એક બાજુ આજે વર્લ્ડ-કપની સેમિ-ફાઈનલ ચાલી રહી હતી અને બીજી બાજુ ‘ગોવા… ચાર દિવસ અને ત્રણ નાઈટ… ફક્ત રૂપિયા 70,000…’ બિમલ બે-નંબરીની નજર સામે એ જાxખના શબ્દો તગતગી રહ્યા હતા.
એમાંય ખાસ તો ‘ત્રણ નાઈટ’ ! કેમ કે, બિમલ બે નંબરીની જે ‘ખાસ’ હતી તે બુલબુલે જીદ કરી હતી કે વર્લ્ડ-કપ પતે પછી એને ‘ખાસ’ જગ્યાએ જઈને જલસા કરાવે !
બિચારો બિમલ બે નંબરી પણ શું કરે ? ભલે એનું નામ બે-નંબરી હોય, ભલે એ બે-નંબરી ધંધામાં હોય, પણ સાલું જિંદગીમાં કશુંય બે-નંબરી એને ફળ્યું નહોતું. કોલેજમાં બે વાર નાપાસ થયા પછી એક બે-નંબરી સ્ટુડન્ટ એના નામે એક્ઝામ આપવા બેઠેલો ત્યારે સાલી એક્ઝામ જ કેન્સલ થઈ ! પેપર ફૂટી જવાથી ! બીજી વાર બીજો એક બે-નંબરી એક્ઝામમાં બેઠો ત્યારે ઝડપાઈ ગયો ! પોલીસ કેસમાં એ બીજો બે-નંબરી પૈસા ખવડાવીને છૂટી ગયો અને જેલ થઈ બિમલને.
જેલમાં બિમલ મટકાના આંકડાને રવાડે ચડ્યો. બે નંબર એનો લકી નંબર હતો. જોકે શરૂશરૂમાં જ હોં ! પણ બે નંબર ઉપર સળંગ બે વરસ લગી સટ્ટો લગાડવામાં એ બરબાદ થઈ ગયો. છતાં એ જ નંબર જ્યારે જ્યારે લકી નીકળતો ત્યારે બિમલ એની બે-નંબરી રિલેશનશીપ યાને કે બુલબુલની પાસે જતો એ તમામ બે-નંબરી જલસા કરી લેતો હતો. બુલબુલ દર વખતે એને કહેતી.
‘સાલા, હું જો તને આટલી જ ગમતી હોઉં તો મને વેકેશનોમાં ક્યાંય મસ્ત જગ્યાએ ફરવા કેમ નથી લઈ જતો ?’
‘લઈ જ જઉં છું ને ?’ બિમલ હજી બચાવમાં કંઈ બોલે એ પહેલાં જ બુલબુલ કાગડી બની જતી.
'જ્યાં ફરવા લઈ જાય છે એ બધી કંઈ ફરવાની જગ્યાઓ છે ? પાવાગઢ, અંબાજી, ડાકોર, સોમનાથ… બિમલિયા, તું મને જાત્રા કરાવે છે જાત્રા !
બુલબુલની ઇચ્છા તો હતી કે તે દૂબઈ-મસ્કત, પેરિસ-યુરોપ કે સ્વિડન-સ્વિટ્ઝરલેન્ડની જાત્રાએ જાય… પણ બિમલ બે-નંબરી પાસે એટલા રૂપિયા જ ક્યાં હતા ? હા, નોકરી બે-નંબરી ખરી, પણ સાલી કમાણી તો…
બિમલની આમ તો પરમેનેન્ટ જોબ હતી પણ આમ ટેમ્પરરી કહેવાય. એનો બોસ હતો બાબુ ઘોડે. ક્રિકેટના સટ્ટામાં એનું એક અંડરવર્લ્ડમાં મોટું નામ હતું. વર્લ્ડ-કપ જેવી તેજીની સિઝન ચાલતી હોય ત્યારે બાબુ ઘોડે સવારથી સાંજ સુધી 100 થી 200 કરોડનો સટ્ટો રમાડી લેતો હતો.
જ્યારે મેચ ના હોય તે દહાડે બિમલ નવરો. પણ જે દહાડે મેચ હોય એ દહાડે કોઈ અવાવરુ ફ્લેટમાં અથવા શહેરથી દૂર પાર્ક કરેલી કોઈ વેનમાં બિમલની ડ્યૂટી હોય. વેનમાં બબ્બે ડઝન મોબાઈલ પડ્યા હોય. છ લેપ-ટોપ ઉપર બિમલ જેવા છ જણા માથે હેડફોન ભરાવીને ઘરાકોના સટ્ટા લેતા હોય… દરેક બોલે ભાવ બદલાતા હોય… દરેક બોલે સટ્ટા લાગતા હોય.. એ બધું સટાસટ ફોન પરથી લેપ-ટોપમાં લેતા જવાનું અને મેચ પતે એટલે ‘વલણ’નો હિસાબ બનાવીને જે તે પાર્ટીને પહોંચતો કરી દેવાનો.
નોકરી કરતાં કરતાં બિમલ બે-નંબરીને સખત ઇચ્છા થઈ આવતી હતી કે પોતે પણ બે ચાર ‘શ્યોર ટીપ’ જોઈને સટ્ટો લગાડી દે. પણ એનો બોસ બાબુ ઘોડે આ બાબતમાં બહુ સ્ટ્રીક્ટ હતો :
‘સાલાઓ, તમને હું મહિને ત્રીસ-ત્રીસ હજારનો પગાર આપું છું, ઉપરથી કરોડોનાં જે વલણ તમે બનાવો છો એની ઉપર ત્રણ પૈસા કમિશન આપું છું. તમે મારા નોકર છો, હરામખોરો ! મારા ઘરાક નથી ! સમજ્યા ? જે માણસ અહીં બેસીને બે રૂપિયાનો પણ જુગાર રમતો દેખાયો છે, એની પૂંઠે બે લાત મારીને પોલીસમાં સોંપી દઈશ !’
બાબુ ઘોડાની આ ધમકી છતાં બિમલ બે-નંબરીને પેલી ‘ચાર દિવસ ત્રણ નાઈટ’ જ દેખાઈ રહી હતી… એટલું જ નહીં, બે કલાક પહેલાં જ છેક દૂબઈથી એક જોરદાર ટીપ આવી હતી કે ‘ભલે ગમે તે થાય, કોહલી ફીફટી કરે, હાર્દિક ચોગ્ગા છગ્ગા ગમે એટલા મારી લે... ઇન્ડિયા ગમે એટલો સ્કોર કરી લે.. જીતશે તો ઈંગ્લેન્ડની જ ટીમ !’
મેચ ચાલુ હતી.. હાર્દિક ધમાચકડી મચાવી રહ્યો હતો... ઇન્ડિયા વિઝન પર ધડાધડ શરતો લાગી રહી હતી... ઈંગ્લેન્ડ વિનનો ભાવ ચાર રૂપિયા થઈ ગયો હતો..
શું કરું ? ધારો કે ઈન્ડિયા જીતી ગઈ તો ?
' બોસ, આ વખતે ઈન્ડિયા અને પાકિસ્તાન ફાઈનલમાં સામ સામે આવે એવું સેટિંગ ગોઠવાયેલું જ છે... એટલે તો ઈન્ડિયા વિનનો ભાવ સાવ પંદર પૈસા છે... '
બિમલની બાજુમાં બેઠેલો કનિયો મોંમાં મસાલો દાબીને બબડી રહ્યો હતો. બીજી બાજુ બાબુ ઘોડો ઘુવડ જેવી નજર રાખીને બધા સામું જોઈ રહ્યો હતો.
બિમલ બે-નંબરીનું દિમાગ બે બાજુ ઝોલાં ખાઈ રહ્યું હતું. એક બાજુ બુલબુલ સાથે ત્રણ નાઈટ અને ચાર દિવસનો જલસો હતો.. તો બીજી તરફ બાબુ ઘોડાની લાત...
આખરે બિમલે મનમાં બુલબુલનું નામ લઈને બીજી સેમિ-ફાઈનલમાં જે 'બીજા' નંબરે લાગી રહી હતી એ ઈંગ્લેન્ડની ટીમ ઉપર પોતાના બાવીસ હજાર લગાડી દીધા !
… અને એ જ વખતે વેનના બારણાં ધડામ્ કરતાં ખૂલી ગયાં ! પોલીસની રેઈડ પડી હતી !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment