રાજકીય ફિલ્મી એવોર્ડઝ 22

2022નું વરસ પતવા આવ્યું છે. સમય થઈ ગયો છે કેટલાક ફિલ્મી ટાઈપના રાજકીય એવોર્ડ્ઝ આપવાનો…

*** 

બિગેસ્ટ સુપરહિટ ઓફ 2022
છેક 20 ફેબ્રુઆરીથી આજ સુધી સળંગ હાઉસફૂલ શો લઈને ચાલી રહેલી સુપરહિટ ફિલ્મ નામ છે… યુક્રેન વોર ! પ્રોડ્યુસર છે રશિયા અને એમાં પૈસા હોમાઈ રહ્યા છે NATOના !

*** 

બેસ્ટ ડબલ રોલ અભિનેતા ’22
અગાઉ પણ ચાર-ચાર વાર જે અભિનેતા ડબલ ઢોલકી બજાવવાના એવોર્ડ લઈ ચૂક્યા છે ! તે છે મહાન અભિનેતા નિતિશકુમાર ! ફિલ્મ છે ‘કભી વહાં (BJP) કભી યહાં 'RJD)

*** 

બેસ્ટ સોલો અભિનેતા ’22
ના ભાઈ, ના બહેન, ના માતા, ના પિતા, ના સપોર્ટીંગ એક્ટર્સ… અરે વિલન પણ નહીં ! માત્ર અને માત્ર પોતે જ હીરો ! સેંકડો એકસ્ટ્રા કલાકારો સાથે ચાલી રહેલી ફિલ્મ ‘ભારત જોડો’ના સોલો હિરો છે… રાહુલ ગાંધી !

*** 

બેસ્ટ ખલનાયક ’22
કોંગ્રેસ સમજે છે કે એ BJPમાં મળેલો છે, BJP સમજે છે કે એ કોંગ્રેસનો માણસ છે ! ગુજરાતમાં એ કોંગ્રેસને ખતમ કરે છે, દિલ્હીમાં એ BJPની પથારી ફેરવે છે ! જીહા, મહા શાતિર… મહા ચતુર… એક ઉપર એક ફ્રી… અરવિંદ કેજરીવાલ !

*** 

બેસ્ટ સ્ટંટમેન ’22
પોતાના જ પગ ઉપર ગોળી ખાઈને જેણે જોરદાર જાન લેવા હૂમલાનો સ્ટંટ જાહેરમાં કરી બતાડ્યો છે તે…. પાકિસ્તાનના ઈમરાન ખાન !

*** 

બેસ્ટ ઇન્ડિયન ઇન ફોરેન ફિલ્મ
ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી ડેમોક્રેસી નામની બોરિંગ ફિલ્મને અત્યંત ઉત્તેજનાસભર બનાવનાર આ ભારતીય કલાકાર છે ઋષિ સુનક !

*** 

લાઈફ-ટાઈમ એચિવમેન્ટ ’22
ગુલામ નબી આઝાદ ! આખી જિંદગી કોંગ્રેસમાં અભિનય કર્યા પછી જ એમને સમજાયું કે આખી સ્ક્રીપ્ટ જ ખોટી હતી ! બોલો.

*** 

બેસ્ટ વિસરાતા સૂર આલ્બમ  ’22
કલાકારો : વિજય રૂપાણી, નિતીન પટેલ

*** 

અને બેસ્ટ નવોદિત અભિનેતા ’22
ભૂપેન્દ્ર પટેલ ! બીજું કોણ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments