થોડા 'ઇમ્પોસિબલ' ન્યુઝ !

મોરબીના ઝુલતા પૂલની દુર્ઘટના પછી પોલીસે જે રીતની FIR નોંધી છે એ જોતાં તો લાગે છે કે અમુક સમાચારો તો ક્યાંય વાંચવા, સાંભળવા કે જોવા મળે એ વાત જ ઇમ્પોસિબલ છે ! જેમકે…

*** 

પૂલ તૂટવાની દુર્ઘટનાના 48 જ કલાકમાં તેની પાછળના જવાબદાર સરકારી અધિકારીઓ, પુલનો મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ સંભાળનાર કંપનીના માલિકો અને અન્ય જવાબદાર વ્યક્તિઓની ધરપકડ થઈ ગઈ !

*** 

અરે, સિઝનના પહેલા જ વરસાદ પછી જે જે રોડ ધોવાઈ ગયા અને ગાબડાં પડી ગયાં તેના કોન્ટ્રાક્ટર અને તેને OK સર્ટિફીકેટ આપનારા એન્જિનિયરોને તાત્કાલિક જેલ ભેગા કરવામાં આવ્યા !

*** 

આવા ન્યુઝ બહુ બોરિંગ લાગે છે ? તો દોસ્તો, મજેદાર ઇમ્પોસિબલ ન્યુઝ સાંભળો…

*** 

શહેરમાં 3 ઇંચ જેટલો અધધ વરસાદ થવા છતાં એક પણ રોડ ધોવાયો નથી ! એક પણ ગાબડું પડ્યું નથી ! એક પણ ભૂવો પડ્યો નથી ! આ આશ્ચર્યજનક ઘટનાની નોંધ લેવા માટે ગિનિસ બુકવાળા ભારતમાં આવી રહ્યા છે !

*** 

અરે, શહેરમાં 2 ઇંચ જેટલો અધધધ વરસાદ થવા છતાં રસ્તાઓમાં વાહનો ફસાયાં નથી ! બોલો.

*** 

ગઈકાલે એક ભાઈ બેન્કમાં ગયા તો માત્ર બે મિનિટમાં એમનું કામ પતી ગયું !

*** 

દિવાળીના તહેવારોમાં ભરુચ – અંકલેશ્વર – સુરત પાસે વાહનોને દસ – દસ મિનિટ સુધી ચક્કાજામમાં ફસાઈ રહેવું પડ્યું ! સરકારને લોકોના સમયની કિંમત જ નથી.

*** 

અને હા, ગુજરાતમાં દારૂબંધીના કડક અમલને કારણે લાખો દારૂડિયાઓની તબિયત બગડી રહી છે ! છતાં તંત્ર નીંતરતી જેમ ઘોરી રહ્યું છે ! માનવતા મરી પરવારી છે… દારૂડિયાઓનાં દર્દ સાંભળવા કોઈ નવરું નથી…

***

- મન્નુ શેખચલ્લી

Comments