હા ભઈ હા ! એ જમાનામાં માધવસિંહ સોલંકીને 149 સીટોની બહુમતી મળી હતી અને આજે ભૂપેન્દ્ર પટેલ 156નો રેકોર્ડ ધરાવે છે… એ બધું બરોબર પણ એ સિવાય ઘણું બદલાઈ ગયું છે !
***
એ જમાનામાં…
છોકરાંઓ મા-બાપને પગે લાગતા હતા.
આજે…
મા-બાપ છોકરાંઓને કહે છે ‘તને પગે લાગું ભૈશાબ, આ મોબાઈલ બાજુમાં મુક !’
***
એ જમાનામાં…
જેના ઘરમાં લેન્ડ-લાઈન ફોન હોય એનો વટ પડતો હતો.
આજે…
ઘરમાં હજી લેન્ડલાઈન ફોન છે એ બધા ‘જુનવાણી ડોસલાંઓ’ ગણાય છે !
***
એ જમાનામાં…
લગ્નોમાં જમવાવળા થાળી લઈને બેસી રહેતા હતા અને પીરસવાવાળા વાનગીઓ લઈને ફરતા રહેતા હતા.
આજે…
પીરસવાવાળા વાનગીઓ પાસે ઊભા રહે છે અને જમવાવાળા થાળીઓ લઈ લઈને ફરતા રહે છે ! બોલો.
***
એ જમાનામાં…
બીજાઓ ક્યાં જાય છે, કોને મળે છે, શું કરે છે એની નજર રાખવા નવરા લોકો બારીએ બેસી રહેતા હતા અને પછી પંચાત કરવા માટે ઓટલે ભેગા થતા હતા.
આજે…
કોણ ક્યાં જાય છે, શું કરે છે એ જોવા માટે CCTV રાખ્યા છે અને ઘરમાં બેઠાંબેઠાં પંચાત કરવા માટે મોબાઈલ રાખ્યા છે !
***
એ જમાનામાં…
ફાટેલાં કપડાં તો ભિખારી પણ નહોતા લઈ જતા.
આજે…
ફાટેલાં કપડાં એરકંડીશન્ડ શો રૂમોમાં દસ-દસ હજારમાં વેચાય છે ! બોલો.
***
એ જમાનામાં…
સોસાયટીના કોમન-પ્લોટમાં નાનાં છોકરાંઓ ક્રિકેટ બાબતે અંદરો અંદર લડી પડતાં હતાં.
આજે…
એ જ કોમન પ્લોટમાં મોટા લોકો પાર્કિંગ બાબતે એકબીજા જોડે લડી પડે છે ! બોલો, ખોટું કીધું ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment