના સિવાય બીજું કોઈ આ ટાપુ ઉપર છે જ નહીં. છતાં તે આખો ટાપુ ખુંદી વળે છે. (વારતાને ખેંચવાની છે… બને એટલી ખેંચવાની છે… સાલું, વારતામાં એમ કેમ નથી કહેતા કે વેપારીની સાથે જે પેલા બીજા બે ચાર ડઝન ડૂબી ગયા એમના કુટુંબીઓનું શું ? પણ ના, વારતામાં વેપારીની જ દયા ખાવાની છે) 

વારતા આગળ ચાલે છે. આખો ટાપુ ખુંદી વળ્યા પછી એને ‘તરસ’ લાગે છે ! અહીં એક વહેતા ઝરણામાંથી એ પાણી પીએ છે. પછી એને ‘ભૂખ’ લાગે છે ! તે જંગલમાં જાય છે અને ફળ-ફૂલ વગેરે તોડીને પોતાની ભૂખ સંતોષે છે… આમ કરતાં કરતાં દિવસો વીતતા જાય છે… એ વેપારી ઘાસ-પાંદડા-લાકડાં લાવીને એક ઝૂંપડી બાંધે છે અને ત્યાં રહેવા લાગે છે. છતાં તે હિંમત હારતો નથી. (હિંમત આપણે રાખવાની છે કે આ કેટલું ખેંચશે?) એક દિવસ…

હા ! હવે કંઈક બનશે એમ સમજીને તમે ફરી વારતામાં ધ્યાન આપવા માંડો છો… તો એક દિવસ જ્યારે તે ફળ-ફૂલ વગેરે લેવા ગયો હતો ત્યારે આકાશમાંથી વીજળી પડી ! વેપારી પાછો આવીને જુએ છે તો એની ઝુંપડી સળગી રહી છે ! 

હવે તે રડવા લાગે છે અને પોકારી પોકારીને ભગવાનને ફરિયાદ કરે છે કે ‘હે ભગવાન ! તેં મારું વહાણ તોડી નાંખ્યું, હું કઈ ના બોલ્યો, તેં મારો માલસામાન ડૂબાડી દીધો. હું કંઈ ના બોલ્યો… તેં મારા સાથીઓને ડૂબાડી દીધા હું કંઈ ના બોલ્યો… (આખો ફ્લેશ-બેક ડાયલોગમાં આવશે, ધીરજ રાખો…) તેં મને આ નિર્જન ટાપુ ઉપર નાંખ્યો, હું કંઈ ના બોલ્યો… તેં મને ફળ-ફૂલ ખાઈને જીવન જીવવા ઉપર મજબૂર કર્યો. હું કંઈ ના બોલ્યો… (આખરે તમે દાંત ભીંસીને બોલી ઊઠો છો કે ટોપા, હવે આગળનું બોલને ? ત્યારે પેલો વિડીયોનો ચાંપલો બોધ આપનાર કહે છે)… પણ ભગવાન મેં તારું શું બગાડ્યું હતું કે તેં મારી આ નાનકડી ઝૂંપડી પણ સળગાવી દીધી ? એંએંએં…’

આપણને થાય કે હવે ‘આકાશવાણી’ થશે ! છેવટે આકાશવાણી નહીં તો ‘FM રેડિયો’ થશે… પણ એવું કંઈ થતું નથી, કારણ કે બોધકથાઓમાં એમણે જે નક્કી કરીને રાખ્યું હોય એ જ થવાનું ! એટલે થાય છે શું ?… કે ત્યાં તો… વેપારીને દૂર દૂરથી એક વહાણ આવતું દેખાયું ! (આહાહા…) વહાણ ધીમે… ધીમે… નજીક આવે છે (અહીં પણ વારતાને ખેંચવાની છે) 

છેવટે વહાણ કિનારે આવે છે. એમાંથી ઇન્શ્યોરન્સ કંપનીવાળા નહીં, પણ કોઈ ખલાસી બહાર આવે છે. તે વેપારીને બચાવીને વહાણમાં બેસાડે છે. વેપારી પૂછે છે કે તમે છેક અહીં સુધી મને બચાવવા માટે શી રીતે આવ્યા ? તમને કોણે સંદેશો આપ્યો ?

ત્યારે પેલો ખલાસી કહે છે ‘આ તો મેં દૂરથી જોયું કે ટાપુ ઉપર કંઈ ધૂમાડો નીકળી રહ્યો છે, કંઈ સળગી રહ્યું છે એટલે મને થયું કે અહીં કોઈનો જીવ જોખમમાં હશે, એટલે મેં વહાણને આ દિશામાં ફેરવ્યું.’

ચાલો પત્યું ? ના, હવે પેલો ચાંપલો ‘બોધક’ (બોધ આપનારો) કહે છે કે જોયું ? ઉપરવાલે કે ઘર મેં દેર હૈ મગર અંધેર નહીં હૈ… કોઈક તો છે જે તમારી પરીક્ષા લઈ રહ્યો છે અને છેવટે તમને મદદ પણ કરે છે… વગેરે વગેરે…

સાલું, આટલી લાંબી વારતા સાંભળ્યા પછી મને તો એક જ કુ-બોધ સમજાયો કે પેલા વેપારીએ ટાપુ ઉપર જઈને રોજ એકાદ ઝાડ બાળી મુકવાની જરૂર હતી ! જો એવું કર્યું હોત તો એ ત્યાંથી વહેલો છૂટી ગયો હોત ! 

અને ના છૂટ્યો હોત તોય શું ? યાર, આપણે આજના જમાનામાં ક્યાં વહાણો લઈને દરિયામાં વેપારો કરવા જઈએ છીએ તે આવી સ્ટુપિડ વારતામાંથી આપણને કંઈ શીખવા મળશે એમ સમજીને સાંભળ્યા કરીએ છીએ ? બોલો, તમે પણ આખી વારતા વાંચી જ ને ? બસ ત્યારે !

***

- મન્નુ શેખચલ્લી


E-mail : mannu41955@gmail.com

Comments