ભલું થજો એ વાચકનું જેમણે ગયા વખતનો ફિલ્મોનાં ટ્રેઈલરો વિશેનો લેખ વાંચીને ઈ-મેઈલમાં સૂચન કર્યું કે ‘ઇન્ટરવલ વિશે પણ કંઈક લખો ને !’ એ મેઈલ વાંચતાની સાથે જ આખો એ જમાનાનો માહૌલ પણ કોઈ ફિલ્મના ટ્રેઈલરની જેમ જ નજર સામે ખડો થઈ ગયો !
તમને પણ યાદ હશે… કે ફિલ્મ સનસન કરતી ચાલતી જતી હોય ત્યાં અચાનક વારતાના કોઈ નાટ્યાત્મક વળાંક ઉપર અટકે… અને ‘ઢેન્ટેણેએંએંન…’ના ધમાકેદાર મ્યુઝિક સાથે પરદા ઉપર INTERVALના અક્ષરો ધસી આવે ! એ સાથે જ આખા સિનેમાહોલની લાઈટો ચાલુ થઈ જાય ! આપણી આંખો, જે મેસ્મેરાઈઝ થઈને (વશીકરણ થયું હોય તેમ) પરદા ઉપર ખોડાયેલી હોય ત્યાં તો જાણે સપનું તૂટે, અને આપણે ઘરના સખળ-ડખળ ખાટલામાં ઝબકીને જાગી જતા હોઈએ એમ, આસપાસની વાસ્તવિક્તા ચારેબાજુથી ખળભળાટ કરી મુકે !
એક બાજુ સેંકડો ખુરશીઓના કીચૂડાટ સાથે પ્રેક્ષકો ઊભા થઈ ગયા હોય, બીજી બાજુ આપણે લગભગ ડઘાઈને ચારેબાજુ ડાફોળિયાં મારવા લાગીએ… ત્યાં તો બહારની બાજુથી ફેરિયાઓએ જાણે આપણને કોઈ મોટા ધીંગાણામાં ધસી આવવા માટે પાનો ચડાવતા હોય એમ રાડારાડ કરી મુકી હોય ! ‘ખારીઈઈઈ શીંગવાલેએ…’ ‘ચલેએએ મસ્ત મસ્સાલા સોડાઆઆ…’ ‘પાંઆંઆંણી…. બર્રફનું પાંઆંઆંણી…’ ‘દાઆલ ચણાનીઈઈ…’
સાચું કહું તો બહાર આવડું મોટું કોરસગાન ચાલતું હોય ત્યારે મારે તો સીધી ટોઇલેટ તરફ દોટ મુકવી પડતી હતી ! જોકે ફિલ્મની રંગીન દુનિયામાંના ‘સ્વપ્નભંગ’ પછી મને હમેશાં વાસ્તવિક્તાની કળ વળતા ખાસ્સી વાર લાગી જતી હતી. આના કારણે હું હંમેશાં ટોઈલેટ (પેશાબખાના)માં પહોંચવામાં મોડો પડી જતો !
એક તો સાલી, બરોબરની લાગી હોય, એમાં ભીડમાં રાહ જોતાં ઊભા રહેવું પડે ! એ તો ઠીક, પણ જ્યારે વારો આવે ત્યારે શી ખબર, આજુબાજુ ઊભેલા ડઝનબંધ લોકોની હાજરીથી એવી નરવસનેસ થઈ જાય કે પેલું ‘પ્રવાહી’ ઝટ નીચે ઉતરે જ નહીં ! આમાં ને આમાં કંઈ કેટલીયે વાર ‘એક નંબર કર્યા વિના’ જ પાછા આવી જવું પડ્યું છે !
જોકે થોડા ‘અનુભવ’ પછી (એટલે કે થિયેટરોમાં 40-50 ફિલ્મો જોયા પછી) સમજાયું કે ઇન્ટરવલ પડે કે તરત ધસી જવાને બદલે થોડી વાર પછી જવાથી ટોઇલેટમાં ‘તેજી’ ઘટી ગઈ હોય છે ! આજના મલ્ટિપ્લેક્સોની જેમ તે વખતના ઈન્ટરવલો સાવ ટૂંકા નહોતા. (કેમકે તે વખતે સવા બે કલાકની ફિલ્મ માટે કુલ ત્રણ કલાકના ચાર શો ચાલતા, જ્યારે આજના મલ્ટિપ્લેક્સો દિવસના પાંચ કે છ શો ઘૂસાડી દે છે.)
જોકે લાંબા ઈન્ટરવલની મઝા માણવામાં જો આપણે આળસ કરવા રહીએ તો ઘણી તાજી મઝાઓનો ભોગ આપવો પડતો હતો. જેમકે, જો તમારે પેલી ખારીશીંગ ગરમાગરમ ખાવી હોય તો પિંજરામાંથી છૂટેલા ઉંદરડાની માફક ત્યાં ઝડપથી ધસી જવું પડે ! કારણકે શીંગને ગરમ રાખનારું પેલું અંગારા ભરેલું કાળું માટલું માત્ર સાડા ત્રણ ઇંચના ઘેરાવા હેઠળ આવતી શીંગોને જ ગરમ રાખી શકતું હતું ! મતલબ કે જો તમે ભૈયાજીના પહેલા, બીજા કે ત્રીજા ઘરાક ના હો, તો તમારે ઠંડી શીંગથી ચલાવી લેવું પડે !
એ જ લોજિક ઉનાળામાં પેલું બરફનું પાણી લઈને બેસનારી બહેનો ઉપર એપ્લાય થતું હતું. પાંચ-પાંચ પૈસામાં બહેન સ્ટીલનો આખો ગ્લાસ ભરીને પાણી તો આપે, પણ એ પેલી બરફની પાટ ઉપરથી લોટા વડે રેડવાનો દેખાવ જ કરતી હોય ! ખરેખર ઠંડુ પાણી પીધું હોય તો ત્યાં પણ ‘વહેલા તે પહેલા’ના ધોરણે પહોંચી જવું પડતું હતું. મોડા પડ્યા પછી પેલી બહેનને તમે ગમે એટલું કહો કે ‘ધીમે ધીમે રેડોને ?’ તોય એ ગાંઠે નહીં.
જોકે સૌથી મજેદાર જલસો પેલી ‘પિચ્ચુંઉંઉં…’ કરીને ફૂટતી સોડાબોટલની ‘સર્વિંગ સ્ટાઈલ’નો હતો ! આપણા માટે કાચના ગ્લાસમાં તમતમતો મસાલો અને લીંબુની ફાડમાંથી રસ નંખાયા પછી જે ‘ફળફળતી’ સોડા એમાં ઉમેરાતી તેનો ઊભરો જોઈને જ મોંમાં પાણી આવી જતાં ! આપણી સોડા પતી જાય, પૈસા ચૂકવાઈ જાય, પછી પણ ત્યાંથી ખસવાનું મન થતું નહોતું !
જ્યારે આજે ? હાથમાં ટોકન લઈને ભિખારીઓની જેમ પોપકોર્ન માટે લાઈનમાં ઊભા રહેલા ધનાઢય લોકોને જોઈને ખરેખર દયા આવે છે ! બોલો, ખોટું કીધું કંઈ ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment