દિવાળી પછીના નવા તહેવારો ?!

દિવાળી ભલે પતી પણ હજી અમુક તહેવારો ઉજવવાની જરૂર છે ! એ પણ હમણાં હમણાં જ ! આમ જુઓ તો સાવ સસ્તા અને સાદા તહેવારો છે પણ સૌને લાભકારી અને હિતકારી છે !

***

ખિચડી છઠ

દિવાળીની મીઠાઈઓ ખાઈ ખાઈને મોં સતત ગળ્યું રહેતું હોય (ડાયાબિટિસવાળા ડોસા-ડોસીઓને પણ રિવાજ ખાતર ખાવી પડે છે, બોલો.) અને જાતભાતનાં તીખાં તળેલાં ફરસાણો... જેમકે તીખાં મઠીયાં, ઝીણી સેવ, તીખી સેવ, કરકરી દાળમૂઠ, ગળી સુંવાળી, તીખો ચેવડો આ બધું ખા-ખા કર્યા પછી તમારું પેટ બગડ્યું જ હોય… તો હવે એક દહાડો સવાર-સાંજ બન્ને ટાઈમ ખિચડી ખાવાનું રાખો ! પેટમાં રહેલા જઠારાગ્નિ નામના દેવતાને શાંતિ મળશે…

***

ઓનલાઈન આઠમ

ઘરમાં બેઠેલી ગૃહલક્ષ્મી યાનેકે ગૃહિણીને પણ શાંત એવમ્ પ્રસન્ન કરવા માટેના આ વ્રતની વિધિ સાવ સરળ છે. આ દિવસે બન્ને ટાઈમ પત્નીને રસોઈમાંથી રજા આપીને ‘ઓનલાઈન’ ભોજન મંગાવો. આમ કરવાથી સંસારરથના પૈડાં પણ બરોબર લાઈનમાં સીધાં ચાલે છે.

***

નાસ્તા નોમ

ઓ હલોઓઓ ! નવા નાસ્તા બનાવવાની વાત નથી ! ઉલ્ટું, એનો ‘નિકાલ’ કરવાનો આ તહેવાર છે. રસોડાના ડબ્બાઓમાં રહી રહીને એ નાસ્તાઓ કાં તો ભૂક્કો થઈ રહ્યા છે, અથવા આવનારા દિવસોમાં બગડીને ખોરા થઈ જવાના છે ! એવા નાસ્તાઓનું પોતપોતાનાં પેટમાં વિસર્જન કરો અથવા કામવાળીને પધરાવીને એનાથી મુક્તિ મેળવો !

છતાંય જો જીવ ના ચાલતો હોય તો સેવ-ઉસળ જેવી વાનગીમાં સેવને બદલે વધ્યા છૂટ્યા નાસ્તા ઠપકારીને ઘરનાંને ખવડાવી નાંખો ! એટલું જ નહીં, ફેસબુકમાં એના ફોટા-રેસિપી મુકીને વાહ વાહ પણ કમાઓ !

***

મીઠાઈ અગિયારસ

આ પણ સાવ નવું અને અતિશય પૂણ્યકારી વ્રત છે. આ વ્રતની વિધિ એવી છે કે તમારા ફ્રીજમાં દિવાળીના દસ દહાડા પછી પણ જે મીઠાઈઓ ખવાયા વિનાની પડી છે તેને બહાર કાઢો, તેને સરસ મઝાનાં વિવિધ ખોખાંઓ અથવા પ્લાસ્ટિકના ડબ્બાઓમાં પેક કરો, તેની ઉપર સુંદર ગિફ્ટ-પેકનાં કાગળ વડે આકર્ષક પેકિંગ બનાવો. ત્યાર બાદ પેલી મેરેજની કે બર્થ-ડેની ગિફ્ટ માટેનાં જે નાનકડાં કાર્ડઝ આવે છે તેની ઉપર તમારી કામવાળીનું નામ લખો… અને તેને પ્રેમથી ભેટ આપો !

જે ગૃહિણી આ વ્રત સમયસર કરે છે તેને કામવાળીના આશીર્વાદનું પૂણ્ય મળે છે. પરંતુ જે બહેન મીઠાઈનું દાન કરવામાં આળસ કરે છે તેમને ખાદ્યસામગ્રીના બગાડનો શ્રાપ લાગે છે !

***

ફેસબુક જલન બારસ

ભલે દશેરાના તહેવારમાં આપણે રાવણ (અથવા ચાંપલા મેસેજોમાં લખે છે એમ ‘આપણો અહંકાર’) બાળીને ઉજવતા હોઈએ પણ આ તહેવારમાં આપણે બીજાઓને ‘જલાવવાના’ છે ! આમાં કરવાનું શું, કે આપણે દિવાળી વેકેશનમાં જ્યાં જ્યાં ફરીને જલસા કર્યા હોય એના ફોટા ભેગા કરીને આપણાં સગાવ્હાલાંઓને મોકલવાના ! 

અચ્છા, ધારોકે આપણે એમ્સ્ટર્ડેમને બદલે અંબાજી જ ગયા હોઈએ અને પોંડિચેરીને બદલે પાવાગઢ જ ગયા હોઈએ છતાં ફોટોશોપની મદદ લઈને બેકગ્રાઉન્ડો બદલીને, ફિલ્ટરો લગાડીને બધું જ ચકાચક કરીને ફેસબુકમાં ચડાવો ! બીજાઓની ‘જલન’ વડે જે ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે તે આપણું આખું નવું વરસ સુધારી નાંખે છે.

***

સફાઈ પૂનમ

ઓ ભાઈ ! ઘરનાં માળિયાં સાફ કરવાની વાત ક્યાં આવી ? અમે તો કહીએ છીએ કે મોબાઈલનાં માળિયાં સાફ કરો ! (પેલા ચાંપલા ચિંતનકારો ભલેને ‘મનનાં માળિયાં’ની માળા જપતાં હોય ?) તહેવારો દરમ્યાન જે હેપ્પી દિવાલી, હેપ્પી ન્યુ યર, હેપ્પી ભાઈ ‘દૂજ’, હેપ્પી લાભપાંચમ જેવા મેસેજોનો કચરો ભેગો થયો છે તે (અને વિવિધ સુવિચારોનો સડો પણ) આ શુભદિવસે સાફ કરો… 

અને નવા વરસે તમારી લાઈફનું ફ્રેશ ‘રિ-સ્ટાર્ટ’ મારો ! ઓકે ?

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments