શાકાલનું નામ 'શાકાહારી' ?


અને એક દિવસ પૂનમના ચાંદ જેવી ટાલ ધરાવતા 'શાન'ના વિલને નક્કી કર્યું કે મારે મારું નામ બદલી નાંખવું છે ! 

એણે તો આધારકાર્ડમાં અને મતદાર-યાદીમાં પોતાનું નામ બદલવા માટે એફિડેવિટો પણ કરીને આપી દીધી હતી. પણ સરકારી કારકુને ‘શાન’ ફિલ્મ સાત વાર જોયેલી, એટલે તેણે વિલનની શાનને શોભે એવું જ નામ નોંધ્યું : ‘શાર્ક-આહારી’ !

પણ ‘શાકાલ’ને તો નામ બદલીને ‘શાકાલહાહાકારી’ રાખવાનું હતું ! એ બગડ્યો. એેણે પોતાના જેવી મોટી ટાલ ધરાવતા ગુન્ડાને 500 ગ્રામ કારેલાંની થેલી સાથે મોકલ્યો. અને ધમકી આપવા કહ્યું. અભણ ગુન્ડાએ કારકુનને કહ્યું :

‘મેરા બોસ તુઝે ઇસ કચ્ચે કરેલે કી તરહા ચબા જાયેગા ! અગર અપની જિંદગી ચાહતા હૈ તો યે સારે કરેલે ચબા લે ઔર નામ બદલ કર દે !’

કારકુન સમજ્યો કે ‘શાકાલ’ હવે પ્રકૃતિપ્રેમી બનવા માગે છે એટલે કારેલું ચાવતાં ચાવતાં એણે નામ લખી નાંખ્યું ‘શાકાહારી’ !

- બસ, એ ઘડી અને પિકચરનું આજે એકતાળીસમું વરસ, અગિયારમો મહિનો અને બારમો દિવસ… ‘શાકાલ’નું નામ ‘શાકાહારી’ થઈ ગયું છે ! હવે જ્યારે જ્યારે એ મુવી મારા ટીવીમાં પ્લે થાય છે ત્યારે એના દ્રશ્યો સાવ જુદી જ જાતનાં દેખાય છે…

***

એક્વેરીયમની શાર્ક

‘યે ક્યા હૈ?’ શાકાહારી વિલન ઘાંટા પાડી રહ્યો છે. ‘મેરી સીટ કે પીછે જો એક્વેરીયમ થા, ઉસ મેં જો ખતરનાક શાર્ક ઘુમ રહી થી… વો ઘુમ ક્યું નહીં રહી હૈ ?’

શાકાહારીનો ચમચો, જેનું નામ ‘ટીંડોળું’ છે, તે કહે છે ‘સર, તમે શાકાહારી થઈ ગયા એ પછી આપણે શાર્કને પણ ભાજી-મૂળા અને રીંગણા-બટાટા જ ખવડાવતા હતા !’

***

ખુરશી નીચેના મગરમચ્છ

વિલન શાકાહારીએ એના ચાર ગુન્ડાઓને ગોળગોળ ફરતી ખુરશીઓમાં બેસાડી રાખ્યા છે. એ કડવા કંકોડા જેવા અવાજે કહે છે :

 ‘તુમ મેં સે કીસી એક ને પુલીસ કો ખબર કી થી કે હમારે કોબીજ ફ્લાવર સે ભરે ટ્રક મેં દરઅસલ હર કોબીજ મેં હીરે ઔર હર ફ્લાવર મેં સોને કે બિસ્કુટ થે…’

ગુન્ડાઓ ફફડી જાય છે કેમકે નીચે જે પાણીની ટાંકી છે એમાં કાતિલ મગરમચ્છો છે ! એક બટન દાબતાં જ ચકરડું ગોળ ફરવા લાગે છે. ચારમાંથી એક ગુન્ડો કબૂલ કરી લે છે કે ‘એ હું જ હતો.’

શાકાહારી વિલન જેવું લાલ બટન દબાવે છે કે તરત એ ગુન્ડો ટાંકીમાં ફેંકાય છે ! કાતિલ મગરમચ્છો ધસી આવે છે ! પણ આ શું…? મગરમચ્છોનાં બચકા વડે ગુન્ડાની ચામડીમાં કાણાં પણ નથી પડતાં !

શાકાહારી ઘાંટો પાડે છે ‘અજીબ જાનવર હૈ ? ખાતા ક્યું નહીં ?’

‘ટીંડોળું’ કહે છે ‘સર, છેલ્લા છ મહિનાથી મગરમચ્છો પણ વેજ બર્ગર, વેજ બિરિયાની અને વેજ કબાબ ખાઈ રહ્યા છે, એટલે…’

***

શાકાહારી વિલનનો રાઝ

બન્ને હીરોને ડાઉટ પડે છે કે આ વિલન અચાનક ‘શાકાહારી’ બની જ ના શકે ! કંઈક તો રાઝ છે ! બન્ને જણા વિલનના અડ્ડામાં ઘૂસે છે… છૂપી રીતે વિલનનો પીછો કરે છે… વિલન ગાજર ખાતો ખાતો ઓટોમેટિક લિફ્ટમાં બેસીને ભોંયરામાં ઉતરે છે… 

પછી બીજા ભોંયરામાં જવા માટે લસરપટ્ટી  ઉપર બેસીને કાચી કાકડીઓ ખાતો ખાતો લપસે છે… છેવટે ત્રીજા ભોંયરામાં પગથિયાં ઉતરતો ઉતરતો તે કેળાંની છાલ આજુબાજુ નાંખતો નાંખતો કેળા ખાતો જાય છે…

આ બાજુ બન્ને હીરો અંધારામાં કેળાંની છાલ ઉપરથી માંડ માંડ લપસતા બચે છે છતાં છેવટે તો લપસીને છેક વિલનના ખુફિયા રૂમમાં પહોંચી જાય છે ! ત્યાં જઈને જુએ છે તો વિલન કોઈ ચોપડી વાંચી રહ્યો છે !

બન્ને હીરો દબાતા પગલે એની પાછળ જઈને જુએ છો તો ચોંકી જાય છે : 

‘અરે ! યે તો જોક્સ કી કિતાબ હૈ ! ઔર સારે જોક્સ ‘નોન-વેજ’ હૈં !’

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments