જો તમે 60 વરસના થઈ ગયા હો, અથવા ઓલરેડી 60 પ્લસ થઈ ચૂક્યા હો તો એક વાતે જરૂર સંમત થશો કે નવી ફિલ્મો ગમે એટલી જોઈ નાંખો, છતાં જુની ફિલ્મો કેમેય કરી ભૂલાતી નથી !
એમાંય અમુક ફિલ્મો તો ’50ના દાયકાની છે, અમુક ’60ના દાયકાની છે ! આ ફિલ્મોને તો 60 થી 70 વરસ થઈ ગયાં ! અરે વડીલ, એટલી જ તો લગભગ તમારી ઉંમર છે ! તો શું આપણે સાવ ઘોડિયામાં ઝૂલતા હતા ત્યારથી ફિલ્મો જોતા થઈ ગયા હતા ?
ના ! ફિલ્મો તો આપણે કીશોરવયમાં જોઈ, યુવાન થયા ત્યારે જોઈ ! છતાં હજીએ ફિલ્મો જાણે ગઈકાલે જ જોઈ હોય એવી શા માટે લાગે છે?
અમારા હિસાબે એનાં ઘણાં કારણો છે પણ મેઇન કારણ છે એનો ‘સ્કેલ ! જી હા ! આપણે એ ફિલ્મો મોબાઈલના અઢી ઇંચ બાય સાડા છ ઇંચના ટચૂકડા પરદે નહોતી જોઈ. આપણે એ ફિલ્મોને ઘરમાં છોકરાં રડતાં હોય, બૈરાં વાતો કરતાં હોય, પડોશમાં કકળાટ ચાલતો હોય એવા વખતે ટીવીમાં નહોતી જોઈ ! આપણે એ ફિલ્મો જોઈ હતી મિનિમમ 20 ફૂટ બાય 30 ફૂટના વિશાળ પરદા ઉપર !
ફિલ્મો જોતાં પહેલાં એનાં ભવ્ય બેનરો પણ એટલી જ મોટી સાઈઝમાં જોયાં હતાં ! જેમાં હીરોનો ચહેરો 18 ફૂટનો અને હિરોઈનનો ચહેરો 15 ફૂટનો જોયો હતો ! અરે, ફિલ્મ જોતાં પહેલાં તો બબ્બે મહિના અગાઉથી એના ગાયનો રેડિયો ઉપર સાંભળી સાંભળીને લગભગ ગોખી જ માર્યાં હતાં !
ગાયનો સાંભળતાં જ આપણે મનમાં કલ્પના કરતા કે શમ્મીકપૂર આ ગાયનમાં કેવો ઉછળતો હશે, દેવઆનંદ કેવી અદાઓ કરતો હશે અને વૈજયંતિમાલા કે વહીદા રહેમાન કેવી મનમોહક રીતે શરમાતી હશે !
ફિલ્મોની ટિકિટ એ જમાનામાં લગભગ એક ગુજરાતી થાળીની જેટલી જ થતી હતી. એટલે કંઈ કેટલીયે વાર (જ્યારે હોસ્ટેલમાં રહેતા હોઈએ અને મહિનાની આખર તારીખમાં ખિસ્સાં ખાલી હોય ત્યારે) પેટની ભૂખ ભાંગવાને બદલે આપણે મનોરંજનની ભૂખ ભાંગી હતી ! અરે, કંઈ કેટલીયે વાર કાળાંબજારની કિંમત ના પોષાય તો થિયેટરેથી ભારે પગે પાછા આવતા ! અથવા ‘માંય ગ્યું ! પિક્ચર તો જોવું જ છે ! ભલે ગમ્મે એટલા રૂપિયા કેમ નથી થાતા ?’ કરીને ડબલ પૈસા ચૂકવીને ફિલ્મ જોયે જ છૂટકો કરતા હતા.
ટિકિટ મેળવવા માટે અડધો-અડધો કલાક ભરતડકામાં લાઈનમાં ઊભા રહેતા હતા ! લાલાની લાઠીઓ અને પબ્લિકના ધક્કા ખાતા ખાતા જ્યારે છેવટે એરકંડીશન્ડ સિનેમા હોલની સીટમાં બેસતા ત્યારે જાણે લાંબી કષ્ટદાયક જાત્રા કરીને છેવટે પોતાના પ્રિય ભગવાનનાં દર્શન થવાનાં હોય એવા ભાવવિભોર થઈ જતા હતા !
બધું જ ‘લાર્જર-ધેન-લાઈફ’ હતું ! ફિલ્મનો પરદો, પરદા ઉપરના સ્ટાર્સ, એમના દ્વારા ગવાતાં ગાયનો અને એમના જોરદાર સંવાદો ! વળી આ બધું આજના મોબાઈલની જેમ આપણે એક ખૂણે બેસીને મૂંગામૂંગા નહીં પણ સેંકડો પ્રેક્ષકોની ચિચિયારીઓ, સીટીઓ અને લાગણીસભર ડૂસકાં સાથે જોતા હતા !
આટલું ઓછું હોય તેમ ફિલ્મ જોઈ આવ્યા પછી પંદરેક દિવસ તો એનો ‘હેંગ-ઓવર’ રહેતો હતો ! રાત્રે ઉંઘતાં પહેલાં ફિલ્મનાં ફેવરીટ દૃશ્યોનો નજર સામે ‘એકશન-રિપ્લે’ ચાલતો હતો ! હમ-ઉમ્ર દોસ્તો સાથે ફિલ્મની ખુબીઓ અને ખામીઓની ગરમાગરમ ચર્ચાઓ થતી ! અને એનાં ગાયનો ?
વાત જ ના પૂછશો ! જ્યારે મન ઉદાસ થતું ત્યારે એ જ ફિલ્મના ગાયનોનો સહારો રહેતો ! જ્યારે મિજાજ ખુશ રહેતો ત્યારે મસ્તીભર્યાં ગાયનો હોઠ ઉપર રમતાં રહેતાં. સુંદર છોકરી જોઈને રોમેન્ટિક ગાયનો સુઝતાં ! વરસાદ પડે ત્યારે બારિશનાં ગીતો, વસંત આવે ત્યારે ‘બહાર’નાં નગ્માં ! પાનખરમાં ‘પતઝડ’નાં ગાયનો ! હોળીમાં હોળીનાં ગીતો અને પંદરમી ઓગસ્ટે દેશભક્તિનાં ગીતો ! અરે, સ્કુલનો ફ્રી પિરિયડ હોય કે સહકુટુંબ ફરવા ગયા હોઈએ તો ‘અંતાક્ષરી’ સૌની પ્રિય રમત હતી.
જ્યાં આટલું બધું આપણી જીંદગીના તમામ તાણાવાણા સાથે ભળેલું હોય તે કેમ કરીને ભૂલાય ?
એમાંય વળી આ સ્માર્ટ-ફોન હાથમાં આવ્યા પછી તો ભલે ટચૂકડું તો ટચૂકડું, પણ આ રમકડું આપણને યુ-ટ્યૂબ અને ટેલિગ્રામ વડે જે ‘બાકી’ રહી ગયું હતું, તેની પણ ખોટ પુરી આપે છે !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Waaaaaah.
ReplyDeleteઅદભૂત...
ReplyDelete👌👌👌👌👌
ReplyDeleteSirji great I fully agree with you I am not able to forget those pictures I have seen Guide 70 times in theatres and have so many memories of other films also. Sudhanshu Pota
ReplyDeleteSome Time I used to see movies for Mehmood bhai jaan and Kishor da only Specially in Matinee shows we have enjoyed all classic movies where so many young college girls used to come to see their all time favourite ever green Dev saheb Aha what were the days!
ReplyDeleteયસ, ફોટા સાહેબ ! શું જમાનો હતો ! આપની યાદો શેર કરવા બદલ આભાર !!
ReplyDelete