કહે છે કે દિલ્હી નગરપાલિકાની ચૂંટણીમાં એક નેતાને પાર્ટીની ટિકિટ ના મળી, તો મોબાઈલના ટાવર ઉપર ચડીને પડતું મુકવાની ધમકી આપીને વિરોધ નોંધાવ્યો !
અમને લાગે છે કે આનું અનુકરણ ગુજરાતમાં જેને જેને ટિકિટ ના મળી હોય એણે કરવા જેવું છે ! પ્રસ્તુત છે એ માટેના નવા નુસખા…
***
વિરોધ નુસખો (1)
બેસ્ટ નુસખો જોઈતો હોય તો એક કામ કરો. મોરબીનો ઝુલતો પુલ, જે તૂટીને લબડી રહ્યો છે, ત્યાં જઈને લટકી જાવ…
કહો કે મને ટિકિટ નહીં મળે તો હું અહીંથી પડતું મુકીશ !
***
વિરોધ નુસખો (2)
ગુજરાતના કોઈપણ શહેરમાં જાવ, ત્યાં કોઈ એવું બિલ્ડિંગ શોધી કાઢો જેની ઉપરના બે-ત્રણ માળ BU પરમિશન લીધા વિના જ બંધાઈ ગયા છે ! (ડઝનબંધ મકાન એવાં છે.)
એના ટોચના માળે ચડીને પોકારો… કે કાં તો આ ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને સજા કરો, કાં તો મને ટિકિટ આપો !
***
વિરોધ નુસખો (3)
ગુજરાતના શહેરોમાંથી કોઈપણ એવો રોડ શોધી કાઢો જેની પાછળ કરોડોનો ખર્ચ થયો હોવા છતાં માત્ર એક જ વરસાદ પછી એમાં ખાડા પડી ગયા હોય… (આવા રોડ પણ ડઝનના ભાવે ઉપલબ્ધ છે !)
આવા જ કોઈ ખાડામાં સૂઈ જઈને ફોટા તથા વિડીયો ઉતરાવતાં કહો કે કાં તો આવા રોડ માટેના જવાબદારોને હાજર કરો, અથવા મને ટિકિટ આપો !
***
વિરોધ નુસખો (4)
કોઈપણ શહેરની એવી સરકારી જમીન શોધી કાઢો જેને અધિકારીઓ, નેતાઓ તથા લેન્ડ માફિયાઓની સાંઠગાંઠથી પાણીના ભાવે ખાનગી માલિકીની બનાવી દેવાઈ હોય… (આવા પ્લોટ પણ ડઝનબંધ છે !)
એવી જમીનમાં ખાડો ખોદીને સૂઈ જાવ ! અને
સમજી ગયા ? આમ કરવાથી જો ટિકિટ મળી જાય… તો પછી ક્યાં કશી માથાકૂટમાં પડવાનું છે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment