અર્થશાસ્ત્રી રઘુ રાજને રાહુલબાબાને ઈન્ટરવ્યુ આપતાં કહ્યું કે ભારતમાં જે પાંચ-છ જણા વધુને વધુ ધનવાન થઈ રહ્યા છે તે ‘ચિંતાની બાબત’ છે ! પરંતુ એ બે જણાને શું ખબર કે ભારતમાં કેટલા પ્રકારના ચિંતાજનક રીચ લોકો છે…
***
ટોપર રીચ
એવા પાંચ-સાત ધનાઢય લોકો, જેમનાં નામો દુનિયાનાં ટોપ-100 નામમાં ટકી રહે, એ માટે બિચારાઓ દહાડાના 18-18 કલાક કામ કરે છે !
***
ભાગેડુ રીચ
માલ્યા, નીરવ, મેહુલ જેવા કરુંબાજ લોકો, જે હજારો કરોડનું કરીને હવે નિરાંતે વિદેશોમાં બેસીને જલસા કરી રહ્યા છે !
***
સેલિબ્રિટી રીચ
ફિલ્મ સ્ટારો, ક્રિકેટરો જેવા લોકો, જે માંડ 8-10 વરસ સખત કામ કરીને ફેમસ થઈ ગયા પછી ફક્ત ‘ફેમસ’ રહેવા માટે કંઈ ને કંઈ ગતકડાં કર્યા કરે છે !
***
ઇન્ટેલેક્ચ્યુઅલ રીચ
જેમની એકાદ ફિલ્મ, એકાદ પુસ્તક કે એકાદ થિસિસને ઇન્ટરનેશનલ પ્રાઈઝ મળી જાય પછી કશું જ નવું કામ કરવાને બદલે દેશની અમુક રાજકીય પાર્ટીઓને તથા વિદેશની અમુક વિચારધારાને પસંદ પડે તેવું ચાંપલું ચાંપલું બોલતા રહે છે !
***
કૌભાંડ રીચ
જેમણે સરકારનું, બેન્કોનું કે પબ્લિકનું કરી નાંખ્યું છે અને એ જ પૈસા ખવડાવીને જે કાનૂનના પંજાથી સતત દૂર રહીને અહીં જ જલસા કરી રહ્યા છે !
***
સેવાભાવી રીચ
આવા લોકો દર પાંચ વરસે તમારી પાસે આવે છે, સેવા કરવાની વાતો કરે છે અને પછી શી ખબર શી રીતે, ધનાઢય થયા જ કરે છે !
***
સગાં-સંબંધી રીચ
એક પાઈની પણ પેદાશ કરવાની આવડત ના હોવા છતાં જે લોકો ઉપરની કેટેગરીનાં સંતાનો, ભાણિયા, ભત્રીજા, પત્ની કે ગર્લફ્રેન્ડો છે, એવા લોકો !
***
બે-નમૂન રીચ
જેની પાસે કાર, હેલિકોપ્ટર, વિમાન બધું જ હોવા છતાં ફકીરની જેમ દાઢી વધારીને ‘પદયાત્રા’ કરવા નીકળી પડ્યા છે ! બોલો.
(તમે જ કહો, ‘ચિંતાની બાબત’ હોય એવા ધનવાન લોકો આમાંથી કોણ નથી ?)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment