મતદાન પછી ત્રણ પ્રકારનું !

ગઈકાલે એક તબક્કાનું મતદાન પત્યું. હજુ બીજા તબક્કાનું મતદાન 5 તારીખે છે. જોવાની વાત એ છે કે મતદારો, મતદાન અને મત આપવાના કારણો વગેરેમાં ત્રણ ત્રણ પ્રકારો હોય છે !

*** 

મતદારોના ત્રણ પ્રકારો

(1) ઉમેદવાર કોણ છે, એ શું કરી શકશે એ જોયા સમજ્યા વિના જ મત આપી આવે છે.

(2) કયો ઉમેદવાર શું લાલચ આપે છે ? એ તમામ લાલચો લઈ લીધા પછી જ મત આપવા જાય છે !

(3) લાલચમાં ફસાતો નથી. ઉમેદવારોને બરોબર ઓળખે છે… પણ મત આપવા જ નથી જતો !

*** 

મત આપવાનાં ત્રણ કારણો

(1) ઉમેદવાર મારી જ્ઞાતિનો છે.

(2) ઉમેદવારે જે દારૂ પીવડાવ્યો એ સારો હતો. પૈસા પણ સારા એવા આપ્યા છે.

(3) ઉમેદવાર ગયો તેલ લેવા ! આપણે તો મોદીને વોટ આપીએ છીએ.

*** 

મતદાનનાં ત્રણ પ્રકારનાં વિશ્ર્લષણો

(1) મતદાન સવારે ધીમું હતું, બપોરે શુષ્ક હતું, અને સાંજે લાઈનો હતી. મતદારોનું મન કળાતું નથી.

(2) ફલાણી સીટ પર આટલા ટકા, ઢીંકણી સીટ પર આટલા ટકા અને ઓવરઓલ આટલા ટકા મતદાન થયું. મતદારોનું મન કળાતું નથી.

(3) મતદારોનું સમજ્યા… પણ રાહુલબાબાના મનમાં શું ચાલે છે એ ય કળાતું નથી ! બોલો.

*** 

ઉમેદવારના ત્રણ પ્રકારના દાવા

(1) અમે જ જીતીશું… કેમકે એવું જ કહેવાનો રીવાજ છે !

(2) અમે જ જીતીશું… કેમ કે સટ્ટાબજારમાં પણ એવું જ કહે છે !

(3) અમે જ જીતીશું… કેમકે સપનાં જોવાનો સૌને અધિકાર છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments