એક્સ્ટ્રા સાંભાર, એક્સ્ટ્રા ચટણી અને એક્સ્ટ્રા કલાકારો !

અમારી અમદાવાદી પબ્લિકની એક બહુ ખરાબ ટેવ છે કે જે ‘મફતમાં’ મળતું હોય એ પણ ‘એકસ્ટ્રા’ જોઈએ ! જેમકે મસાલા ઢોંસા સાથે ‘એકસ્ટ્રા સાંભાર’ ત્રણ-ત્રણ ચાર-ચાર વાર મંગાવવાનો ! દશેરાના જાડા ફાફડા સાથે પપૈયાની ચટણી તો ભઈ, થાળીમાં બબ્બે વાર શાક પીરસાવતા હોય એટલી તો મિનિમમ જોઈએ, જ !

આ જ કારણસર અમુક અમદાવાદીઓ હજી એમ માને છે કે ફિલ્મોમાં હિરો-હિરોઈન સાથે પેલા એકસ્ટ્રા કલાકારો તે ફ્રીમાં જ મળતા હશે ! પણ હકીકતમાં એવું હોતું નથી. બિચારા પ્રોડ્યુસરે એકસ્ટ્રા કલાકારોના ભાવ ખિસ્સામાંથી રૂપિયા કાઢીને ચૂકવવા પડે છે. એ પણ છુટકમાં નહીં, ડઝનના ભાવે ! 

જરા વિચાર કરો, જે લોકોએ બજારના સીનમાં કશું કરવાનું જ નથી સિવાય કે આ બાજુથી પેલી બાજુ શાંતિથી ચાલ-ચાલ જ કરવાનું છે… તોય એને એક શીફ્ટના માથા દીઠ 200-300 રૂપિયા મળી જાય છે ! બોલો, સાવ સહેલું કામ છે ને ?

ના હોં ? બધી વખતે સહેલું નથી હોતું ! દાખલા તરીકે કોઈ મોટો સ્ટાર નેતા બન્યો હોય અને એના ભાષણ માટે ભીડ ભેગી થઈ હોય તો એ બિચારી ભીડે ખુલ્લા મેદાનમાં ભર તડકામાં સળંગ ચાર-પાંચ કલાક ઊભા રહેવું જ પડે ! (આજકાલ ચૂંટણીમાં જે ભીડ ભેગી કરે છે એમને તો બેસવા માટે ખુરશીઓ પણ મળે છે)

જી હા, વાત ચાલી રહી છે ફિલ્મોમાં દેખાતા ‘એકસ્ટ્રા’ કલાકારોની ! તમે નહિ માનો, પણ સલમાન ખાનના પપ્પા યાને કે  ’80ના દાયકાના સુપરસ્ટાર લેખક સલીમ (સલીમ-જાવેદવાળા) એક જમાનામાં એકસ્ટ્રા કલાકાર તરીકે ઠેબાં ખાતા હતા ! આજે જુની ફિલ્મો જોવા બેસો તો સલીમ સાહેબને ભીડમાંથી શોધવા માટે માઈક્રોસ્કોપ લગાડવું પડે, પરંતુ બોસ, તમે યુ-ટ્યુબમાં ફક્ત એક જ ગાયન કાઢીને જોઈ લો… ‘તીસરી મંઝિલ’નું ‘ઓ હસીના ઝુલ્ફોંવાલી જાને જહાં…’ એમાં રૂડા-રૂપાળા ગોરા સરખા સલીમભાઈ કાળો સૂટ પહેરીને ડ્રમ વગાડતા દેખાય છે ! બોલો.

સાલું, કોઈ મામુલી એકસ્ટ્રા કલાકાર આગળ જઈને સુપરહિટ ફિલ્મો લખનારો લેખક બની શકે છે એવું જો આપણા ગુજરાતી લેખકોને ખબર હોત તો ‘ચાંદની’ અને ‘આરામ’ જેવાં માસિકોમાં 10-10 રૂપિયાના પુરસ્કારના બદલામાં ‘સ્વ-રચિત’ અને ‘મૌલિક’ વાર્તાઓ લખવાના ઢસરડા કરવાને બદલે એ લોકોએ સીધી મુંબઈની જ વાટ પકડી હોત ને ? શું કહો છો ?

અરે, એ જમાનાની ફિલ્મોમાં આવા નાના મોટાં કલાકારોનાં ડાચાં એટલી બધી વખત વારંવાર જોવા મળતાં હતાં કે જો આજની જેમ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવાં એપ હોત તો એમનાં હજારો ફોલોઅર્સ હોત !

ફિલ્મોમાં રીપીટ થતાં એકસ્ટ્રાઓનાં અમુક તૈયાર બીબાં જોવા મળતાં હતાં. જેમકે મેઈન વિલનની આજુ બાજુ એકાદ જાડીયો, ટાલિયો ઊભો જ હોય જેની ભરાવદાર અને અણિયાળી મૂછો હોય ! બીજો એક માથે મધપૂડો ચોંટાડીને ફરતો હોય એવો વાંકડીયા વાળવાળો ગુંડો હોય ! ત્રીજો લાલ બનિયાન અને લીલી લુંગીવાળો કાળિયો હોય અને ચોથો ગઠ્ઠાદાર મસલ્સવળો ટાલિયો હોય જેની એક ફૂટી ગયેલી આંખ ઉપર ચામડાનો પેચ બાંધેલો હોય ! 

અચ્છા, હિરોઈનની ‘સહેલીઓ’માં પણ ‘ફીક્સ મેનુ’ રહેતું હતું. એક ઊંચા અંબોડાવાળી હોય, જેણે તસોતસ ફીટીંગવાળું પંજાબી પહેરેલું હોય. બીજી ટુંકા વાળની વીગ અને સસ્તા ગોગલ્સ ઠઠાડીને લાલ ચટ્ટાક લિપસ્ટીક લગાડેલા હોઠ વડે સતત સ્માઈલો આપતી હોય. ત્રીજી ઢીલું ટી-શર્ટ અને ટાઈટ પેન્ટમાં જ હોવી જોઈએ અને ચોથી એકસ્ટ્રા બહેનપણી આ લાઈનમાં છેલ્લાં પંદર વરસથી ટીચાતી હોવાથી પોતાની ઉંમર છુપાવવા જાણી જોઈને કઢંગા ફીટીંગવાળું સ્લીવલેસ ટોપ અને પગની ચરબીને ઢાંકવી કે ઉઘાડી રાખવી એની મુંઝવણમાં મીની એ મિડીની વચ્ચે રહી ગયેલું સ્કર્ટ પહેરીને આવી હોય ! 

(ખાસ નોંધ : પેલા એકસ્ટ્રા ગુન્ડાઓને કદી ડાયલોગ મળતા નહોતા પરંતુ હિરોઈનની સહેલીઓને વારંવાર હીહીહીહી… કરીને ખિલખિલ હસવાનો અવાજ કાઢ્યા કરવાનું ફરજિયાત હતું.)

આ ઉપરાંત અમુક દયામણાં ડાચાંઓ ફીક્સ હતાં. જેમકે તૂટેલી દાંડીવાળા ચશ્મા પહેરેલા કાકા, લાકડીના ટેકે માંડ માંડ ચાલતી ડોશી, ધૂળમાં રગદોળાયેલા વાળવાળી લઘરવઘર ગાંડી બાઈ અને હાડકાં સાથે ચામડી ચોંટી ગઈ હોય એવો ભૂખથી મરવાની તૈયારીમાં હોય એવો ડોસો… 

આમાં આ ડોસાને જોઈને અમને એ જ વિચાર આવતો હતો કે એ વડીલ પોતાને એકસ્ટ્રાનો રોલ મળે એટલા ખાતર ભૂખા રહેતા હશે? કે વડીલને સતત ભૂખ્યા રાખવા માટે પેમેન્ટ જ નહીં અપાતું હોય ? અઘરું છે, ભૈશાબ.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments