પુરુષ દિવસ ગુપચૂપ કેમ ?

હમણાં થોડા દિવસ પહેલાં ‘આંતરરાષ્ટ્રિય પુરુષ દિવસ’ આવીને જતો પણ રહ્યો ! કોઈ ખાસ સમારંભો વિના, કોઈ જાતની હોહા વિના, કોઈ મોટી ડંફાશો વિના !

કેમ ? કારણ કે પુરુષો બાઘા દેખાવાનો ભલે ડોળ કરતા હોય પણ અંદરથી બહુ જ ચાલાક છે ! જુઓ કઈ રીતે ?

***

પુરુષો લાંબા લાંબા ભાષણો કરે છે, સાત સાત દિવસ ચાલે એવી કથાઓ કરે છે, હજારો વાર્તાઓ નાટકો લખે છે, સેંકડો ફિલ્મો બનાવે છે…

પણ કહે છે શું ?

‘અભિવ્યક્તિ’ તો નારીને જ આવડે છે !

*** 

યુધ્ધો લડવા માટે પુરુષે તીર-કામઠાં, ભાલા, તલવાર, તોપ, બંદૂકો, મશીનગન, તોપ, ટેન્કો, વિમાન, મિસાઇલ્સ, પરમાણુ બોમ્બ અને રોબોટ સુધ્ધાંની શોધ જાતે કરી નાંખી..

પણ કહે છે શું ?

‘ક્રિએટિવીટી’ તો નારીમાં જ છે !

*** 

પુરુષોએ પ્રેશરકૂકર, સ્ટવ, ગેસનો ચૂલો, માઈક્રોવેવ ઓવન, રેડી-મેઈડ મસાલા, ફ્રાઇંગ પેન, નોન-સ્ટિક પેન… એવી અનેક શોધો કરીને, એનો વેપાર કરી કરીને પૈસા તો પોતાના જ ખિસ્સામાં નાંખ્યા.. ઉપરથી આ સાધનો વડે નારીને તો રસોડામાં જ ગોંધાયેલી રાખી..

પણ કહે છે શું ?

‘નારી સ્વાતંત્ર્ય’ એ જ નવા જમાનાનું સુત્ર છે ! બોલો.

*** 

પુરુષો પોતે તો બે જાતનાં પેન્ટ-શર્ટ, બે જાતનાં ચંપલ-બૂટ અને બે જાતની હેર-સ્ટાઈલમાં આખી જંદગી કાઢી નાંખે છે. 

પણ સ્ત્રીઓને સત્તર જાતની સાડીઓ, અઢાર જાતના ડ્રેસ, ઓગણીસ જાતનાં સૌંદર્ય પ્રસાધનો અને એકવીસ જાતની હેર-સ્ટાઈલો કરવા માટે જોઈએ એટલા રૂપિયા આપ્યા જ કરે છે…

છતાં કહે છે શું ?

‘કરકસર’ કરતાં તો નારીને જ આવડે !

***

- મન્નુ શેખચલ્લી

Comments