એક દ્રષ્ટાંત કથા !

બે જુના મિત્રો ચા પીતા બેઠા હતા. એક મિત્રએ કહ્યું :

‘યાદ છે ? તું નાનો હતો ત્યારે તું કેનાલમાં પડી ગયેલો. મેં તને ડૂબતાં બચાવ્યો હતો.’

‘હા યાર યાદ છે.’

‘અને ખબર છે ? સ્કુલમાં તું લેસન નહોતો લાવતો ત્યારે મારી નોટો સાહેબને બતાડી દેતો હતો.’

‘હા યાર..’

‘પછી આપણે મોટા થયા ત્યારે તું રમખાણોમાં ફસાઈ ગયેલો ત્યારે મેં આવીને તને બચાવ્યો હતો.’

‘હા હોં…’

‘અને તને નોકરી નહોતી મળતી ત્યારે મેં જ લાગવગ લગાડીને તને નોકરી અપાવી હતી.’

‘ખરી વાત છે.’

‘અરે, લગ્ન માટે તને કોઈ છોકરી નહોતુ આપતું ત્યારે મેં તારા માટે કન્યા શોધી આપી હતી.’

‘અરે જો ને ! એ બેઠી ઘરે !’

‘તને ધંધામાં દેવું થઈ ગયું હતું ત્યારે મેં તને પાંચ લાખ રૂપિયાની મદદ કરેલી.’

‘હા યાર.’

‘અને તારા ફાધર સખત બિમાર પડી ગયા હતા ત્યારે એમને હોસ્પિટલમાં દાખલ કરાવીને એમનું ઓપરેશન વગેરે કરાવીને સાજા કરવાનાં તમામ ખર્ચો પણ મેં આપ્યો હતો.’

‘ખરી વાત… એ પછી તો ફાધર પાંચ-સાત વરસ સુધી જીવેલા.’

‘અને તારી મમ્મીના મોતિયાનું ઓપરેશન પણ મેં મારી ઓળખાણથી એક ટ્રસ્ટની હોસ્પિટલમાં ફ્રીમાં કરાવી આપેલું.’

‘સાચી વાત છે.’

‘અને હમણાં હમણાં તારા બાળકોને ઓનલાઈન ભણવા માટે મેં કોમ્પ્યુટર ગીફ્ટ આપેલું.’

‘હા એ ખરું.’

‘યાર, આટ આટલું કર્યા છતાં તું મને તારો જીવનભરનો સાથી કેમ નથી માનતો ?’

‘તારી વાત તો સાચી… પણ દોસ્ત છેલ્લા બે –ત્રણ  મહિનામાં તેં મારા માટે શું કર્યું છે ?’

(બસ, દરેક ચૂંટણી વખતે પબ્લિકની આવી જ મેન્ટાલિટી હોય છે !)

***

- મન્નુ શેખચલ્લી

Comments