પુરેપુરી તપાસ થશે,
સાહેબે કહ્યું છે.
દૂધનું દૂધ થશે, ને
પાણીનું પાણી થશે…
સાહેબે કહ્યું છે.
***
દલા તરવાડી, કોને પૂછીને
લીધાં રીંગણાં ? સવાલ થશે
વાડીએ શું જવાબ દીધા
એની ખાસ તપાસ થશે
તરવાડીનું તરવાડી, ને
રીંગણાનું રીંગણાં થશે…
સાહેબે કહ્યું છે.
દૂધનું દૂધ થશે, ને
પાણીનું પાણી થશે…
સાહેબે કહ્યું છે.
***
આખું કોળું શાકમાં ?
તો શાકની તપાસ થશે
કોળું હતું તો ગયું ક્યાં ?
પતરાળીમાં તપાસ થશે
રસોઈયાનું રસોડું થશે
કોળાનું કોળું થશે…
સાહેબે કહ્યું છે.
દૂધનું દૂધ થશે, ને
પાણીનું પાણી થશે…
સાહેબે કહ્યું છે.
***
વાડ ગળી ગયાં ચીભડાં ?
તો ચીભડાંને સવાલ થશે
વાડનું ક્યાં છે પેટ ?
કાંટાની તપાસ થશે.
વાડની વાડ થશે જ થશે
ચીભડાનું ચીભડું થશે…
સાહેબે કહ્યું છે.
દૂધનું દૂધ થશે, ને
પાણીનું પાણી થશે…
સાહેબે કહ્યું છે.
***
સાયન્ટિફિક થશે
ફોરેન્સિક થશે
સઘળું સુ-નિશ્ચિત થશે
કમિટિ થશે, રિપોર્ટ થશે
FIRની પણ FIR થશે
ધરપકડની ધરપકડ થશે…
સાહેબે કહ્યું છે.
દૂધનું દૂધ થશે, ને
પાણીનું પાણી થશે…
સાહેબે કહ્યું છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment