હોલિવૂડ ફિલ્મોની ટ્રાફિક પોલીસ કરે છે શું ?

પહેલાં તો મને એક સવાલનો જવાબ આપો કે તમે કોઈ દહાડો હોલિવૂડની ફિલ્મોમાં કોઈ ટ્રાફિક હવાલદારને જોયો છે ? 

હા, હાઈવે ઉપર એમના હાઈ-ફાઈ પોલીસવાળા ખરા ! એમની પાસે તો મસ્ત કાર હોય… ઉપર આપણા VIPને હોય એવી લાલ-ભૂરી ઝબુક-ઝબુક થતી લાઈટો હોય… અંદર એમ્બ્યુલન્સ ટાઈપની કોઈ સાયરન પણ હોય ! મારા બેટાઓ વટથી તમારી કાર ઊભી રખાવીને હાથમાં રસીદ-બુક લઈને આવે અને ઇંગ્લીશમાં ફાડીને (રસીદ ફાડવાની વાત નથી, ઇંગ્લીશમાં ફાડવાની વાત છે) આપણી ઉપર રોલા મારે ! 

પણ બોસ, તમે કદી હોલિવૂડની ફિલમમાં એવું જોયું કે હીરો એની હિરોઈનની કારનો પીછો કરવા માટે કારમાં જતો હોય, ને વચમાં ટ્રાફિક હવાલદાર હાથ ઊંચો કરીને આખા રોમાન્સમાં હડ્ડી ઘૂસાડતો હોય એમ પૂછે કે ‘બોસ, એક મિનિટ ! લાયસન્સ પીયુસી ક્યાં છે ?’

અરે, ટ્રાફિક હવાલદાર છોડો, કદી એમની ફિલ્મોમાં ચાર રસ્તા આગળ ચક્કા-જામ થતાં દેખાયો છે ? આપણે ત્યાં તો ‘સત્યા’ જેવી ફિલ્મોમાં ટપોરીઓ ટ્રાફિક સિગ્નલ આગળ જ રાહ જોતા ઊભા હોય ! કે ક્યારે પેલો આવે અને એને ધડાધડ ગોળી મારીને વીંધી નાંખીએ ! (રિયલ લાઇફમાં પણ અમર નાઇક ઉપર ટ્રાફિક સિગ્નલ ઉપર જ શૂટ-આઉટ થયેલું.)

અચ્છા, તમે હોલિવૂડની ફિલ્મોમાં કદી એવું પણ નહીં જોયું હોય કે હિરો 150 KMની સ્પીડે વિલનની કારનો ન્યુયોર્ક જેવા શહેરમાં પીછો કરતો હોય ત્યારે બન્ને જણાની કારો ટ્રાફિક જામમાં જ ફસાઈ ગઈ હોય ! (એમાં વળી આર્નોલ્ડ શ્વાઝનેગર જેવો હિરો તો ધનાધન ગોળીઓ ચલાવતો હિરોઈનને બચાવવા માટે વિલનના અડ્ડે થોડો મોડો પહોંચે તો સ્ટાઈલમાં ખભા ઉછાળીને કારણ આપશે : ‘ટ્રાફિક જામ હતો !’ અલ્યા, શેનો ટ્રાફિક જામ?) 

એમની ફિલ્મોમાં ભલે રોડ ઉપર આપણી જેમ લગ્નના વરઘોડા ના નીકળતા હોય, ગાયો ના નડતી હોય, કોઈ VIP નેતાને લીધે રોડ બંધ ના હોય, ગટરના સમારકામ માટે સાલો રસ્તો જ બંધ હોય… આવું કશું જ ના જોવા મળે એ તો સમજ્યા, પણ બોસ, ક્રિસમસ અને ન્યુ યર જેવા તહેવારોમાં પણ કેમ ટ્રાફિક જામમાં વિલનની કાર ફસાતી નથી ?

અમેરિકાની ટ્રાફિક પોલીસ સામે અમારી બીજી મેઇન ફરિયાદ એ છે કે પેલા હીરો, વિલન, પોલીસ અને ટપોરીઓ દોઢસો-દોઢસોની સ્પીડે આખા શહેરમાં કાર-ચેઝ કરી કરીને આટલા બધા સિગ્નલો તોડે, આટલી બધી કારોને ઠોકી મારે, આટલા બધા પાણીના પાઈપો તોડીને ફૂવારા ઉડાડે, અને આટલી બધી દુકાનોના માલ-સામાનનો કચ્ચરધાણ કાઢી નાંખે… છતાં એમના CCTVમાં કેમ એક પણ ફોટો પડતો નથી ? કેમ એમનાં ઘરે ટ્રાફીક-ચલાનનાં પેપર્સ ટપાલમાં નથી આવતાં ? ના ના, સાચું કહેજો, એક પણ હોલિવૂડીયા હિરોનું પિક્ચરમાં લાયસન્સ રદ થતું દેખાડ્યું છે ?

અને ઇન્શ્યોરન્સના ક્લેઈમનું શું ? જો એમની ફિલમનો હિરો છાશવારે બબ્બે ડઝન કારોનો કચ્ચરઘાણ બોલાવતો હોય તો વીમા કંપનીવાળાએ એને કમિશન બેઝિસ પર નોકરીએ ના રાખી લેવો જોઈએ ? તમે એ પણ માર્ક કરજો કે આટ-આટલી કારો અથડાઈ મરી હોય પછી અડધી મિનિટ માટે ય એમની ફિલ્મમાં એવો સીન નથી આવતો કે પોલીસવાળા CCTV ચેક કરતા હોય ! કે CCTVમાંથી હિરો અને વિલનની કારોના નંબર લખતા હોય ! હવે તમે જ કહો, અમેરિકાની ટ્રાફિક પોલીસમાં ધૂપ્પલો જ ચાલે છે ને ?

અને હા, અમને આ બધી કાર-ચેઝો જોઈને સાલી જલન પણ બહુ થાય છે ! કારણ શું, કે એમની આવી મજબૂત કારો છ-છ ફૂટ ઉછળીને પછડાય તો બી એનું વ્હીલ-બેલેન્સ ખરાબ ના થાય ! બસ્સો બસ્સો ફૂટ લગી પગથિયાં ઉપર ઉછળતી જાય તો પણ બોનેટ કે મડ-ગાર્ડ છૂટું ના પડે ! આપણને થાય કે યાર, અહીં ફક્ત 100 મીટર જેટલા રોડમાં જ્યાં દોઢસો ખાડા હોય છે ત્યાં આપણને આવી કારો કેમ નથી મળતી ?

અને છેલ્લે, તમે ખાસ માર્ક કરજો કે એમનો પેલો લોસ-એન્જેલસનો ઝૂલતો પૂલ છે ને, એની ઉપરથી દોઢ ડઝન જેટલી કારો પૂલનાં લટકતા કેબલો તોડી તોડીને પાણીમાં ખાબકી છે છતાં પુલને કશું જ થયું નથી ! અને આપણા મોરબીમાં ખાલી એક જ કેબલ તૂટ્યો એમાં તો…

***

- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com

Comments

  1. આટઆટલી બારીકીઓ "વાંચ્યા" પછી હવે અમેરિકાની સંસદમાં આવાં વિચિત્ર ટ્રાફિક પોલીસ ખાતાં વિશે ફરિયાદ દાખલ કરીએ, આને આવાં ગતકડાંઓ પર અંકુશ તો આવે, પણ તો તો બચાડું પોણું હૉલીવુડ ભૂખે ન મરે, હેં !

    ReplyDelete

Post a Comment