દિવાળી પતી ગઈ ! સાથે સાથે બધી ડિસ્કાઉન્ટ સ્કીમો પણ પતી ગઈ !
જોકે અમને લાગે છે કે દિવાળી પછીની આ સિઝનમાં અમુક નવી સ્કીમો મુકી હોય તો હિટ જાય તેવી છે !
***
મીઠાઈ-બેક સ્કીમ
બધાના ઘરમાં મીઠાઈનાં બબ્બે ચાર-ચાર બોક્સો એમનાં એમ જ પડ્યાં છે ! ગિફ્ટમાં આવેલી મીઠાઈઓને બારોબાર બીજાને ગિફ્ટ આપવાનો સમય પણ ગયો ! તો હવે એનું કરવું શું ? એક આઇડિયા છે…
મીઠાઈની દુકાનવાળાએ આવાં મીઠાઈનાં બોક્સો અડધી કિંમતે પાછાં લઈ લેવાં જોઈએ ! પછી બિન્દાસ એ જ મીઠાઈઓ વેચો ને ? હવે ક્યાં આરોગ્ય ખાતાની રેઈડ પડવાની છે ?
***
ચરબી-બેક સ્કીમ
આ સ્કીમ જિમ ચલાવનારાએ મુકવા જેવી છે. દિવાળીના તહેવારોમાં લોકોએ તળેલાં ફરસાણ અને હાઈ-શુગરવાળી મીઠાઈઓ ખાઈ ખાઈને પોતાની ચરબી, ફાંદ તથા વજન વધારી મુક્યાં છે ! જિમવાળા એમને કહી શકે કે છેલ્લા પંદર દિવસમાં જેટલા ગ્રામ વજન વધાર્યું હોય એના હિસાબે એટલું ડિસ્કાઉન્ટ મળશે ! દોડો… દોડો… દોડો… ટ્રેડ-મિલ ઉપર !
***
ફટાકડા-બેક સ્કીમો
લોકોએ તો પોતે ખરીદેલા ફટાકડા તો ફોડી જ નાંખ્યા છે પણ હજી દુકાનોમાં જે સ્ટોક વેચાયા વિનાનો પડ્યો છે તેનું શું ? આ ફટાકડાઓની 8 ડિસેમ્બરે જરૂર પડવાની જ છે ! કેમકે એ દિવસે ચૂંટણીના પરિણામો આવશે !
દુકાનવાળા અત્યારથી જઈને પાર્ટીની ઓફિસોએ વેચવાનો ટ્રાય કરે તો ભાવ સારો મળશે ! (કેમકે 8 ડિસેમ્બરે હારેલી પાર્ટીઓ ખરીદશે નહીં !)
***
વચન-બેક સ્કીમો
ચૂંટણીઓ આવી છે એટલે નેતાઓ તેમનાં જુનાં વચનો પાછા ખેંચીને નવાં વચનો આપી શકે છે ! એ પણ ‘ફ્રી’માં ! જલ્દી કરો… સ્કીમ માત્ર 8 ડિસેમ્બર સુધી..
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment