ગુજ્જુઓની થર્ટી ફર્સ્ટ !

એક તો આપણું વરસોથી ડ્રાય સ્ટેટ, એમાં શી ખબર 31 ડિસેમ્બરે જાણે બાધા રાખી હોય એમ અમુક ગુજરાતીઓને ‘પીવું જ પડે’ એવું થઈ જતું હોય છે ! આમાં ને આમાં આપણા ગુજ્જુઓ ઘણી વાતે ફની પોઝિશનમાં હલવાઈ જતા હોય છે ! જુઓ…

*** 

સૌથી ફની વાત એ છે કે અમુક લોકો માટે પોતાના લગ્નની ‘ફર્સ્ટ નાઈટ’ કરતાંય આ ‘થર્ટી ફર્સ્ટ નાઈટ’ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે ! બોલો.

*** 

બીજી ફની વાત એ કે રૂટિનમાં ય કઈ દહાડો ચાર-પાંચ ‘કોક’ લેવા ગયા ના હોય એવા લોકો ચાર-પાંચ ‘સોડા’નો ઓર્ડર આપે ત્યારે ‘ખતરનાક શંકાથી’ ચારેબાજુ જોતા હોય છે !

*** 

ત્રીજી ફની તો નહીં, પણ ગંભીર વાત એ છે કે સરકાર અને પોલીસ થર્ટી ફર્સ્ટના નામે એટલી હદે જાપ્તો વધારી મુકે છે કે મારા બેટા બાટલીના સપ્લાયરો દારૂના ભાવ દોઢા અને બમણા કરી મુકે છે ! જાગો, ગ્રાહક જાગો !

*** 

આવી સિચ્યુએશનમાં જે લોકો ક્યાંકથી બાટલી શોધીને લઈ આવે છે એ લોકો ડંફાશ તો એવી મારે છે કે જાણે પોતે દૂબઈથી ચડ્ડીમાં સંતાડીને બે કિલો સોનું લઈ આયા હોય !

*** 

અચ્છા, મને તો હજી નથી સમજાતું કે આખો તહેવાર ક્રિશ્ચિયનોનો છે છતાં પહેલો પેગ પીતાં પહેલાં અમુક લોકો આંગળી બોળીને ચારે બાજુ છાંટા નાંખીને ‘ભગવાન’નું નામ શા માટે લેતા હશે ?

*** 

તમે એ પણ માર્ક કરજો કે અમુક લોકો આખો પ્રોગ્રામ સેટ કરતી વખતે ફોનમાં સતત એવું બોલતા હોય છે કે ‘બેસવાનું નક્કી છે ને ?’ ‘બેઠક કોને ત્યાં રાખી છે ?’

- અલ્યા, આ કંઈ બેસણાંનો પ્રોગ્રામ છે ?

*** 

અને તમે હવાલદારોને ખાસ માર્ક કરજો… તમે શીંગ ભૂજિયાનું પેકેટ લઈને જતા હશો તોય તમારી તરફ ‘શંકાસ્પદ’ રીતે જોશે ! એટલું જ નહીં, તમારો પીછો પણ કરશે !

*** 

બાકી સૌ શોખીનોને અમારી એક ખાસ રિક્વેસ્ટ છે કે રાત્રે પીવા બેસો ત્યારે તમારા મોબાઈલની બેટરી ફૂલ-ચાર્જમાં રાખજો !
કેમકે, જો આજે પોલીસ પકડશે તો આખો રવિવાર લોક-અપમાં ગુજારવો પડશે ! 

પછી છેક સોમવારે કોર્ટો ખુલે ત્યારે જ જામીન મળશે ! ત્યાં સુધી ‘ટાઈમપાસ’ શી રીતે કરશો ?

- સમજી ગયા ? હેપ્પી થર્ટી ફર્સ્ટ !

***

- મન્નુ શેખચલ્લી

Comments