અટક્યા હિરોઇનોની અટકમાં !

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દિકરીનું નામ શું રાખવું એના માટે લોકો તુક્કા લગાડે છે પણ અમારું કહેવું એમ છે કે લગ્ન પછી હિરોઈને એની જુની ‘અટક’ તો સાચવી જ રાખવી જોઈએ ને ?

દાખલા તરીકે ઐશ્ર્વર્યાએ પોતાનું નામ ‘ઐશ્વર્યા રાય બચ્ચન’ એવી રીતે લખાવે છે એ રીતે જોતાં…

*** 

આલિયાએ પોતાનું નામ ‘આલિયા ભટ્ટ કપૂર’ લખાવવું જોઈએ !
અમે તો કહીએ છીએ કે આલિયાની મમ્મી સોની રાઝદાને પણ એમનું નામ ‘સોની રાઝદાન ભટ્ટ’ લખાવવું જોઈતું હતું !
જો એમ હોત તો અત્યારે આલિયાની દિકરીનું કેવું સરસ મઝાનું નામ હોત…?

ફલાણી ભટ્ટકપૂર રાઝદાનભટ્ટ’ !

*** 

કરીના કપૂર તો પરણ્યા પછી કરીના કપૂરખાન લખાવે જ છે. એ હિસાબે એના દિકરાનું નામ શું થયું ?

તૈમૂર કપૂરખાન’ રાઈટ ?

હવે ધારો કે આલિયાની દિકરી તૈમૂરના પ્રેમમાં પડીને એને પરણી જાય તો શું લખાવે ?

ફલાણી ભટ્ટકપૂર કપૂરખાન !’

- બોલો, કેવું લાગે છે ?

*** 

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો આવી લાકડે-માંકડે સરનેમો આવતી જ રહેવાની !
દાખલા તરીકે પેલી મલઈકા અરોરા, જે અરબાજ ખાનની પત્ની હતી, તે પોતાની ડબલ-અટક ‘અરોરાખાન’ રાખે… અને હવે જતે દહાડે તો અર્જુન કપૂરને પરણે તો એની ‘ટ્રિપલ’ અટક થઈ જાય !

- મલઈકા ‘અરોરાખાન કપૂર’ !

*** 

એવી જ રીતે હૃતિક રોશન પરણ્યો સુઝાન ખાનને ! પછી સુઝાનનું નામ સુઝાન ‘ખાનરોશન’ થઈ જાય !

એટલે એમનાં સંતાનોનાં નામ પણ હિૃદાન ખાનરોશન અને હિયાન ખાનરોશન થઈ જાય ! હવે જો શાહરૂખની દિકરી સુહાના છિબ્બરખાન (ભૂલી ગયા? ગૌરીની અસલી અટક ?) અને હ્રિદાન ખાનરોશન, એ બન્નેનું ચોકઠું ગોઠવાઈ જાય તો સુહાનાનું આખું નામ શી રીતે લખવાનું ?

સુહાના છિબ્બરખાન ખાનરોશન !

- બોલો, માથું ભમી ગયું ને ?

***

- મન્નુ શેખચલ્લી

Comments