આ વખતની ચૂંટણીમાં ભલે ત્રણ જ મુખ્ય પક્ષો છે પરંતુ ‘અ-પક્ષો’ અનેક હશે ! ભુરું બટન દબાવતાં પહેલાં તમને કન્ફ્યુઝ કરવા માટે ઊભેલા આ અપક્ષ ઉમેદવારોના પણ અવનવા પ્રકારો છે ! જુઓ…
***
પ્રકાર (1) ભાવ માગનારા
‘અ’ પક્ષમાં ભાવ ન મળવાથી જે ‘બ’ પક્ષમાં ગયા હોય પણ ત્યાંય ટિકિટ ન મળવાથી ‘ક’ પક્ષમાં કૂદકો માર્યો… અને ત્યાં પણ કપાયા એટલે હવે ‘અપક્ષ’ બનીને ઊભા રહ્યા હોય એવા ઉમેદવારો !
***
પ્રકાર (2) ભાવ બગાડનારા
‘અ’ પક્ષને જીતાડવા માટે જ્યાં ‘બ’ પક્ષના વોટને તોડવાની જરૂર હોય એવી સીટો ઉપર નફ્ફટની જેમ ટાંગ ઘૂસાડીને ઊભા રહેલા ‘સ્પોન્સર્ડ’ ઉમેદવારો !
***
પ્રકાર (3) 'ભવ' સુધારનારા
જિંદગીમાં કોઈ વાતે કશુંય નામ ન કમાઈ શક્યા હોવા છતાં આ ભવમાં તો કંઈક એવું કરી જઈએ કે ‘નામ’ થઈ જાય… એવું માનીને ઝંપલાવનારા ભડવીર ઉમેદવારો !
***
પ્રકાર (4) ઊઠ-બેસ કરનારા
ઊંઘમાંથી અચાનક ઊઠીને ઊભા જ એટલા માટે રહ્યા છે કે કંઈક લાભ-લાલચ કે લક્ષ્મી મળે તો તરત ‘બેસી’ જવા થાય !
***
પ્રકાર (5) સેલ્સ-માર્કેટિંગવાળા
આમે ય ઘેર-ઘેર ફરીને વોશિંગ પાવડર, પાપડ-અથાણાં કે મામૂલી પ્રોડક્ટો વેચતા હતા એવા ડોર-ટુ-ડોર સેલ્સમેનો ! જે એમ વિચારે છે કે ‘સાઈડ’માં આ ધંધો પણ કરી જોઈએ… છેવટે ‘કસ્ટમર બેઝ’ તો મોટો જ થવાનો ને ?
***
પ્રકાર (6) બતાડી દેનારા
ગઈકાલ સુધી જેના માટે મરી ફીટવા સુધીની વફાદારી બતાડતા હતા તેનું હવે નામ કપાઈ જવાથી પોતાની બેવફાઈને ‘બતાડી’ દેવા મેદાનમાં પડેલા ઉમેદવારો !
***
પ્રકાર (7) લોકશાહીમાં માનનારા !
આ સિધ્ધાંતવાદીઓ ચૂંટણીમાં ફક્ત એટલા માટે ઊભા રહે છે કે તેઓ પોતાને NOTAનો વિકલ્પ માને છે ! ....કોઈને ના આપવાના હો તો મને આપો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment