અમુક ટચૂકડી જાહેરખબરો જો તમે ધ્યાનથી વાંચો તો એમાં એવી ‘ખાસ’ વ્યક્તિઓ માટેની ‘ખાસ’ ડિમાન્ડ હોય છે.
***
જોઈએ છે
રાતના અગિયાર વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી ચોકી કરી શકે તેવો નાઈટ ડ્યૂટીનો ચોકીદાર જોઈએ છે.
અનિંદ્રાની બિમારી હોય તેવા માણસની પહેલી પસંદગી !
***
જોઈએ છે
એક ફેકટરીથી બીજી ફેકટરીની વચ્ચે સતત ફરતા રહીને ચોકીદારી કરી શકે તેવા માણસની તાત્કાલિક જરૂર છે.
હરસ-મસા-ભગંદરના દરદીને પ્રથમ પસંદગી !
***
જોઈએ છે
121 જાતના ઇલેક્ટ્રોનિક સાધનોનું માર્કેટિંગ કરનાર કંપનીને ટેલિફોનિક કંપ્લેન વિભાગમાં કામ કરવા માટે માણસો જોઈએ છે.
કાનમાં તકલીફ હોય, કાનના પરદામાં બહેરાશ હોય, એવા ઉમેદવારોએ તાત્કાલિક સંપર્ક કરવો.
***
જોઈએ છે
શરાફી પેઢીને રીઢા લેણદારો પાસેથી ઉઘરાણી કઢાવી લાવનાર માણસો રાખવાના છે.
જેમના ક્રિમીનલ રેકોર્ડમાં મારામારી, દંગા ફસાદ તથા તોડફોડના મિનિમમ બે ચાર ડઝન કેસ નોંધાયા હોય તેમણે જ તસ્દી લેવી !
***
જોઈએ છે
અત્યંત સ્વાદિષ્ટ અને ગરમાગરમ નોન-વેજ આઈટમોની હોમ ડિલીવરી કરવા માટે ડિલીવરી બોયઝ જોઈએ છે.
- માત્ર વેજિટેરીયનોને જ નોકરીમાં રાખવામાં આવશે !
***
જોઈએ છે
અત્યંત કડક, ગુસ્સાવાળા, ધૂની અને વિચિત્ર સ્વભાવ ધરાવતા માલિકને લાંબો સમય નોકરીમાં ટકી રહે તેવા ‘આજ્ઞાંકિત’ સ્વભાવના કર્મચારીઓ લેવાના છે.
- ફક્ત પરણેલાઓએ અરજી કરવી !
***
જોઈએ છે
બાર મહિનામાંથી અગિયાર મહિના માટે વિદેશમાં રહેતી મહિલાને પોતાના પતિની ભારતમાં 24 કલાક સંભાળ રાખી શકે તેવી નર્સની આવશ્યક્તા છે.
- દેખાવે ‘સુંદર’ તથા સ્વભાવની ‘સારી’ હોય તેવી મહિલાઓ માફ કરે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment