વર્લ્ડકપમાં કંઈ કાળું છે !

વર્લ્ડ-કપની મેચોમાં જે રીતે પરિણામો આવી રહ્યાં છે એ જોતાં શું તમને લાગે છે કે દાળમાં કંઈક કાળું છે ?
ના ! આખા વર્લ્ડ-કપમાં જ કંઈક કાળું છે ! જુઓ…

*** 

જે રીતે સાઉથ આફ્રિકા જેવી પ્રોફેશનલ અને ધૂરંધર ટીમ નેધરલેન્ડ જેવી સાવ નવી-સવી શીખાઉ ટીમ સામે હારી ગઈ…

એ જોતાં લાગે છે કે વર્લ્ડ-કપમાં કંઈક કાળું છે !

*** 

જે રીતે આયરલેન્ડની ઘરઘત્તા રમતી હોય એવી ટીમ સામે ઇંગ્લેન્ડની ટીમ ડફોળની જેમ D/Lની ફોર્મ્યુલા (વરસાદની ચોખ્ખી આગાહી છતાં) ફસાઈ ગઈ…

એ જોતાં લાગે છે કે વર્લ્ડ-કપમાં કંઈક કાળું છે !

*** 

અરે, જે રીતે ઝિમ્બાબ્વે પાકિસ્તાન સામે છેલ્લી ઓવરમાં ધનાધની કરીને ફક્ત એક જ રને જીતી ગયું (અને પાકિસ્તાનને સેમી-ફાઈનલમાં પહોંચાડવા માટે દ. આફ્રિકા નેધરલેન્ડ સામે હારી ગયું) એ…

શું હતું ? વર્લ્ડ-કપમાં કંઈક કાળું નહોતું ?

*** 
તમે જુઓ… ઇન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યું… બાંગ્લાદેશે નેધરલેન્ડને હરાવ્યું… નેધરલેન્ડે ઝિમ્બાબ્વેને હરાવ્યું… ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું… પાકિસ્તાનને સાઉથ આફ્રિકાને હરાવ્યું… અને સાઉથ આફ્રિકાએ ઇન્ડિયાને હરાવ્યું !
જબરું મેરી-ગો-રાઉન્ડ ચાલ્યું ! 

મતલબ કે સાલું, વર્લ્ડ-કપમાં કંઈક તો કાળું છે !

*** 

કોહલી ઈશારો કરે પછી અંપાયર નો-બોલ આપે, શ્રીલંકાના બેટ્સમેનો LBWનો રિવ્યુ જ ના લે, પાકિસ્તાનનો વિકેટકીપર સ્ટમ્પની આગળ હાથ લાવીને બોલ પકડીને સ્ટમ્પિંગ કરે છતાં આઉટ આપવામાં આવે…

અંપાયરોના આટલા બધા છબરડા એક જ ટુર્નામેન્ટમાં હોય તો તો…

*** 

અને બાઉન્ડ્રી બહારની પેનલોમાં જો છડેચોક વિદેશી સટ્ટાબાજોની વેબસાઈટોની જાહેરખબરો ચાલી રહી હોય તો…

જરૂર કંઈક કાળું, કાળું, કાળું છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments