નેતાઓ જનતાને બાળક જ સમજે છે ! દર પાંચ વરસે આવીને એકાદ લોલીપોપ બતાડીને વોટ લઈ લે છે અને પછી ગાયબ થઈ જાય છે ! છેવટે ભોળી જનતા બાળ-કાવ્યો ગાતી બેસી રહે છે…
***
મેં દેશને લોકશાહી આપી
લોકશાહીએ મને ચૂંટણી આપી
ચૂંટણીને મેં વોટ આપ્યો
વોટે મને સરકાર આપી
સરકારે મને રોડ આપ્યો
રોડે મને ખાડા આપ્યા
ખાડાના મેં ફોટા પાડ્યાં
ફોટાને મેં ફેસબુકમાં મુક્યા
ફેસબુકે મને લાઈક આપી
લાઈક જોઈને અમે રાજી થયા
ખાડાને સૌ ભૂલી ગયા
ખાડાને નવું થિગડું મળ્યું
મને ફાલતું જોડકણું મળ્યું !
***
મેં ચૂંટણીને વોટ આપ્યો
વોટે મને સરકાર આપી
સરકારે મને પુલ આપ્યો
પુલને મેં પૈસા આપ્યા
પૈસાએ મને ટિકીટ આપી
ટિકીટ મેં બધાને આપી
બધાએ પુલને ભીડ આપી
ભીડે પુલને હોનારત આપી
હોનારતે ટીવીને ચર્ચા આપી
ચર્ચાએ ચેનલને ઘોંઘાટ આપ્યો
ઘોંઘાટને સરકારે ચૂંટણી આપી
ચૂંટણીએ ટીવીને ધંધે લગાડ્યા
ધંધાએ નવા મુદ્દા ચગાવ્યા
મુદ્દાએ મુદ્દાને ભૂલાવી દીધા
ભૂલેલી પ્રજા ભૂલી જ ગઈ
ભૂલથી ફરી વોટ આપવા ગઈ
ફરીથી એ જ ચક્કર ચાલ્યું
મને નવું જોડકણું મળ્યું !
***
મામાનું ઘર કેટલે
દીવો બળે એટલે
પ્રજાનું સુખ કેટલે
વોટ આપ્યો એટલે !
દીવો તો મેં દીઠો
નેતા કદી દીઠો નહીં !
તાળી વગાડે છોકરાં
નેતા આપે ટોપરાં
ટોપરાં તો ખોરાં
વચન આપે કોરાં
ખોરાં ટોપરા ભાવે નહીં
નેતા મીઠાઈ આપે નહીં !
કોણી ઉપર ગોળ છે
મામાઓ તો ચોર છે !
***
- મન્નુ શેખચલ્લી
Wah Wah Mannubhai-બહોત ખૂબ!
ReplyDeleteThank you !!
ReplyDelete