મતદાન ઘટાડો દેખાવાને કારણે મતદારો જ મુંઝવણમાં છે ? કે નેતાઓ ? ‘એક્સ્પર્ટોને’ આ સમજાતું નથી ! જે હોય તે, મતદારોના મનમાં શું ચાલી રહ્યું છે તે ગરબામાં સમજાય એવું છે ! સાંભળો…
***
હજી બીજા તબક્કાના મતદાન માટે નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ! એ જોઈને જનતા ગાઈ રહી છે…
રમતો ભમતો જાય
આજ આપણો નેતા ઘૂમતો જાય
ફરરર ફૂંદડી ફરતો જાય
ગરજુડો કેવો નમતો જાય !
***
નેતાઓને હજી એમ છે કે મતદારને લોભ, લાલચ, પૈસા, પોટલી કે વચનો આપીને પટાવી લેવો સાવ સહેલો છે ! એટલે એમના મનમાં તો આ જ ગરબો ચાલી રહ્યો છે…
મતદાર નાનો રે
કેવો રમે છે મારી કેડમાં
કહો તો ગોરી રે… એને
મફતમાં વીજળી અપાવી દઉં
વીજળીનો ચોરનાર રે
જુઓ રમે છે મારી કેડમાં !
***
બીજી બાજુ જનતા તો બિચારી કીડી જેવી છે ! નેતાઓનાં દર્શન કરવા માટે કિડીયારુ ઉભરાય તેમ દોડી આવે છે ! જાણે એમનાં જ લગ્ન લેવાઈ રહ્યાં છે…
જનતા બિચારી કીડલી રે
કીડીના લગનિયાં લેવાય…
દિલ્હીથી નેતાઓ નોંતર્યા
કીડીને દીધાં સન્માન !
હાલોને લોકશાહીની જાનમાં…
***
જેમ જેમ 5 ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓની ઉતાવળ વધી ગઈ છે ! સાંભળો પ્રજા અને નેતાઓ વચ્ચેનો આ સંવાદ…
લીલી ચૂંટણી રે
લીલો મતપેટીનો ખેલ !
નેતા લોભના રે
મારી ઘેર ખબર લેતા જાવ
ખબર નહીં લઉં રે…
પેલી મારી ખુરશી જુવે વાટ
ખુરશી એકલી રે
જુએ એકસો બ્યાંશીની વાટ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment