તમારામાંથી કેટલાને ‘અંતકડી’ અને ‘અંતાક્ષરી’નો ફરક ખબર છે ? અરે ભઈ, આમ તો એક જ છે ! પણ 1994માં ટીવી ઉપર અન્નુ કપૂરની ‘અંતાક્ષરી’ આવી ત્યાં આપણે ‘અંતકડી’ જ રમતા હતા ને ?
આજે લગભગ બધા ગુજરાતીઓ અંતાક્ષરી રમવાની શરૂઆત કરતાં ગાય છે કે ‘બૈઠે બૈઠે ક્યા કરેં, કરના હૈ કુછ કામ, આઓ ખેલેં અંતાક્ષરી, લે કે પ્રભુ કા નામ…’ પરંતુ એ પહેલાં એવું નહોતું ! પહેલી વાત તો એ કે આપણે ગુજરાતીઓ કંઈ ‘નવરા’ થઈને નહોતા બેસી રહેતા ! અંતકડી રમતાં પહેલાં તો ધમાચકડીભર્યું જોડકણું ગવાતું હતું :
‘અડઘમ વાગે, પડઘમ વાગે…
વાજાં વાગે સહી,
જેને અંતકડી રમવી હોય
એ ગડબડ કરશો નહીં !’
જોકે પછી છેવટે તો ‘ગડબડો’ જ થતી હતી ! અંતકડીના સ્ટાર્ટિંગનું બીજું વર્ઝન કંઈક એવું હતું કે ‘અંતકડી… બંતકડી… કોની ઉપર જઈ પડી… અંતકડી… બંતકડી… તારી ઉપર જઈ પડી !’
આમાં જેની ઉપર ‘પડી’ હોય એનું વાજું તરત જ વાગવા માંડે… ‘ડમડમ ડિગા ડિગા… મૌસમ ભીગા ભીગા…’ આમાં છેલ્લે પેલું ‘સુભાન-અલ્લા’ આવે કે તરત સામેથી ફિક્સ સમુહગાન શરૂ થઈ જાય ‘લે કે પહલા પહલા પ્યાર, ભર કે આંખો મેં ખુમાર’ આમાં ‘ર’ આવ્યો નથી ને સામી પાર્ટી કૂદી જ પડવાની ‘રમૈયા વસ્તા વૈયા… મૈંને દિલ તુજ કો દિયા…’
અમને યાદ છે, નિશાળમાંથી પિકનિક ઉપર લઈ જાય ત્યારે જતી વખતે અડધો અડધ રસ્તો અંતકડીમાં ક્યારે કપાઈ જતો તેની ખબર પણ પડતી નહોતી ! એ જ રીતે, રૂટિન દિવસોમાં જેવા સ્કુલમાં પહોંચીને ખબર પડે કે ‘ફલાણા બેન આજે રજા ઉપર છે’ કે તરત એ ‘ફ્રી પિરિયડ’માં ‘અંતાક્ષરી’ રમવા મળશે એ વાતે થનગનાટ વ્યાપી જતો !
આજનાં સ્કુલનાં બચ્ચાંઓ કે કોલેજનાં છોકરાં-છોકરીઓ જો અંતાક્ષરી રમવા બેસે તો માંડ પંદર જ મિનિટમાં બધા ફાંફે ચડી જતાં જોવા મળે છે પણ એ વખતે અડધા કલાકનો આખો પિરિયડ પતી જાય છતાં અંતકડીમાં કોઈને માથે એક ‘ટીકી’ પણ ચડતી નહોતી !
આ ‘ટીકી’ની બીજી પણ એક સિસ્ટમ હતી, જેમાં પહેલી વાર ના ગાઈ શકે એ ટીમની ઉપર ‘ગ’ ચડાવવામાં આવે… આમ ત્રીજી વાર થાય એટલે આખી ટીમ ઉપર ‘ગધેડો’ ચડી જતો હતો !
અંતકડીની શરૂઆતમાં તો સામસામી તલવારબાજી થતી હોય એમ જે ગાયનો ‘વીંઝાતા’ હતાં તેની મઝા જ કંઈ ઓર હતી ! પણ એનાથી યે વધુ મઝા ત્યારે આવતી જ્યારે જીભે ચડેલું એકાદ ગાયન (જેમકે ડમ ડમ ડીગી ડીગા) ફરીથી ગાવામાં આવે કે તરત જ વિરોધપક્ષમાંથી ચીસાચીસ થઈ જાય ‘આવી ગ્યું….!! એ આવી ગ્યું !!’ ‘ટીકી ચડાવો…’ ‘ગણવા માંડો… એક… બે… ત્રણ’ આવામાં એકાદ છૂપો રુસ્તમ (અથવા છૂપી રાણી) સંકટ સમયની સાંકળ ખેંચતી હોય એવું એકાદ નવું ગાયન શરૂ કરે કે તરત જ આખું ટોળું ઉછળી ઉછળીને એમાં જોડાઈ જતું !
આમાં આગળ જતાં ત્યારે ગાયનો ખૂટવા માંડે ત્યારે અમુક ચાલાકીઓ સ્ટાન્ડર્ડ થઈ ગઈ હતી ! જેમકે ‘હ’ ઉપરથી ગાયનો ખૂટી પડ્યાં હોય તો કોઈપણ ગાયન પહેલાં ‘હોઓ… ઓ…’ એવો આલાપ કરીને ઘૂસાડી દેવાનું ! (હોઓઓ… ની જગ્યાએ ‘હંમમમ’ પણ ચાલી જાય) જોકે સામેવાળી ટુકડી દલીલો કરવા માંડે કે આવું ના હોય… આવું ના ચાલે… આવું ગાયનમાં છે જ નહીં… ત્યારે આખા ક્લાસમાં (કે પિકનિકની આખી બસમાં) એકાદ બે ‘જાણકારો’ને અંપાયર બનાવીને ‘રીવ્યુ’ લેવામાં આવતો હતો !
એ જ રીતે જેમ જેમ અંતકડીની રમત આગળ વધતી જાય અને ગાયનોનાં મુખડાંનો દુકાળ પડવા માંડે ત્યારે અમુક મહારથીઓ એમનાં ભાથામાંથી ‘અંતરા’નાં તીર કાઢતાં ! એ ચેમ્પિયનો ભલભલાં ‘આવી ગયેલાં’ ગાયનનાં અંતરાથી શરૂ કરે અને મુખડા ઉપર લાવીને સામેની ટીમને છેલ્લો અક્ષર પકડાવી દેતા ! (કાયદેસર રીતે એ નવું ગાયન ગણવામાં આવતું હતું.)
બીજી છટકબારીઓ એવી હતી કે ‘ય’ નો ‘અ’ થાય.. ‘ડ’નો ‘દ’ થાય… તો ‘થ’ નો ‘ત’ કેમ ના થાય ? ક્લાસમાં એકાદ તોતડો છોકરો હોય એ તો ‘લુક જા ઓ દાનેવાલી લુક જા…’ એવું ગાઈને ગધેડાનો ‘ગ’ ચડતો બચાવવાની ભરપૂર કોશિશ જરૂર કરતો ! અમુક ભેળસેળ-ચેમ્પિયનો સાવ ઓછા જાણીતા ગાયનનો પહેલો શબ્દ બદલીને ચાલાકી કરી નાંખતા !
આવી ચાલાકીમાં આજે પણ અર્ચન ત્રિવેદી નામના જાણીતા અભિનેતા એટલા માહિર છે કે તે ’60 કે ’90ના દાયકાનું જ લાગે તેવું ગાયન ‘ઓન-ધ-સ્પોટ’ બનાવીને ગાઈ શકે છે ! વળી એમાં રિધમ પણ હોય, મેલોડી પણ હોય અને પ્રાસ પણ બેસતો હોય ! ઉપરથી મુકેશ કે કુમાર સાનુ જેવો અવાજ પણ કાઢે !
આમ જોવા જાવ તો અંતકડી એ મફતનું મનોરંજન હતું પણ ટીવીમાં ફેમસ થયા પછી અન્નુ કપૂરને હજારો રૂપિયા આપીને આપણા ગુજરાતીઓએ લગ્નોમાં અંતાક્ષરી રમાડવાનો ‘વટ’ પણ પાડ્યો જ છે !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment