નવાં ખાતાં જોઈશે !

લો, નવા મંત્રીમંડળનો શપથવિધિ પણ થઈ ગયો. મંત્રીઓને એમનાં ખાતાં પણ સોંપાઈ ગયાં… છતાં અમને લાગે છે કે થોડાં નવા મંત્રાલયો બનાવવાની જરૂર છે ! જેમકે…

*** 

ખાડા મંત્રાલય
ના ના ! આ મંત્રાલય રોડના ખાડા ‘પૂરવાનું’ કામ નહીં કરે ! બલ્કે એ ચાંપતી નજર રાખશે કે ખાડાઓના ફોટા પાડીને સરકારને બદનામ કરવાનાં ખતરનાક કાવતરાં કયા તત્વો ઘડી રહ્યાં છે !

*** 

દુર્ઘટના મંત્રાલય
આવનારા વરસોમાં પુલો, ફ્લાયઓવરો અને નહેરો તૂટવાની જ છે ! (હોની કો કૌન ટાલ સકતા હૈ ?) પરંતુ એ પછી સરકારને માથે માછલાં ધોવાય છે તેને રોકવા માટેનું આ ડેમેજ કંટ્રોલ ખાતું જોઈશે !

*** 

રંગરોગાન મંત્રાલય
વડાપ્રધાન ગુજરાતની (કે દુર્ઘટનાની) મુલાકાતે આવે ત્યારે તાત્કાલિક ઢાંકો-ઢૂબો કરવા માટે હવે તો તંત્રોને ખડે પગે તૈયાર રાખવાં પડશે ! આ મંત્રાલય માત્ર 24 કલાકની નોટિસમાં ભલભલું રંગરોગાન કરવા માટે ખડે પગે તૈયાર હશે !

*** 

ખાતમહુરત મંત્રાલય
જુના પ્રોજેક્ટો તો પુરા કરવામાં વરસો લાગી જાય છે. (જેમકે મેટ્રો રેલ્વેને 15 વરસ થઈ ગયાં) પરંતુ નવાં ખાત મહુરત કરવામાં ક્યાં મહુરતો જોવાનાં છે ? આ મંત્રાલય આખા વરસનાં ખાતમહુરતોનું કેલેન્ડર બનાવીને તૈયાર રાખશે !

*** 

થાળેપાડક મંત્રાલય
અગાઉ તો માત્ર 111 હતા. આ વખતે તો વધીને 156 થઈ ગયા છે ! આ સૌને જો સરખે ઠેકાણે થાળે નહીં પાડો તો પાર્ટીમાં જુથબંધી અને બળવાખોરી થશે ! આથી વિવિધ બોર્ડો, મંડળીઓ અને સંસ્થાઓમાં એમને થાળે પાડવાનો વહીવટ આ મંત્રાલય કરશે.

*** 

ખુલાસા મંત્રાલય
‘રૂપિયો નબળો નથી પડ્યો, ડોલર મજબૂત થયો છે’ એ ટાઈપનાં જિનિયસ ઓરિજીનલ ખુલાસાઓ સ્થાનિક લેવલે કોણ કરશે ? આ નવું મંત્રાલય !

***

- મન્નુ શેખચલ્લી

Comments