હવે જ્યારે ચૂંટણી આડે પંદર જ દિવસ બાકી રહ્યા છે અને પ્રચારની ધમધમાટી શરૂ થવાની છે ત્યારે અમુક ચટાકેદાર ટચૂકડી જાહેરખબરો આવવાની શક્યતાઓ છે ! જુઓ નમૂના…
***
જોઈએ છે જુનાં જુતાં
વિરોધી દળના નેતાને છૂટ્ટાં મારવા માટે તથા હાર બનાવીને પહેરાવવા માટે જુનાં, ઘસાઈ ગયેલાં જુતાં, ચંપલ, સેન્ડલ વગેરે જથ્થાબંધ ભાવમાં જોઈએ છે. ઘણે દૂર સુધી ફેંકી શકાય તેવા મજબૂત જુતાં, તેમજ અતિશય ખરાબ વાસ મારતાં હોય તેવાં હારમાં પરોવી શકાય તેવાં જુતાંને પ્રથમ પસંદગી.
***
જોઈએ છે ફૂડ-પેકેટ સપ્લાયરો
દિલ્હીથી વિમાનમાર્ગે આવી રહેલા સ્ટાર પ્રચારકોની સભામાં ભેગી થયેલી ભીડને ખવડાવવા માટે હજારોની સંખ્યામાં થેપલાં-મરચાં તથા પુરી-અથાણાં વગેરેનાં ફૂડ-પેકેટો એક્સ્પાયરી ડેટની ગેરંટી સાથે આપી શકે તેવા સપ્લાયરો જોઈએ છે.
(ખાસ નોંધ : બગડી જવાથી ફૂડ-પોઈઝનિંગ થઈ શકે તેવાં ફૂડ-પેકેટો પણ જોઈએ છે, વિરોધી દળની રેલીમાં વહેંચવા માટે.)
***
વિવિધ રંગના વાવટા મળશે
કાળા વાવટા, ભગવા ઝંડા, લીલા વાવટા તથા તિરંગા વગેરે ભાડેથી મળશે. (સાથે ખોસવાની ડંડીનો ચાર્જ એકસ્ટ્રા લાગશે.) ઉપરાંત બંગાળની ચૂંટણી પછી વધેલા લાલ વાવટા સસ્તા ભાવમાં કાઢી નાંખવાના છે. વાવટાને બદલે હવામાં હલાવવાનાં ઝાડૂ પણ ભાડેથી મળશે.
(ખાસ નોંધ : ઝાડૂ હલાવવા માટે જ છે. કચરો કાઢવા માટે નથી. કચરો કાઢેલાં ઝાડૂં પાછાં લેવામાં આવશે નહીં.)
***
જોઈએ છે ‘ઇન્ફ્લુએન્સરો’
સોશિયલ મિડિયામાં પતિ-પત્નીની જોક્સ કરનારાં કપલ્સ, કાકાના અવાજમાં જોક્સ કહેનારી સુંદર મહિલાઓ, જુની અને જાણીતી જોક્સ મરેલાં ડાચાં રાખીને કહેનારા પુરુષો તથા ચાઇનિઝ ફની વિડીયોની નકલ કરનારા યંગસ્ટર્સ જેવા ઇન્ફ્લુએન્સરો જોઈએ છે.
તમારે મોદીજી, રાહુલજી અને કેજરીવાલજીના અવાજમાં જોક્સ પણ કહેવાની છે. સોનિયાજીનો ‘મ્યુટ’ અવાજ કાઢી શકનારને ડબલ ફી મળશે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment