ચૂંટણી સમાચાર ફિલ્મી સ્ટાઈલમાં !

1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર એક જ ‘ફિલ્મના’ બે પાર્ટ રિલીઝ થવાના છે ! જી હા… જો ચૂંટણીના સમાચારો ફિલ્મી સમાચારોની જેમ આપવામાં આવતા હોત તો ?

*** 

મેગા સ્ટાર્સનું પ્રમોશન હિટ પણ મિડીયમ સ્ટાર્સમાં ઝોલ

દિલ્હીથી આવનારા બે મેગા-સ્ટાર્સની પ્રમોશન ઇવેન્ટોમાં ભારે ભીડ ઉમટી રહી છે પણ એ જ ફિલ્મના મિડિયમ તથા નાના સ્ટાર્સનાં ટ્રેલરોને પણ વ્યુઝ મળવાના ફાંફાં થઈ રહ્યાં છે.

પ્રમોશનલ ઇવેન્ટમાં ખાલી પડેલી ખુરશીઓ જોતાં પ્રોડ્યુસરો ટેન્શનમાં છે કે પ્રિમિયર પછી ધારેલી સંખ્યામાં ‘બુકિંગ’ થશે કે કેમ ?

*** 

હાર્દિકની ફિલ્મને ‘બોયકોટ’નો ડર

એક પણ ફિલ્મ બન્યા પહેલાં જ જે સ્ટાર બની ગયો હતો એવા શો-બાજ આર્ટિસ્ટ હાર્દિક કુમારની આગામી બોયકોટ ફિલ્મની પબ્લિસીટી કરી આપનારા બોયકોટ જ કરશે તેવી ભીતી વર્તાઈ રહી છે ! જોકે હાર્દિક કુમાર માને છે કે નેગેટીવ પબ્લિસીટી પણ આખરે તો હાઈપમાં વધારો જ કરે છે !

*** 

રાહુલના શો ટાઈમિંગ્સમાં ગડબડ

છેલ્લા 17 વરસથી જે ‘ઉગતા કલાકાર’ તરીકે વારંવાર લોન્ચ થઈ રહ્યા છે તેવા 54 વરસના એકમાત્ર યંગ-સ્ટાર રાહુલ કુમારના જાહેર શો-ટાઈમિંગમાં ગડબડો ઊભી થઈ છે. એમના ચાહકો વધુ શો ઇચ્છતા હોવા છતાં એમના 1 દિવસમાં 5 જ શો થઈ શક્યા છે. કહે છે કે તે એક અન્ય નોન-કમર્શિયલ રોડ-મૂવીમાં બધી તારીખો આપીને બેઠા છે !

*** 

ગુજરાતી ડબિંગ કેન્સલ ?

રાહુલ કુમાર અભિનીત એક સ્ક્રીપ્ટનું લાઈવ ગુજરાતી ડબિંગ હજી ચાલી રહ્યું હતું ત્યાં ડબિંગ આર્ટિસ્ટે ગુજરાતીમાં ડબ કરવાનું બંધ કરીને માઈક છોડી દીધું હતું ! જોકે ટ્રેડ પંડિતોના કહેવા મુજબ ગુજરાતી કલાકારોનાં માઈક વારંવાર ‘મ્યુટ’ કરી દેવાની ખોટી પરંપરાને કારણે જ આવું થયું છે !

*** 

ગુજ્જુવૂડમાં ઉલ્ટી ગંગા

જી હા, અહીં ચાલી રહેલી ઉલ્ટી ગંગાના નવા ટ્રેન્ડ મુજબ પ્રેક્ષકોને સામેથી પૈસા આપીને ખુરશીઓમાં બેસાડવા પડે છે ! છતાં ઘણા શો સાવ ખાલી જઈ રહ્યા છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments