એક ગુંગો રાજા હતો. પ્રજા ગમે એટલા પોકાર કરે, ગમે એટલી મુસીબતો આવે તોય રાજા તો મુંગો જ બેસી રહે.
એકવાર પ્રજાનો કકળાટ જરા વધારે વધી ગયો એટલે ગુંગા રાજાએ એક સમિતિ નીમી. એમને કહ્યું ‘જાવ, જઈને તપાસ કરો કે પ્રજાને ફરિયાદ શું છે?’
સમિતિએ તપાસ કરીને રીપોર્ટ આપ્યો કે ત્રણ ફરિયાદો છે. (1) વીજળી નથી (2) પાણી નથી (3) રસ્તા નથી.
ગુંગો રાજા આ સાંભળીને ગુંગો જ રહ્યો. તપાસનો રીપોર્ટ અભરાઈએ ચડાવી દીધો.
કંટાળેલી પ્રજાએ ત્યારબાદ ગુંગા રાજાને હરાવીને એક બોલકો રાજા-ગાદી ઉપર બેસાડી દીધો.
બોલ કા રાજાએ આવતાંની સાથે કહ્યું, ‘ફરિયાદો દૂર કરવામાં આવે. જાવ, કામે લાગો !’
ધમધમાટી બોલી ગઈ ! ઝડપથી વીજળી, પાણી અને રસ્તાનાં કામો થવાં લાગ્યાં.
અ્મુક વરસ થયાં પછી બોલકા રાજાએ નવી સમિતિ રચી. એમને કહ્યું ‘જાઓ જઈને પૂછી લાવો કે હવે પ્રજાને કેટલી ફરિયાદો છે ?’
સમિતિએ પાછા આવીને કહ્યું ‘રાજાજી, હવે તો ત્રણ નહીં પણ તેર ફરિયાદો છે !’
રાજા ચોંકી ગયો ! બને જ શી રીતે ? બોલો, કઈ કઈ ફરિયાદો છે ?
સમિતિએ ફરિયાદો વાંચી સંભળાવી…
(1) વીજળી જાય છે ત્યારે અંધારું બહું લાગે છે.
(2) અંધારામાં કશું દેખાતું નથી.
(3) વીજળી વધઘટ થાય છે એમાં ઘરના બલ્બ ઊડી જાય છે.
(4) ઉનાળામાં નળમાં પાણી ગરમ આવે છે.
(5) શિયાળામાં નળમાં પાણી બહુ ઠંડુ આવે છે.
(6) ચોમાસામાં પાણી ડહોળું આવે છે.
(7) ખેતી કરવા માટેનું પાણી રાત્રે આવે તો ઉજાગરા કરવા પડે છે.
(8) વરસાદ ઓછો થાય ત્યારે પાણી ઓછું આવે છે.
(9) રસ્તામાં કાંકરા બહુ હોય છે.
(10) વાહનોની ભીડ બહુ વધી ગઈ છે.
(11) ગરમીમાં ડામર પીગળી જાય છે.
(12) રાજા કશું કરતા નથી.
(13) કોઈ અમારું સાંભળતું નથી !
(હવે તમે જ કહો, પ્રજાની ત્રણ જ ફરિયાદો હતી તે રાજા માટે સારું જ હતું ને !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment