નવી ચૂંટણીના ગરબા !

નેતાઓ ગલીએ ગલીએ ફરીને આપણને ગોળ ગોળ ગરબા રમાડે છે ! અને પછી વોટ મળી જાય ત્યારે પોતપોતાના બંગલામાં જઈને રાસલીલા કરે છે ! તો પ્રસ્તુત છે આ વખતની ચૂંટણીના જાણીતા ગરબા… 

*** 

નેતાઓની ડ્રામાબાજી જોઈને પ્રજાને એક જ ગરબો ગાવાનું મન થાય છે…

એ તમે થોડા થોડા
થાવ નૌટંકી…
ઓ નેતા તમે
થોડા થોડા થાવ નૌટંકી !

*** 

ઠેર ઠેર રોડ-શો ચાલી રહ્યા છે ! નેતાઓ મોટરમાં ઊભા રહીને હાથ હલાવતા જતા રહે છે ! જનતા જુએ છે ને પૂછે છે…

લાલ મોટર આવી
ને રોડ શો લાવી
પૂછે જનતા….
ચૂંટણીમાં કોને લ્હેર છે ?

*** 

વોટ લેવા માટે કેવાં કેવાં પ્રલોભનો અપાઈ રહ્યાં છે ! જનતા પણ જાણી ગઈ છે કે રૂપિયાની રેલમછેલ છે ! એટલે કહે છે…

તમે એક વાર વોટ લેવા
આવજો રે, ઓ ખુરશીવાળા !
તમે ઓલું લાવજો, પેલું લાવજો
પાંન્સો પોટલી, પાંન્સો બાટલી
પાંન્સોની નોટો, લાવજો રે…
ઓ ખુરશીવાળા !

*** 

નેતાઓ પણ વોટ માટે ઘાંઘા થયા છે એટલે બેફામ વાણીવિલાસ કરે છે ! સરવાળે થાય છે શું…

વોટ લૈશું વોટ લૈશું
વોટ મોટાં ઝાડ !
એક નિવેદન કરું ત્યાં તો
‘ટ્રોલ’ થાયે બાર !

*** 

જોકે આપણે વોટ આપી દઈશું પછી તો એ બધા એકબીજાના વિરોધી લાગતા નેતાઓ અંદરોઅંદર ભેગા મળીને ગાતા હશે…

અમે કાકા-બાપાના પોરિયા રે
ભેગા ખુરશી રમતા રે !
ભેગા રૂપિયા રમતા રે !
ભેગા જલસા કરતા રે !

***

- મન્નુ શેખચલ્લી

Comments