ફિલ્મી હિરોની બે મસ્ત મજાની નોકરીઓ !

આપણી જુની ફિલ્મોમાં બે ડાયલોગ એવા હતા જે ખરેખર તો પેંડાનું બોક્સ હાથમાં રાખીને જ બોલાવા જોઈતા હતા પણ કોંગ્રેસના જમાનામાં મોંઘવારી જ એટલી બધી હતી કે હિરોએ મસ્ત જરકીનનું જેકેટ પહેર્યું હોય અને ઇમ્પોર્ટેડ લાગતા ટેરિકોટનનું મોંઘુ પેન્ટ હોય છતાં એ સાવ ખાલી હાથે ઘરમાં આવીને કહેતો: 

(1) ‘માં માં… મૈં પાસ હો ગયા… 

અથવા (2) માં…. માં… મેરી નૌકરી લગ ગઈ !’

છેક 1913થી લઈને આજ સુધીની ફિલ્મોનો ઇતિહાસ ઉઠાવીને જોઈ લો, સાહેબ, હિન્દી ફિલ્મમાં હિરોએ નૌકરીના નામે ચરી જ ખાધું છે ! 

જોકે હિરોને ફિલ્મોમાં જે નોકરીઓ મળતી હતી એવી જો રિયલ લાઈફ મળતી હોત તો અમારી મોસ્ટ ફેવરીટ નોકરી હતી ‘એસેસ્ટ મેનેજર’ની !

યાર, આ નોકરીમાં જલ્સા હતા. એક તો હિલ સ્ટેશન જેવી મસ્ત જગ્યાએ નોકરી કરવાની એમાં ઉપરથી પેલા રાજાસાહેબની અથવા જાગીરદારની મસ્ત બ્યુટિફૂલ છોકરી જોડે રોમાન્સ પણ કરવા મળે ! જો માલિકની દિકરી ના હોય તો ત્યાં આજુબાજુના ગામડાંમાંથી એકાદ મનમોહક ‘ગાંવ કી ગોરી’ એના માટે તૈયાર જ બેઠી હોય ! 

અચ્છા, કામ શું કરવાનું ? તો એમાં એવું છે કે જ્યારે હિરો ઇન્ટરવ્યુ આપવા આવતો હોય ત્યારે જ મોટેભાગે તો એણે ‘સુહાના સફર ઔર યે મૌસમ હંસી…’ ટાઈપનું ગાયન ગાતાં ગાતાં આવવાનો રૂલ હતો ! (જેનું ‘ઓડિશન’ લેવા માટે એસ્ટેટનો માલિક છૂપી રીતે જંગલમાં ઠેર ઠેર માઈક્રોફોન ગોઠવીને અને દુરબીનો વડે હિરોની અદાઓ જોવા માટે ‘ઇન્ડિયન આઈડોલ’ના જજ લોકોને બેસાડતો હશે !)

અચ્છા, એસ્ટેટ મેનેજરની નોકરી લાગી જાય પછી કામ શું કરવાનું ? તો કહે, ‘મોટિવેશનલ સિંગર’નું કામ છે ! એણે ‘મહેનત હમારા જીવન…’ ‘મહેનતકશ ઇન્સાન જાગ ઉઠા’ એ ટાઈપનાં ગાયનો જ ગાવાનાં ! મજુરી તો બેકગ્રાઉન્ડમાં પેલા એકસ્ટ્રા કલાકારોએ જ કરવાની હોય ! 

આ બે ગાયનોનું કામ પતે કે તરત જ એણે ત્રીજું, સૌથી ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું છે, હિરોઈનના પ્રેમમાં પડીને બીજાં બે-ત્રણ ગાયનો ગાવાનું !

આપણને એમ કે હશે, ગાયનો-બાયનો પતાવીને ભાઈસાહેબ ‘મેનેજર’ તરીકે માલિકને બે પૈસાનો ફાયદો થાય એવું કોઈ ‘કામકાજ’ તો કરશે ? પણ ના ! એનું આખું સિક્રેટ પ્લાનિંગ સોળમાં રીલમાં બોસના બંગલામાં 'પિયાનો' ક્યાંથી મંગાવીને ગોઠવવો એ જ ચાલ્યું હોય ! 

તમે ખાસ માર્ક કરજો, હિરો નોકરી લેવા આવે ત્યારે માલિકના બંગલામાં કોઈ પિયાનો તો શું, પાણીના છ વાડકા ગોઠવીને બનાવેલું જલતરંગ પણ નજરે નહીં ચડે, પણ સોળમાં રીલમાં અચાનક દોઢસો જણાની પાર્ટીમાં બેટો પિયાનો ઉપર ગાયન ગાવા બેસી જશે ! 

અલ્યા, તને મેનેજર શેનો બનાવ્યો છે ? સાલા, મહેમાનોના કેટરીંગમાં ધ્યાન આપ ને ? સમોસા જોડે તો ચટણી ખૂટી પડશે તો તારો કાકો લેવા જવાનો છે ? અને વ્હીસ્કીમાં નાંખવાનો બરફ, જે છેક શહેરમાંથી મંગાવ્યો છે, એ ઓગળી ના જાય, એનું ધ્યાન કોણે રાખવાનું છે ?

જોકે આ એસ્ટેટ મેનેજર પછીની કોઈ બેસ્ટ નોકરી હોય તો એ ‘ઇન-હાઉસ ટ્યૂશન માસ્તર’ની છે ! આમાં પણ બે-ત્રણ નાનાં નાનાં છોકરાં ભણાવવા માટે કુલુ, મનાલિ, શિમલા કે ઊટી જેવી મસ્તી સીન-સિનેરીવાળી જગ્યાએ જ જવાનું હોય ! અહીં પણ જતાં જતાં ‘મુસાફિર હું યારો, ના ઘર હૈ ના ઠિકાના… ’ ટાઈપનું ગાયન ગાતા ગાતા જવાનું ! 

જો હિરો ના ગાતો હોય તો પેલી બાજુ યૌવનના હિલોળા લેતી મસ્ત હિરોઈન તો ગાયન ગાતી તૈયાર જ બેઠી હોય કે ‘હમરે ગાંવ કોઈ આયેગા, પ્યાર કી ડોર સે બંધ જાયેગા !’ સાલું, આપણને થાય કે બંગલાનો માલિક કે માલકિને પેલાં બચુડિયાંને ભણાવવા માટે માસ્તરને રાખ્યો છે કે પોતાની છોકરીનું ‘સેટિંગ’ પાડવા બોલાવ્યો છે ? 

પેલો હિરો પણ, તમે જોજો, છોકરાંઓને હરામ બરાબર કશું યે સરખું ભણાવતો હોય તો ! મારો બેટો, ‘તુમ લોગ ઠીક સે પઢાઈ કરો…’ એમ કહીને બચ્ચાંઓને ધંધે લગાડીને પોતે હિરોઈન જોડે આંખ-મટક્કા કરવાના કામે લાગી જાય છે !

આપણને થાય કે આવી નોકરીની ‘વોન્ટેડ’માં એ લોકો એમ કેમ નહીં લખતા હોય કે ‘બે છોકરાંને ભણાવવા ઉપરાંત ગાયનો ગાતાં, રોમાન્સ કરતાં અને ફાઇટિંગ કરતાં પણ આવડવું જરૂરી છે !’ વળી એ પણ જોવા જેવું છે કે આવી ફિલ્મોમાં કદી એવું થતું જ નથી કે એક્ઝામો આવતી હોય, છોકરાંને કશુંય આવડતું જ ના હોય અને છેલ્લે બન્ને ટેણિયાં ‘ફેઈલ’ થયાં હોય ! 

કમ સે કમ એટલું તો બતાડો કે એક્ઝામની આગલી રાતે હિરો કોઈ ભેદી જગ્યાએ જઈને, મારામારી કરીને, આખું પેપર, સાચા જવાબો સાથે ફોડી લાવે છે !

***

- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com

Comments

  1. और मैं मां बननेवाली हुं। कहां भूल गये??

    ReplyDelete
  2. હા... એ પણ જબરું ક્લિશે હતું !

    ReplyDelete

Post a Comment