કહું છું, લખી રાખજો !

ચૂંટણીના પરિણામો આવી ગયાં. એનું પિષ્ટપેષણ પણ થઈ ગયું… એક્સ્પર્ટોએ જનતા માટે ‘શાણી’ ‘સમજદાર’ ‘ઠરેલ’ એવા ચાંપલા શબ્દો પણ વાપરી લીધા… પણ હવે પછીની સચ્ચાઈ અલગ જ છે !

*** 

લખી રાખજો…
ચૂંટણીમાં હંમેશા નેતાઓ જ જીતે છે, જનતા કદી જીતતી નથી.

*** 

કારણ કે…
નેતાઓ એવી લઘુમતી છે જે અંદરો અંદર સંગઠીત છે અને જનતા એવી બહુમતી છે જે હંમેશા વહેંચાઈ જતી હોય છે.

*** 

લખી રાખજો…
જે લોકો મત લેવા માટે બાટલી લઈને ઘેર આવતા હતા એમાંથી એકેય હવે ગેસના બાટલાનું પૂછવા પણ નહીં આવે !

*** 

તમને શું લાગે છે…
ચૂંટાયેલા ધારાસભ્યો એકાદ બે મહિનામાં જુઠું બોલવા લાગશે ?ના ભાઈ ના ! આખી શપથવિધી હોય છે શેના માટે !?

*** 

એ ભ્રમ છે કે…
લોકશાહી લોકો માટે, લોકો દ્વારા અને લોકો વડે ચાલતી પ્રક્રિયા છે.
હકીકત એ છે કે…
ચૂંટણીઓ એ નેતાઓ માટે, ચૂંટણીપંચ દ્વારા ચાલતી પ્રક્રિયા છે જેમાં લોકો વડે જ લોકોનું મનોરંજન થતું રહે છે !

*** 

એ અર્ધ-સત્ય છે કે…
જે લોકો હારી ગયા છે તે લોકો તમારી ‘સેવા’ કરવા માગતા હતા ! કેમકે…
બાકીનું અર્ધ-સત્ય એ છે કે જે લોકો જીતી ગયા છે એ લોકો પણ તમારી ‘સેવા’ જ કરવાની વાતો કરતા હતા !

*** 

અને લખી રાખજો…
‘જનતાનો ચૂકાદો માથે ચડાવું છું…’ ‘જનતા એ જ જનાર્દન છે…’ ‘જનતા બધું જ જાણે છે…’ આવું બધું હમણાં બે-ચાર દિવસ જ સાંભળવા મળશે.
- ફરી એવું સાંભળવું હોય તો પાંચ વરસની રાહ જુઓ !

***

- મન્નુ શેખચલ્લી

Comments