ચૂંટણી સાથે ચટણી !

જે રીતે ફાફડા સાથે ચટણી હોય તો જ ફાફડાની મઝા આવે છે એ જ રીતે જો ચૂંટણી સાથે ‘ચટણી’ હોય તો આ ચૂંટણીની શી મઝા ? લો, ચાખો થોડી ચટણી…

*** 

ચૂંટણી :
અમદાવાદ મહાનગરપાલિકાએ 189 જેટલા ‘ચા-વાળા’ને સફાઈ રાખવા માટેની નોટિસો ફટકારી છે !
ચટણી : 
આવી જ નોટિસો ‘ઝાડૂવાળા’ને ફટકારે અને એ લોકો ના ગાંઠે… તો તો ‘કચરો’ જ થઈ જાય ને, સત્તાવાળાનો !
*** 

ચૂંટણી :
‘આપ’ના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીની જાહેરાત થતાં જ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ‘આપ’ પાર્ટી છોડી દીધી !
ચટણી :
શક્ય છે કે રાજ્યગુરુ સાહેબ ક્યાંક પોતાના ‘ચહેરા’ની પ્લાસ્ટિક સર્જરી કરાવવા ના ગયા હોય !

*** 

ચૂંટણી :
દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ પણ 4 ડિસેમ્બર જાહેર થઈ છે. ગુજરાતમાં 5 અને 7 ડિસેમ્બરે ચૂંટણી છે.
ચટણી :
આમાં કેજરીવાલની હાલત નવ વિકેટો પડી ગયા પછી બેટિંગ કરી રહેલા કોઈ સારા બેટ્સમેન જેવી થવાની છે… કે બન્ને છેડા સાચવવા જતાં ક્યાંક રન-આઉટ ના થઈ જવાય!

*** 

ચૂંટણી :
ઇન્દ્રનીલ રાજ્યગુરુ કહે છે કે કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત આવે છે ત્યારે વિમાનમાં પૈસા લઈને આવે છે.
ચટણી :
છતાં તમે ‘આપ’ છોડી દીધી ? નવાઈની વાત કહેવાય !

*** 

ચૂંટણી :
‘ખુદને કટ્ટર ઇમાનદાર કહેતા લોકો સૌથી વધુ ભ્રષ્ટ હોય છે’ : મોદીજી
ચટણી :
અચ્છા ? તો ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’ એવું કોણ કહેતું હતું ?

***

- મન્નુ શેખચલ્લી

Comments