તમે માર્ક કરજો... !

અમુક ચીજો. લોકો અને ઘટનાઓ તમે જરા ચાલાક નજરે નિહાળો તો જ તમને એમાં રહેલી ફની સાઈડ દેખાશે ! દાખલા તરીકે…

*** 

તમે માર્ક કરજો…

- કે જ્યારે ટ્રાફિક પોલીસવાળો કોઈ બાઈકવાળા જુવાનને રોકે ત્યારે એ ખિસ્સામાંથી લાયસન્સ કાઢવાને બદલે મોબાઈલ કાઢતો હોય છે !

*** 

તમે એ પણ માર્ક કરજો…

- કે લકઝરી બસમાં બેઠેલો માણસ જ્યારે પાન-મસાલાની પિચકારી મારે છે ત્યારે ડાયરેક્ટ બારીમાંથી મારે છે પણ એ જ માણસ પોતાની કારમાં બેઠો હોય તો પિચકારી કારનો દરવાજો ખોલીને નીચેની તરફ મારે છે !

*** 

તમે માર્ક કરજો…

ટ્રાફિક લાઈટ લાલ હોય ત્યારે સ્કુટરવાળા, બાઈકવાળા, રીક્ષાવાળા વગેરે નાનામાં નાની જગા શોધીને એવી રીતે આગળ પહોંચી જાય છે કે જાણે કોઈ રેસમાં બે સેકન્ડથી જીતી જવાના હોય !

*** 

તમે એ પણ માર્ક કરજો…

- કે એ જ સ્કુટરવાળા, બાઈકવાળા અને રીક્ષાવાળા બે જ મિનિટ પછી 200 મીટર પાછળ રહી ગયા હોય છે !

*** 

તમે માર્ક કરજો…

- કે આજકાલ જે લોકો લગ્નની કંકોતરી આપવા આવે છે એ 'કશ્શું જ ના બનાવતા.. બહુ ઉતાવળમાં છીએ… હજી ઘણા ઘરે જવાનું છે…’ એવું કહ્યા પછી ખાસ્સો અડધો કલાક સુધી બેસીને આખા ગામની પંચાત કરતા હોય છે !

*** 

તમે એ પણ માર્ક કરજો…

- કે કંકોતરી આપતી વખતે જે લોકો કહેતા હોય છે કે ‘તમારે બધ્ધાએ આવવાનું જ છે હોં !’ એ લોકો જાય પછી કંકોતરી ખોલીને જુઓ તો અંદર ‘બે વ્યક્તિ’ એવું જ લખ્યું હોય છે ! (એ પણ ફક્ત રિસેપ્શનમાં !)

***

- મન્નુ શેખચલ્લી

Comments