આજકાલ લગ્નોની સિઝન ચાલી રહી છે. સાથે સાથે ચૂંટણી પતી ગયા પછી અનુમાનોની પણ સિઝન ચાલી રહી છે. આવા માહોલમાં તમે લગ્નોમાં ખાસ માર્ક કરજો કે..
***
તમે માર્ક કરજો કે…
તમે બુફેના ટેબલ ઉપર મુકેલી કોઈ નવી જ ટાઈપની વાનગી તરફ ઈશારો કરીને પૂછો કે ‘...શું લાગે છે ?’
તોય જવાબ મળશે : ‘આવશે તો મોદી જ !’
***
તમે માર્ક કરજો કે…
રિસેપ્શનમાં કવર આપીને ફોટા પડાવવા માટે જેટલી લાંબી લાઈનો લાગે છે એટલી તો તાપી જિલ્લામાં (જ્યાં સૌથી વધુ મતદાન થયું ત્યાં) પણ નહોતી લાગી !
***
તમે માર્ક કરજો કે…
ચાંલ્લો સ્વીકારવાના ટેબલ ઉપર અમુક લગ્નોમાં સાઈડમાં કોઈ ભાઈ એક-એક રૂપિયો ‘છુટ્ટો’ આપવાની ‘સેવા’ આપી રહ્યો હોય છે !
***
તમે માર્ક કરજો કે…
બુફે ડિનરમાં પણ ચૂંટણીની જેમ જ ‘ખુરશીઓ’ ઓછી હોય છે અને ‘ઊભા રહેનારા’ વધારે હોય છે !
***
તમે એ પણ માર્ક કરજો…
કે પંચાયતની સીટોની જેમ રિસ્પેશનમાં પણ પતિ જ પત્નીની સીટને ‘રિઝર્વ’ કરીને ઊભો હોય છે !
***
તમે માર્ક કરજો….
લગ્નના વરઘોડામાં બેન્ડવાજા વગાડનારાના ચહેરા ઉપર જે ‘નિર્લેપ’ હાવભાવ હોય છે એવા જ હાવભાવ નેતાના રોડ-શોમાં ટ્રકમાં ઊભા રહીને ‘ઝિંદાબાદ…. ઝિંદાબાદ…’ બોલ્યા કરનારાના હોય છે !
***
અને ખાસ માર્ક કરજો…
કે લગ્ન હોય કે ચૂંટણી, આખો મહિમા ‘ખાવામાં શું છે’ એમાં જ હોય છે ! ફરક એટલો જ કે ચૂંટણીમાં બધુ પતી ગયા ‘પછી’ નેતાઓ ચૂપચાપ ‘ખાવામાં’ લાગી જશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment